માલિકીના આધાર ન હોવા છતાં હીરાસરમાં ત્રણ આસામીને આઠ- આઠ લાખનું વળતર

  • February 23, 2023 11:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ અને ચોટીલા તાલુકાની બોર્ડર પર હીરાસર ગામ નજીક સાકાર થઈ રહેલા એરપોર્ટના પ્રોજેક્ટમાં જે ખેડૂતોની જમીન સંપાદન થઈ છે અને જેમના મકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું છે તેવા લોકોને વળતર ચૂકવવામાં આવે એ તો જાણે સમજ્યા... પરંતુ ત્રણ કિસ્સામાં મકાનના કબજેદાર પાસે માલિકીના આધાર પુરાવાઓ ન હોવા છતાં તેમને આઠ-આઠ લાખનું વળતર ચૂકવવાનો નિર્ણય લેવાયો હોવાનું સુમાહિતગાર વર્તુળો જણાવી રહ્યા છે.


આ વર્તુળોના જણાવ્યા મુજબ હીરાસર એરપોર્ટ જવા માટે અને બહાર નીકળવા માટે રસ્તો બનાવવાની કામગીરી ચાલી રહી છે. તેમાં નડતરરૂપ 12 મકાનોનું ડીમોલિશન થોડા સમય પહેલા કરવામાં આવ્યું હતું. પરંતુ ત્રણ મકાનના કબજેદારો પાસે માલિકીના આધાર પુરાવા ન હોવાથી આ ત્રણ મકાનો તોડી પડાયા ન હતા. હવે આ મકાનો પણ તોડી પડાશે અને તેના કબજેદારોને 8 લાખનું વળતર ચૂકવવામાં આવશે. 15 મકાનમાં રહેતા લોકોને પુન:સ્થાપિત કરવા માટે હીરાસરનું નવું ગામ તળ એક એકર જમીનમાં નિમ કરવામાં આવ્યું છે. આ જમીનમાં અન્ય બાર મકાન માલિકોની જેમ આ ત્રણ મકાનના કબજેદારોને પણ એકસો એકસો વારના પ્લોટની ફાળવણી કરીને સંપાદનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

વળતર માં રૂપિયા 8 લાખ રોકડા અને પુન:સ્થાપ્ન માટે જમીન અપાઈ ગયા બાદ આ ત્રણ મકાનો પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવશે.વળતર ચૂકવવાના મામલે સરકારે ખાસ જમીન સંપાદન અધિકારીની નિયુક્તિ કરી છે અને તે આવતીકાલે રાજકોટ આવી રહ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application