મોરકંડા પાટીયા પાસે સર્જાયેલા અકસ્માતમાં આઇસરચાલક સામે ફરીયાદ

  • December 14, 2023 12:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોટાવડાળા પાટીયે ઇકોએ પેસેન્જર રીક્ષાને ઠોકર મારી : ચારને ઇજા

જામનગર-રાજકોટ બાયપાસ મોરકંડા પાટીયા પાસે થોડા દિવસ પહેલા આઇસરના ચાલકે બેદરકારીથી ચલાવીને છોટાહાથીને પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જયો હતો જેમાં યુવાન સહિતનાઓને ઇજા પહોચી હતી, આ બનાવમાં આઇસર ચાલક સામે ફરીયાદ કરવામાં આવી હતી, જયારે કાલાવડના મોટાવડાળા પાટીયા પાસે ઓટો રીક્ષા અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત થતા ઇકો ચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે.
મુળ પોરબંદરના હાલ શાપર વેરાવળ ખાતે રહેતા ડ્રાઇવર ગૌતમ સકરાભાઇ પાંડાવદરા (ઉ.વ.૨૮)એ ગઇકાલે પંચ-બીમાં આઇસર ગાડી નં. જીજે૧૩-એએકસ-૧૯૩૦ના ચાલક સામે ફરીયાદ કરી હતી.
ગત તા. ૨૯ના મોરકંડા પાટીયા પાસે પેટ્રોલપંપની સામે આઇસરના ચાલકે બેફીકરાઇ અને ગફલતથી ચલાવી ફરીયાદીના છોટા હાથી નં. જીજે૩-ટીવાય-૦૮૫૦ને પાછળથી ઠોકર મારી અકસ્માત કર્યો હતો, આ અકસ્માતમાં ફરીયાદી તથા સાહેદોને શરીરે ઇજાઓ પહોચાડી હતી.
બીજા બનાવમાં જામનગરના નવાગામ ઘેડમાં રહેતા જેન્તી છગનભાઇ ગુજરાતી (ઉ.વ.૩૫) નામનો યુવાન ગત તા. ૨ના બપોરના સુમારે પોતાની ઓટો રીક્ષા નં. જીજે૧૦ટીઝેડ-૦૦૯૪માં પેસેન્જરો લઇને જામનગરથી નિકાવા તરફ જતા હતા, દરમ્યાન મોટાવડાળાના પાટીયા પાસે પહોચતા રાજકોટ તરફથી ઇકો ગાડી નં. જીજે૨-સીએલ-૮૦૧૫ના ચાલકે પુરઝડપે અને ગફલતથી ચલાવી રીક્ષાને ઠોકર મારી હતી, જેમાં ફરીયાદીને ખભાના ભાગે ફ્રેકચર અને પેસેન્જરોને સામાન્ય ઇજા પહોચાડી ચાલક ગાડી લઇ નાશી છુટયો હતો. આ અંગે જેન્તીભાઇએ ગઇકાલે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં ઇકોચાલક સામે ફરીયાદ કરી હતી.
***
દ્વારકા જિલ્લામાં એસ.ટી. બસે બે ભેંસોને કચડી: ભેંસોના મૃત્યુ: મુસાફરોનો આબાદ બચાવ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા-જામનગર રોડ પર દેવળીયા પાસે તથા વાડીનાર ભરાણા પાસે જુદા જુદા અકસ્માતના બે બનાવ સામે આવ્યા હતા જેમાં એક એસટી બસ રોડ પર ભેંસોના ટોળા પર ચડી જતા સર્જાયેલા અકસ્માતમાં બે ભેંસના ઘટનાસ્થળ પર મૃત્યુ નિપજયા હતા.
ખંભાળીયા જામનગર રોડ પર મંગળવારે રાત્રે એક એસ.ટી. બસ રોડ પરથી નીકળતા ભેંસોના ટોળા પર ચડી જતા બે ભેંસના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જયારે ભારે ધડાકાભેર બસ અથડાતા મુસાફરો પણ ડધાઇ ગયા હતા જયારે અમુક મુસાફરોને નાની મોટી ઇજાઓ પણ થઈ હોવાનુ જાણવા મળ્યુ છે. અન્ય એક બનાવમાં વાડીનાર ભરાણા વચ્ચે એક બોલેરો જીપમાં કેટલાક મજૂરો જતા હતા ત્યારે બોલેરો જીપ ઉંધી વળી જતા તેમાં બેઠેલા મજૂરોને નાની મોટી ઇજાઓ થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application