યુધ્ધભૂમિ પર લડાઇની વચ્ચે એક સૈનિક ગહન વિચારો કરતો રહે છે. તેના મનમાં એક વાક્ય ઉગે છે, કોગિટો એર્ગો સમ. ફ્રેન્ચ ભાષાના આ વાકયનો અર્થ થાય છે: હું વિચારૂં છું તેને કારણે મારૂં અસ્તિત્વ છે. ક્રાંતિકારી વિચારો યુધ્ધભૂમિ પર જ આવે છે પછી તે યુધ્ધ બે દેશ વચ્ચેનું હોય, બે વ્યક્તિ વચ્ચેનું હોય, બે સમાજ વચ્ચેનું હોય, બે વિચાર વચ્ચેનું હોય કે એક જ વ્યક્તિની અંદરના દ્વેતનું હોય. મહાભારતનાં યુધ્ધમાં બન્ને સેનાઓ એક બીજા સામે હાકલા પડકારા કરી રહી હતી ત્યારે કૃષ્ણના મુખે અદ્ભૂત ચિંતન પ્રગટ થયું હતું. પેલો સૈનિક સ્વભાવે વિચારક હતો. જીવનને જાણવા માટે લડાઇમાં જોડાયો હતો. સૈનિક બનતાં પહેલા પણ સારૂં કમાતો હતો અને ત્રણ વર્ષ સૈનિક રહ્યા પછી પણ સારૂં કમાતો રહ્યો. તેના માટે સૈનિકની નોકરી આજિવિકા નહોતી. રેને દેકાર્ત નામનો આ સૈનિક પછીથી મહાન ફ્રેન્ચ ચિંતક તરીકે જાણીતો થયો. તેનું વાકય કોગિટો એગ્રો સમ આજે પણ એટલું જ પ્રખ્યાત છે અને એટલું જ અણઉકેલ છે. દેકાર્ત માનતો કે માત્ર માણસ જ એવું પ્રાણી છે જે વિચારી શકે છે.
માનવજાત આજે એક ત્રિભેટ પર ઉભી છે. આ તરફ જવું કે પેલી તરફ જવું એ નકકી કરવાની છૂટ એને છે પણ એ પરવશ છે. અવશપણે એ એક તરફ ધકેલાવા માંડી છે. એ તરફ જવાનો નિર્ણય એનો પોતાનો નથી. નિર્ણય લેવાની છૂટ છે પણ ક્ષમતા નથી. બેહોશીએ ક્ષમતાને કુંઠિત કરી દીધી છે. ત્રિભેટાથી બે રસ્તાઓ અલગ પડે છે. એક રસ્તો છે વિચારનો. બીજો છે અવલંબનનો. વિચારનો રસ્તો કઠિન છે. તેમાં સતત પોતે નિર્ણય લેવા પડશે, કામ કરવું પડશે. અવલંબનનો રસ્તો આરામનો રસ્તો છે. એમાં માણસે યત્ન કરવાનો નથી, આયાસ કરવાનો નથી. કયા રસ્તે જવું જોઇએ એવો પ્રશ્ન નિરર્થક છે, જયાં સુધી પ્રશ્નનો મૂળ ઉદેશ પ્રગટ કરવામાં ન આવે.
માણસ સામે અગાઉ કયારેય ન હોય એવડો મોટો પડકાર ઉભો થયો છે. અને આ પડકાર માણસે પોતે પેટ ચોળીને ઉભો કર્યો છે. માણસને પોતાની બુધ્ધિ ઓછી પડતી હતી એટલે કૃત્રિમ બુધ્ધિ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બનાવી રહ્યો છે. અને આ કૃત્રિમ બુધ્ધિ જ માણસજાત સામે પડકાર ઉભો કરી રહી છે. ના. તમે વિચારો છો એવી કથા માંડવાનો અહીં ઉપક્રમ નથી. એઆઇની વાર્તા માંડવી નથી કે નથી એના ફાયદા કે ગેરફાયદા ગણાવવા. વાત કરવી છે માણસ કયો રસ્તો પકડશે એની.
વિચાર છે એટલે માણસ છે. માણસ વિચારવાનું જ બંધ કરી દે તો ? માણસને સતત વિચારતા રહેવાની ટેવ છે. ચિન્તયામિ સતતં, ભતૃહરિ કહી ગયા છે. જોકે, તેણે હું સતત વિચારતો રહં છું એવું આ વાકય અલગ જ પરિપેક્ષમાં કહ્યું હતું એ જુદી વાત છે. માણસ જે કંઇ જૂવે, જાણે કે અનુભવે તેના વિષે વિચાર્યા વગર રહી શકે નહીં. તે શું છે, શા માટે છે, કેવું છે, કયાંથી આવ્યું છે, તેનું કારણ શું છે, તેના ઉદેશ શું છે, તેનાથી ખતરો કેટલો છે, તેનાથી ફાયદો કેટલો છે એવાં અનેક સમીકરણ માણસ એક ચીજને જોઇને ક્ષણમાત્રામાં વિચારી કાઢે છે. તેને વિચારવા માટે આદેશ આપવો પડતો નથી. જેની જેટલી બુધ્ધિ એટલું તે વિચારે. ખરતો તારો જોઇને કોઇ આદિવાસી તેને કુદરતનો ચમત્કાર માને, કોઇ સામાન્ય માણસ તેને રોમાંચક અવકાશી ઘટના તરીકે જૂવે, કોઇ વિજ્ઞાની તેને પૃથ્વી તરફ ધસી આવતા ઉલ્કાપિંડ તરીકે સમજે અને કોઇ ચિંતકના મનમાં એ ખરતો તારો જીવન-મરણની ફિલસુફીનું વિચાર વલોણું ચલાવે. જેની જેટલી ક્ષમતા એટલા વિચાર તેને આવે. પણ આવે ખરા. માણસ વિચારશૂન્ય થઇ ન શકે, રહી ન શકે. જો વિચારશૂન્ય થઇ જાય તો વેજીટેબલ, ભાજીમૂળો બની જાય.
પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાના સંઘર્ષમાં માણસ વિચારતા શીખ્યો. વિચાર નામનાં શસ્ત્રથી જ વિશ્વ વિજેતા બન્યો. વિચારથી જ પ્રાણીમાંથી તે માનવી બન્યો. હવે, વિચારવાનું કામ મશીનને સોંપવા જઇ રહ્યો છે માણસ. બે વર્ષ પહેલા તમારે એક સરસ બિઝનેસ પ્રપોઝલ લખવી હોય તો તમે શું કર્યું હોત ? નિરાંતે વિચારીને, સમય લઇને વારંવાર મઠારીને લખ્યું હોત. અત્યારે શું કરો ? ચેટ જીપીટી ખોલશો, બિઝનેસ પ્રપોઝલના લૂઝ મુદ્દા એમાં નાખશો, થોડી સેકન્ડમાં જ એક સરસ રીતે ડ્રાફટ થયેલી બિઝનેસ પ્રપોઝલ તમારી સામે હશે. તમને લાગે કે હજી વધુ આર્થિક ભાષાની જરૂર છે તો ચેટ જીપીટી કહેશે, જરૂર મેરે આકા...અને એ બિઝનેસ પ્રપોઝલની ભાષા વધુ આર્થિક થઇ જશે. તમને એમ થશે કે આને જરા સાહિત્યિક બનાવવી છે તો ચેટ જીપીટીને આદેશ આપશો એટલે પલવારમાં તેને સાહિત્યિક બનાવી દેશે. તમને લાગે કે જેને મોકલવી છે એને કવિતા પસંદ છે તો કાવ્યાત્મક બનાવી દેશે.
તમે પૂછશો કે આમાં ખોટું શું છે? કશું જ ખોટું નથી, બિઝનેસ પ્રપોઝલ સારી બને તેમાં પણ સમસ્યા એ છે કે તમને વિચારવાનો મોકો ન મળ્યો. તમે કહેશો કે વિચારવું ન પડ્યું એમ કહો. એ જંજટ ઓછી થઇ. એક વ્યક્તિ તરીકે તમારા માટે આ જંજટ મટી એ સારી બાબત છે. આવી જંજટ ઘણા માણસોએ ન કરવી પડે એ પણ ખરાબ નથી. પણ, લાંબા સમયે વિચારવાની આદત જ છૂટી જશે એ ગંભીર બાબત છે. આજે વિદ્યાર્થીઓ હોમવર્ક એઆઇ પાસે કરાવી લેવા માંડ્યા છે. એઆઇ અદ્ભુત જવાબ તૈયાર કરી આપે એ ખરાબ ન કહેવાય પણ હોમવર્ક કરાવવાનો ઉદેશ શું હતો ? વિદ્યાર્થી પોતે પોતાની રીતે વિચારે, પ્રયત્ન કરે, એના માટે વાંચે એ ઉદેશ હતો. જવાબ ઉદેશ નહોતો. માણસની બુધ્ધિ વિચારવાથી વધે છે. વાદ વિવાદથી બુધ્ધિ અને એવું સુભાષિત છે. માણસનું મગજ આપાતકાલિન સ્થિતિમાં જ સૌથી સારું કામ આપે છે. જયારે કોઇ રસ્તો ન હોય ત્યારે મગજ સાવ આઉટ ઓફ બોકસ રસ્તા વિચારી લે છે.
નવી પેઢીને વિચારવાની તક જ ઓછી આપવામાં આવી રહી છે. તેનું એકસપોઝર ઘટી રહ્યું છે. એઆઇ જેમ જેમ સક્ષમ બનતી જશે તેમ તેમ માણસે વિચારવાની અનિવાર્યતા ઓછી થતી જશે. ભણવું પણ અનિવાર્ય નહીં રહે. માણસ શા માટે ભણે છે ? જ્ઞાન માટે ? સમજણ માટે, કારકીર્દી માટે ? સફળ થવા માટે ? એઆઇ જયારે અત્યંત શક્તિશાળી બની જશે ત્યારે આજનું ભણતર વ્યર્થ બની જશે. કાં તો માણસે નવી જ એજ્યુકેશન સિસ્ટમ બનાવવી પડશે, જે ભવિષ્ય માટે હોય. જેના ઉદેશ કારકીર્દી કે નોકરી ન હોય. જે માણસને માણસ બનાવવા માટે અથવા માણસ બનાવી રાખવા માટે હોય. પણ અત્યાર સુધીના ઇતિહાસ કહે છે કે માણસ સામે જયાં સુધી કોઇ વિકલ્પ જ ન રહે ત્યાં સુધી તે જૂની પરંપરા છોડતો નથી. ભવિષ્યની પેઢીની કલ્પના કદાચ વધુ પડતી લાગે તો આજની પેઢીને જુઓ, એ કેટલું વિચારે છે? એણે વિચારવું પડે એવું કેટલું રહેવા દીધું છે? એણે સંઘર્ષ કેટલો કરવો પડે છે? એણે મગજ દોડાવવું જ પડે એવા કામ ઘટી રહ્યાં છે. આવતાં થોડા વર્ષમાં જયારે એઆઇ મોટાભાગના કામ કરતી હશે ત્યારે તો વિચારવા માટે કશું રહેશે જ નહીં. ત્યારે માણસ માટે માત્ર રમતો જ બચી હશે જેમાં શરીર અને મનને વ્યાયામ મળે. એ સિવાય કોઈ ક્ષેત્રમાં માણસે વિચારવું નહીં પડે. અને ત્યારથી માણસજાતની પડતી શરુ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉત્સવ પ્રિય સરકારે ૨૦૨૫નું ઉત્સવ કેલેન્ડર કર્યુ જાહેર: સરકારી તામજામમાં કર્મચારીઓ જોતરાશે
November 28, 2024 02:27 PMજાવર ગામે પરપ્રાંતીયોને મકાન ભાડે આપનાર વૃધ્ધની થઇ ધરપકડ
November 28, 2024 02:26 PMબીજી જાન્યુઆરીથી રાજકોટમાં સંગીત મહાકુંભ સસંગીતિ
November 28, 2024 02:25 PMમંડેર ગામની સીમમાં વડલાના વૃક્ષ નીચેથી નવ જુગારીઓની થઇ ધરપકડ
November 28, 2024 02:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech