જાહેરમાં થૂંકતા 93ને ઇ-મેમો ફટકારતા કમિશનર

  • October 27, 2023 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં રાજમાર્ગો ઉપર ચાલુ બાઇકમાંથી પાન-ફાકીની પિચકારી મારતા તેમજ ચાલુ કારમાંથી સિગારેટના ઠુંઠા અને મિનરલ વોટર તેમજ કોલ્ડડિં્રક્સની બોટલ જાહેર માર્ગો ઉપર ફેંકી ગંદકી ફેલાવતા 93 જેટલા વાહનચાલકો સીસી ટીવી કેમેરામાં કેદ થઇ જતા આ તમામના નિવાસ સ્થાને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના આદેશથી જાહેરમાં ગંદકી ફેલાવવા બદલ રૂ.200નો દંડ ભરપાઈ કરવા ઇમેમો મોકલવામાં આવ્યા છે.


વિશેષમાં મહાપાલિકાના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે શહેરના આશ્રમ રોડ (કુવાડવા રોડ) ઉપર એક, નીલકંઠ સિનેમા ચોકમાં એક, પી.ડી.માલવીયા કોલેજ ચોકમાં એક, યુનિવર્સીટી રોડ ઉપર ઇન્દિરા સર્કલ ખાતે ચાર, આકાશવાણી ક્વાર્ટર્સ ચોકમાં એક, જિલ્લા ગાર્ડન ચોકમાં સૌથી વધુ 30, કોટેચા ચોકમાં એક , ઢેબર રોડ ઉપર નાગરિક બેન્ક ચોકમાં 28, પેડક રોડ પાણીના ઘોડે 23, સદર બજારમાં એક અને ત્રિકોણ બાગ ચોક ખાતે એક સહિત કુલ 93 વાહન ચાલકોને ઘરે ઇ-મેમો મોકલવામાં આવ્યા છે. સ્વચ્છતા ઝુંબેશ દરમિયાન ચાલુ મહિનામાં તા.1થી 27 ઓક્ટોબરના સમયગાળામાં સીસી ટીવી સર્વેલન્સ શરૂ કરી વાહનચાલકોને દંડવામાં આવ્યા છે. આ 93માંથી ફક્ત આઠ વાહનચાલકોએ હાલ સુધીમાં દંડની રકમ ચૂકવી છે, જો ઇ મેમો મળ્યાની તારીખથી એક મહિનાના સમયગાળામાં દંડની રકમ ભરપાઈ નહીં કરે તો મહાપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બ્રાન્ચના સેનેટરી ઇન્સ્પેક્ટરો નિવાસ સ્થાને જઈને દંડની રકમની રૂબરૂ ઉઘરાણી કરશે, આથી જે વાહનચાલકોએ ગંદકી કરવા બદલ દંડ ભરપાઇ કર્યો નથી તેમને વહેલી તકે દંડની રકમની ચુકવણી કરી આપવા આખરી અપીલ કરાઇ છે.

સીસીટીવી સર્વેલન્સની ઉપરોક્ત કામગીરી ઉપરાંત શહેરના ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ 59 નાગરિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી હતી અને 6 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યુ હતું જેમાં મધ્ય ઝોનના વોર્ડ નં.2, 3, 7, 13, 14 તથા 17માં કુલ 32 નાગરિકો જાહેરમાં ન્યુસન્સ ઝડપાયા હતા તેમની સામે દંડનીય કાર્યવાહી કરાઇ હતી. પશ્ચિમ ઝોનના વોર્ડ નં.1, 8, 9, 10, 11 તથા 12માં કુલ 18 નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતા તેમની સામે દંડનીય કાર્યવાહી કરાઇ હતી. પૂર્વ ઝોનના વોર્ડ નં.4, 5, 6, 15, 16 તથા 18માં કુલ 9 નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતા તેમની સામે દંડનીય કાર્યવાહી કરાઇ હતી. ઉપરોકત કામગીરી મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ કમિશનરની સુચના અન્વયે રાજકોટ મહાપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પયર્વિરણ ઇજનેર એન.આર.પરમાર તથા નાયબ પયર્વિરણ ઇજનેર પી.સી.સોલંકી, વી.એમ. જીંજાળા અને ડી.યુ.તુવરની આગેવાની હેઠળ સેનેટરી ઇન્સ્પેક્ટરો તથા સેનેટરી સબ ઇન્સ્પેક્ટરો દ્વારા કરાઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application