લાલપુર તાલુકાના સણોસરી પાટીયા પાસે સર્જાયેલા ગમ્ખવાર અકસ્માતમાં બોલેરો ચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે જયારે ધ્રોલ હાઇવે પાસેના ગોઝારા અકસ્માતમાં ઇકો ચાલક સામે ફરીયાદ નોંધાઇ છે.
ફરીયાદીના ભાઇ કમલેશભાઇ ગાગીયા પોતાની બોલેરો પિકઅપ નં. જીજે૨૫યુ-૫૮૦૩ લઇ તા. ૫ રાત્રીના સણોસરી પાટીયા પાસે પહોચતા પંચર પડતા વ્હીલ બદલવા જેકની જર પડતા કમલેશભાઇએ તેમના ભત્રીજા શ્યામ તથા શ્રદિપ અને ભરતભાઇને બોલાવતા તેઓ ચારેય રોડની સાઇડમાં પાર્કિંગ લાઇટ ચાલુ કરીને વ્હીલ ખોલતા હતા. એ દરમ્યાન પાછળથી આરોપીએ પોતાની સફેદ કલરની મહિન્દ્રા બોલેરો નં. જીજે૧૦ડીએ-૨૨૮૭ ને ગફલતભરી રીતે ચલાવી પાછળના ભાગે ધડાકાભેર અથડાવી અકસ્માત સર્જયો હતો.
આ અકસ્માતમાં શ્યામ અશોકભાઇ ગાગીયા (ઉ.વ.૧૬)ને માથામાં ગંભીર ઇજા પહોચી હતી જયારે ફરીયાદીના ભાઇ કમલેશ નારણભાઇ ગાગીયા (ઉ.વ.૩૬), ભરત લખમણભાઇ ડાંગર (ઉ.વ.૨૧) તથા શ્રદિપ હિતેશભાઇ ગોજીયા (ઉ.વ.૧૬)ને શરીરે ગંભીર જીવલેણ ઇજાઓ પહોચાડી સારવારમાં લઇ જતા મોત નિપજાવી બોલેરો ચાલક નાશી ગયો હતો. આ બનાવ અંગે લાલપુર તાલુકાના ખાયડી ગામમાં રહેતા કાનાભાઇ નારણભાઇ ગાગીયાએ લાલપુર પોલીસ સ્ટેશનમાં બોલેરો ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય બનાવમાં ધ્રોલના ચામુંડા પ્લોટ ખાતે રહેતા લીંબાભાઇ કડવાભાઇ ટોયટાએ ધ્રોલ પોલીસમાં જાહેર કર્યા મુજબ મરણજનારે પોતાની ઇકો ગાડી નં. જીજે૧૦બીએન-૬૮૯૧ને પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી શિવલહેરી હોટલ સામેના રોડ પાસે ગાડીને રોડ નીચે ઉતારી સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ઇકો ગાડી પલ્ટી મારી જતા પોતાને માથાના ભાગે અને શરીરે ઇજા થતા મોત નિપજાવ્યુ હતું. આ ફરીયાદ અનુસંધાને ધ્રોલ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.