હરીપરના યુવાન પાસેથી તોતિંગ વ્યાજ વસૂલ કરી, અપહરણ સબબ પાંચ સામે ફરિયાદ

  • April 28, 2025 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

- વધુ પૈસાની માંગણી કરી, નિર્જન સ્થળે ટાંટિયા ભાંગી નાખ્યા... -


ખંભાળિયા તાલુકાના હરીપર ગામે રહેતા એક યુવાને તોતિંગ વ્યાજે લીધેલા રૂ. 10,000 સામે 25,000 ચૂકવ્યા હોવા છતાં પણ એક શખ્સ દ્વારા અન્ય ચારની મદદથી યુવાનનું અપહરણ કરી અને બેફામ માર મારી, ધમકી આપવા સબબ ધોરણસર ફરિયાદ નોંધાઈ છે.


આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા નજીક આવેલા હરીપર ગામે મહાવીર નગર ખાતે રહેતા અને ડ્રાયવિંગકામ કરતા શામજીભાઈ નારણભાઈ કારવાણી નામના 47 વર્ષના યુવાને આજથી આશરે બેએક વર્ષ પૂર્વે ખંભાળિયાના ભાયા હરી લુણા નામના શખ્સ પાસેથી 10 ટકાના વ્યાજદરથી રૂપિયા 10,000 ની રકમ ઉછીની લીધી હતી. સમયાંતરે સામજીભાઈએ ભાયા લુણાને રૂ. 25,000 ની રકમ ચૂકવી દીધી હતી. તેમ છતાં પણ વધુ પૈસાની માંગણી કરતા સામજીભાઈએ વધુ પૈસા આપવાની ના કહી હતી. જેનો ખાર રાખીને આરોપી ભાયા હરી લુણાએ સામજીભાઈને હરીપર નજીક આવેલા એક મંદિર પાસે બોલાવ્યા હતા. જ્યાં ભાયા હરી અને મહેશ ભાયા લુણાએ સામજીભાઈને લાકડાના ધોકા વડે માર મારી, પોતાના મોટરસાયકલમાં બેસાડીને સરકારી ક્વાર્ટર સામેના રફ રસ્તે લઈ જઈને અપહરણ કર્યું હતું.


અહીં ભાયા અને મહેશ સાથે રહેલા અન્ય આરોપીઓ રઘુ ભાયા લુણા, વિપુલ ખેરાજ લુણા અને દેવા જેઠા લુણા નામના કુલ પાંચ શખ્સોએ ગેરકાયદેસર રીતે મંડળી રચીને તેમને લાકડાના ધોકા વડે બેફામ મારતા તેમને પગમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ થવા પામી હતી.

આટલું જ નહીં, આરોપીઓએ સામજીભાઈના મોટરસાયકલમાં પણ ધોકા વડે વ્યાપક નુકસાની કર્યાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ તેમજ જી.પી. એક્ટ ઉપરાંત મની લેન્ડર્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application