ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં દર મહિને 30 લાખ લિટર ટ્રીટેડ સુએઝ વોટર વપરાશ, શુધ્ધ પાણીની બચત

  • March 22, 2024 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં વપરાશી પાણી ડ્રેનેજ સિસ્ટમ મારફત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુધ્ધ કરવામાં આવે છે. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધ થતા ટ્રીટેડ વોટરનો શક્ય તેટલા ક્ષેત્રોમાં પૂન: ઉપયોગ થાય અને તેના પરિણામે ચોખ્ખા પાણીનો શક્ય તેટલો બચાવ થાય તે માટે જ્યાં જ્યાં શક્ય છે ત્યાં ટ્રીટેડ વોટરનો ઉપયોગ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવેલી છે. જેમાં રાજકોટ મહાપાલિકા અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન વચ્ચે પાણીના પુન: વપરાશ અંગે કરાર કરવામાં આવેલ. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના માધાપર ખાતે આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને તેના ખંઢેરી સ્થિત નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ સંકુલમાં વપરાશ માટે માસિક આશરે 30 લાખ લીટર ટ્રીટેડ પાણી આપવામાં આવી રહ્યું છે, તેમ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું.

રાજકોટ મહાનગરપાલિકા વોટર ઓપરેશન એન્ડ મેનેજમેન્ટ સેલ (ડ્રેનેજ) શાખા હસ્તક હાલમાં કુલ 7 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે, જેની દૈનિક કુલ ટ્રીટમેન્ટ ક્ષમતા 331.5 એમએલડી છે, જેમાં પ્રતિદિન 260 એમએલડી સુએઝને ટ્રીટ કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલઆ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટ થયેલ પાણીને પુન: વપરાશ માટે જેવા કે ગાર્ડન, બાંધકામ તેમજ ઔદ્યોગિક એકમોમાં ઉપયોગમાં લઇ શકાય તે અંગે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રીયુઝ પોલીસી બનાવવામાં આવી છે, જે અન્વયે નિયત થયેલ દરે પાણીના ચાર્જ વસુલીને જળ જથ્થો આપવાની નીતિ અપ્નાવવામાં આવેલ છે.

મ્યુનિ. કમિશનર આનંદ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઈશ્વરીયા મહાદેવ સહકારી મંડળી તેમજ આણંદપર પિયત સહકારી મંડળીને ઈરીગેશન (સિંચાઈ) હેતુ માટે આ ટ્રીટ થયેલું પાણી આપવામાં આવે છે. જેમાં ઈશ્વરીયાની મંડળીના 31 સભ્યો 44.59 હેક્ટર ખેતીની જમીનમાં અને આણંદપરની મંડળીના 13 સભ્યો 16.37 હેક્ટર ખેતીની જમીનમાં આ ટ્રીટ થયેલું પાણીની મદદથી કૃષિ પાક લઇ રહ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ એસટીપીના ટ્રીટ થયેલા પાણીના વધુ પુન: વપરાશ થાય તે અંગે સતત કાર્યરત છે. હાલમાં જ રાજકોટ મહાનગરપાલિકા અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન વચ્ચે પાણીના પુન: વપરાશ અંગે કરાર કરવામાં આવેલ. આ કરાર અનુસંધાને હાલ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના માધાપર ખાતે આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનને માસિક 30.00 લાખ લીટર પાણી આપવામાં આવી રહ્યું છે. ઉપરોક્ત કરારનામા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને ગુજરાત સરકાર વેસ્ટ વોટર રીયુઝ પોલીસીના 2025 સુધીમાં 70 ટકા વેસ્ટ વોટર રીયુઝના લક્ષ્યાંકને મેળવવામાં સરળતા રહેશે.
કમિશનરએ વિશેષમાં ઉમેર્યું હતું કે, હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદાજુદા સેક્ટર જેવા કે ઉદ્યોગો, બાંધકામ, બાગાયત, વગેરેમાં સુએજ ટ્રીટેડ વોટરના પૂન: ઉપયોગ માટે અલગઅલગ સમૂદાયો સાથે બેઠકના આયોજન પ્રગતિમાં છે. દરમ્યાન નાકરાવાડી સ્થિત વેસ્ટ ટુ એનજીર્ પ્લાન્ટ માટે સુએજ ટ્રીટેડ વોટરની 12 કી.મી.ની પાઇપલાઈન નાંખવામાં આવી રહી છે, જે પૈકી 8 કી.મી. પાઈપલાઈન બિછાવવાનું કાર્ય પૂર્ણ થઇ ચુક્યું છે. આ પ્રોજેક્ટ માટે 3 એમ.એલ.ડી. જળ જથ્થો આપી શકાશે. આમ સુએજ ટ્રીટેડ વોટરના પૂન: ઉપયોગ વડે રાજકોટ મહાનગરપાલિકા પીવાના શુધ્ધ પાણીનો સારી એવી માત્રામાં બચાવ કરી શકશે. આવનારા દિવસોમાં ટ્રીટેડ વોટરનો પીવા પાણી સિવાય અન્ય હેતુઓ માટે ઉપયોગ થાય અને જેની સામે પીવા લાયક પાણીની શહેરીજનો માટે બચત થઈ શકે તે માટે મ્યુનિસિપલ કમિશનરશ્રી કક્ષાએ સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી વર્ષના બજેટ મુજબ ડેડીકેટેડ વોટર મેનેજમેન્ટ યુનિટ (જળ વ્યવસ્થાપ્ન માટે ખાસ સમર્પિત એકમ)ની રચના કરવામાં આવેલ છે, જે અંતર્ગત જળ સંચય સેલ કાર્યરત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application