જામનગરમાં જુમ્મા મસ્જિદ ટ્રસ્ટની સ્કૂલના પટ્ટાવાળાના પ્રકરણમાં પ્રમુખ સહિત ચાર સામે ફરિયાદ

  • September 16, 2023 11:42 AM 

આરોપીઓએ અગાઉ માફી માંગતો વિડીયો વાયરલ કરી ધમકી આપી હતી


જામનગર ની જુમા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડ સંચાલિત શાળાના પટાવાળા તેમજ ટ્રસ્ટના સેક્રેટરીએ અન્ય ટ્રસ્ટીઓના ત્રાસના કારણે ઝેરી દવા પી લીધા પછી મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે, અને પોલીસે જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના સેક્રેટરીને ત્રાસ આપી ઝેર પી લઈ આત્મહત્યા કરવા માટે મજબૂર કરવા અંગે ટ્રસ્ટ ના પ્રમુખ સહિત ચાર સામે ગુનો નોંધ્યો છે.


આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સેટેલાઈટ સોસાયટીમાં રહેતા અને જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ બોર્ડના સેક્રેટરી ઉપરાંત ટ્રસ્ટ સંચાલિત માધ્યમિક શાળામાં પટાવાળા તરીકે ફરજ બજાવતા મોહમ્મદ યુસુફ અબ્દુલ કરીમે ગત ૭.૯.૨૦૨૩ ના સાંજે જંતુનાશક પ્રવાહી પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.


જેને જી.જી. હોસ્પિટલમાં સમયસર સારવાર મળી ગઈ હોવાથી તેનો બચાવ થયો હતો, અને હાલ હોસ્પિટલમાંથી રજા આપી દેવાઇ છે. ઘટનાની જાણ થવાથી સીટી એ. ડિવિઝન પોલીસે તેનું નિવેદન નોંધ્યું હતું. જેમાં અન્ય ટ્રસ્ટીગણના ત્રાસના કારણે આ પગલું ભર્યું હોવાનું જાહેર થયું હતું.


આખરે સીટી એ.ડિવિઝન પોલીસ મથકમાં ભોગ બનનાર મોહમ્મદ યુસુફ પટણીની ફરિયાદના આધારે ટ્રસ્ટના પ્રમુખ રસીદભાઈ મોહમ્મદ હનીફ લુસવાલા, અન્ય ટ્રસ્ટી દસ્તગીર શેખ, મુસ્તાકભાઈ ખફી તેમજ અખ્તર ઉર્ફે મુનિયા બાદશાહ વગેરે સામે આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬ અને ૧૨૪ મુજબ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application