શુભ દિવાળી: રાજકોટની બજારમાં સમૃધ્ધિના રંગો

  • November 11, 2023 02:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આ વર્ષે દિવાળીની ઝાકમઝોળ સૌથી વધારે સ્થાનિક બજારમાં જોવા મળી છે, લાંબા સમયથી મંદી અને મોંઘવારી વચ્ચે પીસાતા લોકોએ મન મૂકીને ચીજ વસ્તુઓની ખરીદી કરી છે તો બીજી તરફ બાદ વેપારીઓના ચહેરા પર ચમક આવી છે આ વર્ષે દિવાળીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકલ ફોર વોકલની અપીલ એ રાજકોટના વેપાર ઉદ્યોગને બુસ્ટર ડોઝ આપ્યો છે. કોરોના બાદ સ્થાનિક બજાર ની તાસીર બદલાઈ ગઈ હતી જેના લીધે અર્થતંત્ર ઠપ્પ થઈ ગયું હતું પરંતુ આ દિવાળીએ વ્યાખ્યા બદલાઈ ગઈ છે અને માર્કેટ ફરીથી ધમધમતું થયું છે. વેપાર ઉદ્યોગના નાનાથી લઈને મોટા સેક્ટરને દિવાળી પડી છે. આ વખતે જ્વેલરી, ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રોનિક, ગારમેન્ટ, રીયલ એસ્ટેટ,એન્જિનિયરિંગ તમામ સેક્ટરમાં દિવાળી ફુલ ફ્લેશમાં જોવા મળે છે.

ઇલેક્ટ્રોનિક માર્કેટમાં દિવાળી સાથે વર્લ્ડ કપ ફળ્યો:અનિષ શાહ
કોરોના પછી આ વર્ષે ઇલેક્ટ્રોનિક માર્કેટમાં તેજીનો કરંટ આવ્યો હતો. આ વર્ષે વર્લ્ડ કપ નો ફીવર પેનલમાં જોવા મળ્યો છે સૌથી વધારે ઇલેક્ટ્રોનિક પેનલ અને 55 થી લઇ 104 ઇંચ નું બમ્પર વેચાણ થયું છે જેના લીધે તહેવાર દરમિયાન સૌરાષ્ટ્રની ઇલેક્ટ્રોનિક માર્કેટમાં 500 કરોડથી વધુનો વેપાર થતા ડીલર અને ડિસ્ટ્રીબ્યુટર વર્ગમાં ઉત્સાહ છવાઈ ગયો છે. આ બાબતે રાજકોટ ઇલેક્ટ્રોનિક માર્કેટના પૂર્વ પ્રમુખ અનિશભાઈ શાહ એ જણાવ્યું હતું કે, નવરાત્રીમાં પણ ગરબી માં સૌથી વધારે લાણી ની વસ્તુ માં ઇલેક્ટ્રોનિક વસ્તુનું વેચાણ થયું છે. આ વર્ષે વર્લ્ડ કપ ના કારણે ક્રિકેટ પ્રેમીઓએ મોટી પેનલ ખરીદીને મેચ જોવાનો આનંદ લીધો હોવાથી પેનલ નું સૌથી વધારે વેચાણ થયું છે આ ઉપરાંત હજુ ગરમીનો પારો પણ નવેમ્બર મહિનામાં યથાવત રહેવાથી એર કન્ડિશન આજની તારીખે વેચાઈ રહ્યા છે. ગયા વર્ષની સરખામણીમાં ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ ના વેચાણમાં આ વખતે 9 થી 10% વધુ ગ્રોથ નોંધાયો છે. જરૂરિયાતની ચીજ વસ્તુઓની સાથે લક્ઝરીયસ ઉપકરણો પણ જેમ કે ડિશ વોશર, ચીમની નું ધૂમ વેચાણ થયું છે.


દિવાળીની સીઝનમાં ગારમેન્ટ સેક્ટરમાં 300થી વધુ કરોડનો વેપાર:હિતેશ અનડકટ
નવરાત્રી માં સારો વેપાર થયા બાદ દિવાળીની સિઝનમાં પણ ગારમેન્ટ સેક્ટરમાં દિવાળી સુધરી છે. ઓનલાઇન અને બ્રાન્ડેડ શોરૂમ ના કારણે રાજકોટની સ્થાનિક અને જૂની વધારો અને સૌથી વધુ અસર પહોંચી હતી જેમાં કોરોનાએ આ બજારની કમરને ભાંગી નાખી હતી જ્યારે આ વખતે વડાપ્રધાન ની લોકલ ફોર વોકલ ની મુહિમને લોકોએ સારો રિસ્પોન્સ આપ્યો છે તેવું જણાવતા રાજકોટ હોલસેલર ટેક્સટાઇલ માર્કેટ પ્રમુખ હિતેશભાઈ અનડકટ એ જણાવ્યું હતું કે દિવાળીના દિવસોમાં આજે ગારમેન્ટ સેક્ટરમાં 300 કરોડની આસપાસ નો વેપાર થયો છે. આ વર્ષે શહેર સાથે નાના ગ્રામ્ય વિસ્તારો ની ખરીદી પણ સારી એવી થઈ હતી આ ઉપરાંત હવે દિવાળી પછી લગ્નના મુરતો હોવાથી પ્રસંગને અનુરૂપ ખરીદી લાભ પાંચમથી શરૂ થશે.


લોકલ ફોર વોકલ ઝુંબેશને જબરદસ્ત પ્રતિસાદ:વી.પી. વૈષ્ણવ
આ વખતે દિવાળીની રોનક છેલ્લા 15 દિવસથી વધારે જોવા મળી છે જેમાં લોકલ ફોર વોકલ મિશનને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે તેવું જણાવતા ચેમ્બર ઓફ કોમર્સના વી.પી. વૈષ્ણવ એ આકાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન વેચાણ વધ્યું હોવાથી સ્થાનિક વેપારીઓ ની દિવાળી બગડતી હતી પરંતુ આ વર્ષે અને ખાસ કરીને કોરોના બાદ સ્થાનિક માર્કેટ તરફ ગ્રાહકો વળ્યા હોવાથી આ દિવાળી રાજકોટની દિવાળી ચોક્કસપણે કહી શકાશે. કપાસ અને મગફળી નું સારું એવું ઉત્પાદન થતા ખરીદી લોકોની વધી છે જેના લીધે રૂપિયો બજારમાં ફરતો થયો છે. એક અંદાજ મુજબ 15 દિવસમાં કરોડોનો વેપાર સ્થાનિક માર્કેટમાં થયો હોવાની ધારણાં છે. તહેવારો સુધરતાં દિવાળી પછી લગ્ન પ્રસંગની જે સીઝન આવી રહી છે તે પણ સારી જશે એવો વેપારીઓ ને આશાવાદ છે.


તહેવારોનો જનઉત્સાહ ખરીદીમાં દેખાયો: પ્રોફેસર નિર્મલ નથવાણી
અર્થતંત્ર તજજ્ઞ પ્રોફેસર નિર્મલ નથવાણીએ આજકાલ સાથેની વાતચીતમાં આપણે ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું મહત્વ સવિશેષ રહ્યું છે..લોકોની ચીજવસ્તુઓની ખરીદી અંગેની માનસિકતા પણ તહેવારો સાથે જોડાયેલી છે...આથી જ સામાન્ય દિવસોમાં પોતાની મુલતવી રાખેલ જરૂરિયાતો અંગેની ખરીદી લોકો તહેવારોના દિવસોમાં કરતા હોય છે.,કોવિડના મુશ્કેલીભયર્િ અને નિરાશાજનક દિવસોમાંથી બહાર આવ્યા બાદ લોકોમાં ખરીદીનો અપાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે..જેની સીધી અસર દિવાળીના પર્વ પર બજાર પર દેખાઈ રહી છે...બજારમાં ચોતરફ ખરીદી પૂરબહારમાં ખીલી ઉઠી છે.


મીઠાઈ બજારમાં આ વર્ષે દિવાળી કરતા લગ્નગાળાની મીઠાશ: જગદીશ અકબરી
મીઠાઈ બજારમાં આ વર્ષે દિવાળી કરતાં લગ્નગાળો ફર્યો છે. તેમ છતાં દિવાળીએ રાજકોટવાસીઓ દસ કરોડ કરતાં પણ વધુ રકમની મીઠાઈ આરોગી જશે તેવું જણાવતા રાજકોટ સ્વીટ માર્કેટ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ પટેલે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દરેક તહેવારોમાં સૌથી વધારે દશેરાએ રાજકોટ વાસીઓ મીઠાઈ થાય છે. જ્યારે દિવાળીના પર્વમાં અત્યાર સુધી પરંપરાગત મીઠાઈ નો ટ્રેન્ડ રહ્યો હતો જેની સામે હવે ડ્રાયફ્રુટ મીઠાઈ નો ઉપાડ વધ્યો છે તેવા ખાસ કરીને કાજુકતરી, ડ્રાયફ્રુટ સેન્ડવીચ અને આ વર્ષે અરેબિયન મીઠાઈ ના ઓર્ડરો વધારે આવ્યા છે. જે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત છે તેઓ ખાંડ વગરની મીઠાઈ એટલે કે સુગર ફ્રી મીઠાઈ લેતા હોય છે. દિવાળી પછી તુરંત જ લગ્નની મોસમ શરૂ થતી હોવાથી અત્યારથી લગ્ન પ્રસંગે અનુરૂપ ઓર્ડર બુક થવાના શરૂ થઈ ગયા છે. દિવાળી અને દશેરાના તહેવારમાં સૌથી વધારે મિક્સ મીઠાઈ નો ઉપાડ વધારે રહેતો હોય છે.


ફૂડહોલિક પ્રજાનો સ્વાદ,10 દિવસમાં આખા વર્ષની કમાણી
રાજકોટની જનતા ખાણીપીણીની ભારે શોખીન છે જેમાં તહેવારો આવતા ને સાથે જ ઘરે રસોડામાં તાળા લાગી જાય છે. દશેરા થી લઈ દિવાળી સુધીમાં 100 કરોડથી વધુ નો વેપાર ફૂડ ઇન્ડસ્ટ્રીઝ કરે છે.જેમાં સ્ટ્રીટ ફૂડ થી લઈ રેસ્ટોરન્ટ નો સમાવેશ થાય છે તેમ ફૂડ એન્ડ બેવરેજીસ એસો.ના શેખર ભાઈ એ જણાવ્યુ હતું.આ તહેવાર દરમિયાન આખા વર્ષ ની કમાણી થઈ જાય છે.


રિઅલ એસ્ટેટમાં 1 અબજના સોદા

રાજકોટમાં દિવાળીના શુભવંતા દિવસમાં જમીન મકાનમાં તેજી દેખાય છે. ધનતેરસે રાજકોટ જિલ્લામાં એક અબજથી વધુ એક કિંમતની મિલકતોના દસ્તાવેજ કરાયા હતા. અખાત્રીજ, અષાઢી બીજ, દશેરા અને દિવાળી આ વણજોયા મુરત પર સૌથી વધારે દસ્તાવેજ થતા હોય છે ત્યારે રાજકોટમાં એક દિવસમાં ગઈકાલે ધનતેરસે 470 થી વધુ દસ્તાવેજ નોંધણી થઈ છે. આ શુભ દિવસોમાં પ્રોજેક્ટમાં બિલ્ડરો દ્વારા ખાસ ઓફર મુકવામાં આવતી હોય છે.

ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝની પણ ઉડાન, દિવાળીમાં 100 કરોડનો બિઝનેસ
છેલ્લા ત્રણ વર્ષની સરખામણીમાં આ દિવાળીએ સૌથી વધારે રેકોર્ડબ્રેક ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝને બિઝનેસ થયો છે. ખાલી દિવાળીમાં જ 100 કરોડ ના પેકેજ થયા છે.રાજકોટ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશનના દિલીપભાઈ મસરાણીએ જણાવ્યું હતું કે, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ના પેકેજમાં ખૂબ ઓછો તફાવત આવ્યા હોવાના લીધે લોકોએ ડોમેસ્ટિકના ભાવમાં ઇન્ટરનેશનલ પેકેજ લીધા છે અને આ વખતે ખાસ કરીને ગ્રુપ બુકિંગ સૌથી વધારે આવ્યું હોવાથી લોકો પોતાના મિત્ર વર્તુળ અને પરિવારજનો સાથે ફરવા ગયા છે. તેમના બજેટમાં ફરવા જઈ શકે તે માટે મહિનાઓ અગાઉથી જ બુકિંગ કરાવી દીધું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application