રાજકોટમાં પાલા સામે કોંગ્રેસ ધાનાણીને મેદાનમાં ઉતારે તેવું લગભગ નિશ્ચિત

  • April 09, 2024 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભાની આગામી તારીખ 7 મેના રોજ યોજનારી ચૂંટણી માટે આગામી તારીખ 12 ને શુક્રવારથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. રાજકોટની બેઠક માટે કોંગ્રેસે હજુ સુધી પોતાના સત્તાવાર ઉમેદવારની જાહેરાત કરી નથી પરંતુ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશભાઈ ધાનાણીને રાજકોટથી લડાવવામાં આવે તેવી ભારોભાર શકયતા હોવાનું જણાવી રહ્યા છે. આ માટે માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે અને અત્યંત ટૂંક સમય ગાળામાં આ સંદર્ભે જાહેરાત થવાની શક્યતા છે.

પરેશ ધાનાણીનું નામ ફાઇનલ થયા બાદ કોંગ્રેસમાં સ્થાનિક કક્ષાએથી વિરોધ ન ઉઠે અને ભાજપ સહિતના વિરોધ પક્ષો કોંગ્રેસને બહારથી ઉમેદવાર લાવવા પડ્યા તેવા કોઈ આક્ષેપ ન કરે તે માટે આજે પ્રદેશ કોંગ્રેસના ઇશારે રાજકોટ શહેર અને જિલ્લાના કોંગ્રેસના પ્રમુખો સહિતના આગેવાનોનું એક પ્રતિનિધિ મંડળ અમરેલી જવાબ સવારે નીકળ્યું હતું.

શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ રાજાણી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સંજયભાઈ અજુડીયા કોંગ્રેસના રાજકોટ શહેર જિલ્લાના પ્રભારી જામનગરના દિપેન્દ્રસિંહ જાડેજા જશવંતસિંહ ભટ્ટી મેઘજીભાઈ રાઠોડ દિલીપભાઈ આસવાણી ગોપાલભાઈ અનડકટ ડી.પી.મકવાણા તુષારભાઈ નંદાણી અજીતભાઈ વાંક હિતેન્દ્રભાઈ રૈયાણી નયનાબા જાડેજા મુકુંદભાઈ ટાંક કેતનભાઇ તાળા અશોકસિંહ વાઘેલા સહિતના 80 જેટલા આગેવાનો અમરેલી પહોંચ્યા છે અને રાજકોટમાં ચૂંટણી લડવા આવવા પરેશ ધાનાણીને મનાવવાનું શરૂ કર્યું છે.

જો રાજકોટમાં કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણી નું નામ ફાઇનલ થશે તો રાજકોટની ધરતી પર ભાજપ અને કોંગ્રેસના અમરેલીના બે દિગ્ગજ નેતાઓ વચ્ચેની લડાઈ લોકોને જોવા મળશે. જ્ઞાતિવાદના સમીકરણોને ધ્યાનમાં રાખી કોંગ્રેસ પરેશ ધાનાણી નું નામ જાહેર કરે તેવી શક્યતા પણ વધી ગઈ છે.
પરેશ ધાનાણીએ ક્ષત્રિય સમાજના મહિલાઓના વિરોધ અને જોહરની ચિમકી વચ્ચે ટવીટ કરીને એવું કહ્યું હતું કે, જૌહર કરવાની જર નથી. જવતલિયા હજુ જીવે છે. ત્યારબાદ મહાભારતના કિસ્સાને ટાંકતું આ સંદર્ભનું વધુ એક ટવીટ કરીને કંઈક અંદેશો આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application