BREAKING NEWS

હાઇવે પર રોંગસાઈડમાં જતા વાહનચાલકોનું થયું કાઉન્સેલિંગ

  • January 12, 2026 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના ધરમપુર નજીક રોંગસાઈડમાં બેફામ સ્પીડમાં આવતા વાહનચાલકોનું પોલીસે કાઉન્સેલિંગ કરીને વ્યવસ્થિત રીતે નિયમનું પાલન કરવા સમજ આપી હતી.
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૬ ની ઉજવણી અંતર્ગત સમગ્ર દેશમાં માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવા,જનજાગૃતિ ફેલાવવા અને ટ્રાફિકના નિયમોનું કડક અમલ કરાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ અભિયાન અંતર્ગત પોરબંદર જિલ્લામાં પણ પોલીસ વિભાગ દ્વારા માર્ગ સલામતીને લઈને સઘન અને સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા  તથા નાયબ પોલીસ અધિક્ષક ઋતુરાબાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લામાં માર્ગ સલામતી વિષયક વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો, તપાસ અભિયાન તથા દંડાત્મક કાર્યવાહી ચાલી રહી છે.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ માત્ર દંડ વસૂલવાનો નહી પરંતુ જનતામાં માર્ગ સલામતી પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનો છે.
માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુ અને ગંભીર ઇજાઓ માત્ર એક વ્યક્તિ કે પરિવાર સુધી સીમિત રહેતા નથી, પરંતુ સમગ્ર સમાજ માટે એક અપુરણીય નુકસાન સાબિત થાય છે.
આવી સ્થિતિને ધ્યાને રાખીને પોરબંદર ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માતથી બચવા માટે નિયમોનું પાલનનો મંત્ર જનતા સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.
રોંગસાઈડમાં  વાહન ચલાવી આપો છો અકસ્માતોને આમંત્રણ
ટ્રાફિક પોલીસ પોરબંદર દ્વારા ખાસ કરીને રોંગસાઈડમાં વાહન ચલાવતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. 
રોંગસાઈડમાં આવતા વાહનચાલકોને રોકી તેમને સમજાવવામાં આવ્યું હતું કે ખોટી દિશામાં વાહન ચલાવવાથી ગંભીર કે જીવલેણ અકસ્માત સર્જાવાની પુરેપુરી સંભાવના રહે છે.આવા અકસ્માતોમાં ઘણીવાર નિર્દોષ લોકો શિકાર બનતા હોય છે,જેમાં બાળકો, વૃદ્ધો અને પગપાળા ચાલકો પણ સામેલ હોય છે.
ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડમાં આવતા વાહનચાલકોને માત્ર દંડ ન લગાવી, પરંતુ સમજાવીને યોગ્ય અને સાચી દિશામાં પરત મોકલવામાં આવ્યા હતા.આ કાર્યવાહી દરમિયાન પોલીસ કર્મચારીઓએ વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કેમ અનિવાર્ય છે તેની વિસ્તૃત માહિતી પણ આપી હતી.ખાસ કરીને હાઈ-વે અને મુખ્ય માર્ગો પર રોંગસાઈડમાં વાહન ચલાવવું એ પોતાનો જીવ જોખમમાં મુકવા સમાન છે, તે બાબત પર ભાર મુકવામાં આવ્યો હતો.
જોખમી સ્થળો પર વારંવાર ઉલ્લંઘન
પોરબંદર જિલ્લામાં કેટલાક ચોક્કસ સ્થળોએ રોંગસાઈડ વાહનચાલનની સમસ્યા ગંભીર બની ગઈ છે.ત્રણ માઈલ પાસે કુછડીહર્ષદ તરફ જતા માર્ગ પર, એરપોર્ટ સામે ગાયત્રી હાઈટ્સ નજીક, વનાણા ટોલ નાકાથી પોરબંદર તરફ ધરમપુર અંડરબ્રિજ તેમજ કુછડીથી પોરબંદર તરફ આવતા માર્ગ પર વારંવાર જોખમી રીતે વાહનો રોંગસાઈડમાં ચાલતા જોવા મળે છે.આ સ્થળો પર હાઈવે ટ્રાફિક વધુ હોવાના કારણે અકસ્માતની સંભાવના પણ અનેકગણી વધી જાય છે.
આ વિસ્તારોમાં અગાઉ પણ અનેક વખત વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.છતાં પણ કેટલાક વાહનચાલકોમાં નિયમો પ્રત્યે બેદરકારી યથાવત જોવા મળી રહી છે.ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, ઘણી વખત પોલીસની હાજરી હોવા છતા વાહનચાલકો રોંગસાઈડમાં વાહન ઘુસાડી દે છે, જે ગંભીર ચિંતાજનક બાબત છે.
દંડથી નહીં, અકસ્માતથી બચો-ટ્રાફિક પોલીસની અપીલ
પોરબંદર ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા જાહેર જનતાને સ્પષ્ટ અપીલ કરવામાં આવી છે કે,ટ્રાફિક નિયમોનું પાલન માત્ર પોલીસના દંડથી બચવા માટે નહીં, પરંતુ પોતાના તથા અન્યના જીવ બચાવવા માટે કરવું અનિવાર્ય છે.હેલ્મેટ, સીટબેલ્ટ, સ્પીડ લિમિટ, લેન ડ્રાઈવિંગ અને રોંગ સાઈડથી બચવું  આ બધા નિયમો લોકોના હિત માટે બનાવવામાં આવ્યા છે, ન કે લોકો પર ભાર પાડવા માટે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે,એક ક્ષણની બેદરકારી આખી જિંદગીનો પસ્તાવો બની શકે છે.તેથી દરેક વાહનચાલકે પોતાની જવાબદારી સમજીને માર્ગ પર વાહન ચલાવવું જોઈએ.
પ્રવાસી બસચાલકોની બેફામ ડ્રાઈવિંગ:ગંભીર મુદ્દો
હાલના સમયમાં પોરબંદર શહેરમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.મોટી સંખ્યામાં જુદી-જુદી શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસે પોરબંદર આવી રહ્યા છે. તે ઉપરાંત અન્ય રાજ્યોમાંથી આવતા યાત્રાળુઓ પણ પોરબંદરની યાત્રા માટે આવે છે.
આવા પ્રવાસોમાં બસ દ્વારા મુસાફરી કરવામાં આવે છે, પરંતુ દુર્ભાગ્યવશ અનેક બસચાલકો બેફામ સ્પીડે બસ ચલાવતા જોવા મળે છે.
બસ જેવા મોટા અને ભારે વાહનો જો અનિયંત્રિત ગતિએ ચાલે તો નાના વાહનો તથા પગપાળા ચાલકો માટે ગંભીર જોખમ ઉભું કરે છે.છેલ્લા કેટલાક સમયથી એવી ઘટનાઓ સામે આવી છે કે બસચાલકો પોલીસની હાજરીમાં જ કોઈ ડર વિના રોંગસાઈડમાં હાઈવે પર બસ ઘુસાડી દે છે. આવી બેદરકારી માત્ર નિયમ ભંગ નથી, પરંતુ સીધો માનવજીવન સાથેનો ખેલ છે.
વિદ્યાર્થીઓ અને યાત્રાળુઓની સલામતી દાવ પર
શાળાકોલેજના વિદ્યાર્થીઓ,વડીલો અને મહિલાઓ બસમાં મુસાફરી કરતા હોય છે. જો બસચાલક બેફામ રીતે વાહન ચલાવે તો અકસ્માત સર્જાય તો તેની અસર અનેક પરિવારો પર પડે છે. વિદ્યાર્થીઓના માતાપિતા બાળકોને વિશ્વાસપુર્વક પ્રવાસે મોકલે છે, પરંતુ આવા બેફામ ડ્રાઈવરોના કારણે તેમની સલામતી દાવ પર લાગી જાય છે.
યાત્રાળુઓ પણ શ્રદ્ધાભાવથી યાત્રા પર નીકળે છે,પરંતુ બેદરકાર ડ્રાઈવિંગ તેમના જીવન માટે જોખમ બની જાય છે.આથી આવા બસચાલકો સામે કડક હાથે કામ લેવું હવે સમયની માગ બની ગઈ છે.
કડક કાર્યવાહી જ‚રી
ટ્રાફિક નિષ્ણાતો અને સ્થાનિક નાગરિકોનું માનવું છે કે માત્ર સમજાવટ પુરતી નથી, પરંતુ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક દંડ, લાયસન્સ સસ્પેન્શન તથા વાહન જપ્તી જેવી કાર્યવાહી જ‚રી છે.ખાસ કરીને પ્રવાસી બસોના ચાલકો માટે સ્પેશિયલ ચેકિંગ ડ્રાઈવ, સ્પીડ ગન દ્વારા ઝડપ માપણી અને સતત નજર રાખવી અનિવાર્ય બની છે.
પોલીસ વિભાગ દ્વારા જો આવા બસચાલકો સામે ગુન્હો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવે તો અન્ય ડ્રાઈવરો માટે પણ સંદેશો સ્પષ્ટ થઈ શકે છે કે નિયમ તોડવાનો અર્થ સીધો કાયદાકીય કાર્યવાહી છે.
જનસહકાર વિના સફળતા અશક્ય
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો સાચો ઉદ્દેશ ત્યારે જ સિદ્ધ થશે જ્યારે જનતા પણ તેમાં સક્રિય ભાગ લેશે.
માત્ર પોલીસ કે પ્રશાસન એકલા માર્ગ સલામતી સુનિશ્ચિત કરી શકશે નહી.દરેક વાહનચાલક, દરેક નાગરિક જો પોતાની ફરજ સમજીને નિયમોનું પાલન કરે તો જ અકસ્માતોની સંખ્યા ઘટી શકે.
પોરબંદર ટ્રાફિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા અભિયાન પ્રશંસનીય છે, પરંતુ તેની સફળતા જનસહકાર પર આધાર રાખે છે. મારો એક નિયમ પાલન, કોઈનો એક જીવ બચાવ  આ ભાવના સાથે જો દરેક નાગરિક આગળ આવે તો રસ્તાઓ ખરેખર સુરક્ષિત બની શકે.
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૬ માત્ર એક ઔપચારિક ઉજવણી ન બની રહે,પરંતુ તે જનજાગૃતિ અને જવાબદારીનું આંદોલન બને તે જરૂરી છે.પોરબંદર જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહી અને અપીલ એ સ્પષ્ટ સંદેશ આપે છે કે માર્ગ સલામતી કોઈ વિકલ્પ નથી, પરંતુ આવશ્યકતા છે.
રોંગસાઈડ વાહનચાલન, બેફામ સ્પીડ અને નિયમ ઉલ્લંઘન જેવી પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા કડક કાર્યવાહી સાથેસાથે જનજાગૃતિ પણ એટલી જ મહત્વપૂર્ણ છે.જો આજે આપણે સાવચેત ન બનીએ તો આવતીકાલે તેનું મૂલ્ય કોઈ નિર્દોષ જીવ ચૂકવી શકે છે.તેથી દંડના ડરથી નહીં, પરંતુ જીવનના મોહથી ટ્રાફિક નિયમોનું પાલન કરવું  એ જ સાચી માર્ગ સલામતીની શરૂઆત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application