જામનગર સહિત સમગ્ર હાલારમાં હવે ધીરે-ધીરે ગરમીની શરૂઆત થઇ ચુકી છે, બપોરે ૧૧:૩૦ થી ૫ દરમ્યાન આકરો તાપ પડવાનો શરૂ થયો છે ત્યારે લઘુતમ તાપમાન ૨૦ ડીગ્રીએ પહોંચ્યું છે, એટલું જ નહીં મહત્તમ તાપમાન ૩૫ ડીગ્રી નજીક એટલે કે ૩૪.૪ એ પહોંંચી ગયું છે. એટલું જ નહીં લોકો હવે એસી અને પંખા ઓન કરતા થઇ ગયા છે, પરંતુ મિશ્ર વાતાવરણને કારણે રોગચાળો પણ થોડો વઘ્યો છે.
કલેકટરકચેરીના ક્ધટ્રોલ રૂમના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન ૩૪.૪ ડીગ્રી, લઘુતમ તાપમાન ૨૧.૪ ડીગ્રી, હવામાં ભેજ ૯૧ ટકા, પવનની ગતિ ૨૦ થી ૨૫ કિ.મી.પ્રતિકલાક રહી હતી. જો કે હવે આગામી દિવસોમાં ધીરે-ધીરે ગરમી શરૂ થશે એવું હવામાન ખાતાએ જણાવ્યું છે, જો કે હજુ મોડી રાત્રે ઠંડો પવન જોવા મળે છે.
ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે, આમ ધીરે-ધીરે મીશ્ર ઋતુની શરૂઆત થઇ ચૂકી છે, તાવ, શરદી, ઉધરસ, ગળુ બેસી જવું જેવા રોગો ધીરે-ધીરે વઘ્યા છે તે પણ હકીકત છે.
માર્ચ મહીનાની શરૂઆતમાં ફરીથી ઠંડીનો એક રાઉન્ડ આવશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે, ત્યારે અત્યારે તો મિશ્ર ઋતુને કારણે રોગચાળો શરૂ થઇ ગયો છે. કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ જેવા તાલુકા મથકોએ પણ ઠંડી-ગરમીનું મિશ્ર વાતાવરણ જોવા મળ્યું છે, જો કે આ વખતે ઠંડી એક મહીનો મોડી શરૂ થઇ છે પણ હકીકત છે.
હવે ધીરે-ધીરે ગરમીની પાપા પગલી શરૂ થઇ છે, કદાચ આ મહીના બાદ ઠંડી ધીરે-ધીરે વિદાય લે તેવી શકયતા છે, ગામડાઓમાં પણ મિશ્ર વાતાવરણને કારણે તાવ અને શરદીના કેસોમાં વધારો થયો છે.
બપોરના ભાગમાં ઉનાળા જેવી ગરમી શરૂ થઇ ચુકી છે, પરંતુ સાંજે ૬ વાગ્યે તરત જ હવામાનમાં ફેરફાર થાય છે અને ધીરે-ધીરે ઠંડો પવન વધે છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ચારેક દિવસ હજુ ગરમી રહેશે અને ત્યારબાદ ફરીથી ઠંડીનો માહોલ શરૂ થઇ જશે, એટલે કે હજુ લગભગ ૧૫-૨૦ દિવસ સુધી ઠંડીનું પ્રમાણ જોવા મળશે.