BREAKING NEWS

જામનગર : પીએમજેએવાયના અહેવાલોના ઘટસ્ફોટ બદલ બોર્ડમાં આજકાલને અભિનંદન આપતા નગરસેવક

  • December 20, 2025 06:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પીએમજેએવાય-માં કાર્ડની યોજનાઓનો રાજ્યભરમાં દુરઉપયોગ ચાલી રહ્યાનું ખ્યાતી કાંડ બાદ સામે આવ્યું એ પછી જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટીટ્યુટ અને ઓશવાળની આયુષ હોસ્પિટલમાં પણ ગેરરીતિ સામે આવતા મેડીકલ જગતમાં હલચલ મચી ગઇ હતી, લોકોના હિત ખાતર આજકાલ દ્વારા અવિરત અહેવાલો આપવામાં આવ્યા હતા, અફસોસ સત્તાધારીઓમાંથી તો લોકોના હિતના રક્ષણ માટે કોઇ બોલ્યું નથી, ત્યારે ગઇકાલે જામનગર મહાનગરપાલિકાની મળેલી જનરલ બોર્ડની બેઠકમાં વોર્ડ નં. ૧ર ના લડાયક નગરસેવક અસલમ ખીલજીએ આ મુદ્દે વાત કરીને ઉંડી તપાસની માંગ તો કરી જ હતી અને સાથે સાથે લોકહિતને ઘ્યાનમાં રાખીને અહેવાલો પ્રસિઘ્ધ કરનાર આજકાલને અભિનંદન પાઠવ્યા હતા... અમારી એટલી પ્રતિક્રિયા છે કે અમને આનંદ થયો, સત્તાધારીઓ તો ગાંધીજીના તીન બંદરની ભૂમિકામાં છે, ચાલો વિપક્ષમાંથી તો અવાજ ઉઠ્યો.


ગઇકાલે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજીએ જણાવ્યું હતું કે, જેસીસી હાર્ટ ઇન્સ્ટીટ્યુટ અને ઓશવાળની આયુષ હોસ્પિટલમાં જેમને જરૂર નથી, તેમના પર ઓપરેશન કરીને સ્ટેન્ડ બેસાડી દેતા અને સરકારની આ યોજનાનો ખોટો લાભ લઇને કમાયા હતા, હું જામનગરના આજકાલ દૈનિકને ધન્યવાદ આપીશ કે, દર્દીઓની વેદના અને વ્યથા તેઓએ ચમકાવી અને લોકો માટે સારૂ કાર્ય કર્યું.


આ દૈનિકે હોસ્પિટલના સંચાલકોનો મુદ્દો ગ્રાઉન્ડ ઉપર લાવ્યા અને ગરીબોના હક્ક માટે તેઓએ મુહિમ શરૂ કરી હતી, હું તો ત્યાં સુધી કહું છું કે કોઇપણ હોસ્પિટલ હોય કે ડોકટર, તેમની સામે આ પ્રકારના કૃત્ય હોય તો કડક પગલા લેવા જોઇએ અને આજકાલે લોકોનું આ કામ કર્યું છે. આપણે મૌન રહીએ, એ વ્યાજબી નથી, આ અંગે જામ્યુકોના આરોગ્ય વિભાગે કડક પગલા લઇને યોગ્ય દાખલો બેસાડવો જોઇએ. આ સમગ્ર કૌભાંડ સંડોવાયેલા તમામ સામે કડક પગલા લેવા જોઇએ.


વિપક્ષી નગરસેવકે વધુમાં કહ્યું હતું કે, ૬ મહિના પહેલા રીવરફ્રન્ટના નામે મકાનોના ડીમોલીશન કર્યા, અમદાવાદમાં જ્યારે ડીમોલીશન કરવામાં આવે ત્યારે તેઓને મકાન ફાળવવામાં આવે, પરંતુ જામનગરમાં કોઇને પ્લોટ કે મકાન ફાળવવામાં આવ્યા નથી, ટીપી રોડ કાઢ્યા બાદ જે કાર્યવાહી થવી જોઇએ, તે થઇ નથી. આ ઉપરાંત સરકારની ગાઇડલાઇન મુજબ ગેરકાયદેસર મકાનોની સામે કાર્યવાહી થાય તે યોગ્ય છે, પરંતુ તેઓને પણ મકાન મળવા જોઇએ. જામનગરમાં રમત ગમતનું મેદાન નથી, કેન્દ્ર લેવલે ફૂટબોલર મેસ્સી માટે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે, ત્યારે જામનગરમાં શા માટે ક્રિકેટનું મેદાન નથી, હાપા માર્કેટીંગ યાર્ડ પાસે આવેલા જુગનુ ક્રિકેટ મેદાનને આધુનિક રીતે વિકસાવવાની માંગણી છે ત્યારે સ્થાનિક યુવાનોને પ્રોત્સાહન મળે તે પણ જરૂરી છે. બેઘર થયેલા લોકોને તાત્કાલિક આવાસ ફાળવવા અને પીએમજેએવાય યોજનામાં જે ભ્રષ્ટાચાર થયો છે તેવા ડોકટરો અને સંચાલકો સામે પગલા લેવા ઉગ્ર માંગણી કરી છે. ​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application