જામનગર સહિત સમગ્ર હાલારમાં છેલ્લા ત્રણ ચાર દિવસ ફરીથી ઠંડીનો સિલસિલો શ થયો છે પરંતુ હજુ પણ બપોરનાં ૧૨ થી ૫ દરમ્યાન ગરમી જોવા મળે છે ત્યારે લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે. ગઇકાલે રપ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાતા વાતાવરણમાં થોડો બદલાવ આવ્યો હતો.
કલેકટર કચેરીનાં કંટ્રોલરૂમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૧૬.૬ ડીગ્રી, મહતમ તાપમાન ૩૦ ડીગ્રી, હવામાં ભેજ ૬૮ ટકા, પવનની ગતિ ૨૦ થી ૨૫ પ્રતિકલાક જોવા મળી હતી.
ગામડાઓમાં પણ ઠંડી ગરમીનાં મિશ્ર માહોલથી લોકો પરેશાન થઇ રહ્યા છે. કાલાવડ, ખંભાળીયા, દ્વારકા, ભાટીયા, રાવલ, કલ્યાણપુર, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર સહિતનાં ગામોમાં પણ ઠંડી અને ગરમીનો મિશ્ર વાતાવરણ જોવા મળ્યું છે. મિશ્ર ઋતુનાં કારણે ગામડાઓમાં સીએચસી અને પીએચસી કેન્દ્રોમાં પણ દર્દીની સંખ્યામાં વધારો થયો છે. જામનગરની જી.જી. હોસિપટલમાં ઓપીડીમાં પણ શરદી, ઉધરસ, તાવનાં કેસો વઘ્યા છે.
ત્રણ ચાર દિવસથી ઓચિંતુ વાતાવરણ ફરી ગયુ છે. અને સવારે ફરીથી પહેલાની જેમ જ ઠંડો પવન ફુંકાઇ રહ્યો છે. હવામાન ખાતુ જણાવે છે કે હજુ એકવાર ઠંડીનું રાઉન્ડ આવશે. પરંતુ હજુ જે રીતે પવન ફુંકાઇ રહ્યો છે તે જોતાં હજુ ૧૫-૨૦ દિવસ હાલારમાં મિશ્ર ઋતુ જોવા મળશે.