હાલારમાં મેઘાની સટાસટી : 1 થી 3 ઇંચ વરસાદ

  • July 17, 2024 01:00 PM 

કાલાવડના જસાપરમાં વાડીમાં વિજળી પડતા શ્રમિકનું મોત : મકાજી મેઘપરમાં યુવાન તણાયો : શોધખોળ શ: બેરાજા, બારાડીમાં મકાન પર અને ભોગાતના મોટા આસોટામાં ટાવર પર વિજળી પડી : વાગડીયા અને સસોઇ-2 છલકાયા, ઉંડ-4 90 ટકા છલકાયો: ખંભાળીયામાં ત્રણ, દ્વારકા અને કલ્યાણપુરમાં અઢી, લાલપુરમાં બે, જામનગરમાં પોણા બે ઇંચ વરસાદ: લાંબા અને ગાગડીમાં વિજળી પડતા ચાર પશુના મોત


સૌરાષ્ટ્રમાં અષાઢમાં અનરાધાર મેઘો શ થયો છે ત્યારે હાલારમાં ગઇકાલે આખો દિવસ ગામડાઓમા ધીમી ધારે વરસાદ પડયો છે, 1 થી 3 ઇંચ વરસાદ પડતા મગફળી અને કપાસના પાકમાં ભારે ફાયદો થયો છે, વિજળી પડતા કાલાવડ તાલુકાના જસાપરમાં એક વૃઘ્ધનું મોત થયું છે, જયારે મકાજી મેઘપરમાં પાણીના પ્રવાહમાં એક યુવાન તણાઇ ગયો છે, બેરાજા બારાડી ખાતે એક મકાન પર વિજળી પડતા વિજ ઉપકરણો બળી ગયા છે જયારે ભોગાતના મોટા આસોટામાં એક ટાવર પર વિજળી પડતા લાંબો સમય વિજળી ગુલ થઇ હતી. ખંભાળીયામાં ત્રણ, દ્વારકા અને કલ્યાણપુરમાં અઢી, લાલપુરમાં બે અને જામનગરમાં પોણા બે ઇંચ વરસાદ પડયો હતો.


ગઇકાલે મેઘરાજાએ વરસાદ તો વરસાવ્યો પરંતુ કાલાવડથી પ કીમી દુર આવેલા જસાપરમાં લાખાભાઇ ત્રિકમભાઇની વાડીમાં ખેતમજુરી કરતા શ્રમિક અંબાલાલ વરસીંગભાઇ અમલીયા નામના 56 વર્ષના વૃઘ્ધનું મોત થયુ હતું, જયારે કાલાવડ તાલુકાના જ મકાજી મેઘપર ખાતે નદીના પ્રવાહમાં એક વ્યકિત તણાઇ હતી મોડી રાત સુધી પાણીમાં શોધખોળ કરી હતી ત્યારબાદ તેનું બાઇક મળી આવ્યુ હતું પરંતુયુવાન મળ્યો નથી, આજ સવારથી પણ શોધખોળ ચાલુ છે.


આ ઉપરાંત બેરાજા બારાડી ખાતે દેવશીભાઇ મુળુભાઇ ચાવડાના ઘર પર વિજળી પડતા તમામનો ચમત્કારીક બચાવ થયો હતો, ઘરનું ઇલેકટ્રીક વાયરીંગ બળી ગયુ હતું અને છતને પણ નુકશાન થયુ હતું એવી જ રીતે ભોગાતના મોટા આસોટામાં ટાવર પર વિજળી પડતા ટાવરને નુકશાન થયુ હતું. કલ્યાણપુર તાલુકાના ગાંગડી ગામે રહેતા એક આસામીની માલિકીની ત્રણ ભેંસો પર આકાશી વીજ ત્રાટકતા આ ભેંસના મોત નીપજ્યા હતા. આ ઉપરાંત કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે એક ગાય પર પણ વીજળી પડતા તેનું પણ મોત થયું હતું.


દ્વારકામાં ગઇકાલે દિવસ દરમ્યાન 2.5 ઇંચ વરસાદ પડયો હતો, છપ્પન સીડી પાસે પાણી ચાલ્યા ગયા હતા, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા, અત્યાર સુધીનો કુલ વરસાદ 402 મીમી થયો છે.


કલ્યાણપુરથી અમારા પ્રતિનિધી જણાવે છે કે ગઇકાલે વિજળીના ભારે કડાકા ભડાકા સાથે કલ્યાણપુર પંથક અને શહેરમાં અઢી ઇંચ વરસાદ પડયો હતો, ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા, અષાઢમાં મેઘો અનરાધાર બન્યો હતો, કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં બે થી ત્રણ ફુટ પાણી ભરાયા હતા અને વરસાદના કારણે અમુક વિસ્તારોમાં વિજળી ગુલ થઇ ગઇ હતી અત્યાર સુધીનો મોસમનો કુલ વરસાદ 442 મીમી થયો છે.


જામનગર શહેરની વાત લઇએ તો ગઇકાલે સાંજે 7-30 બાદ વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો અને વિજળીના ભારે કડાકા ભડાકા વચ્ચે દોઢ કલાકમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો હતો, ત્રણબત્તી, જયશ્રી ટોકીઝ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લાંબા સમય બાદ પોણા બે ઇંચ વરસાદ પડતા લોકોને ગરમીથી હાંશકારો મળ્યો હતો.


ખંભાળીયામાં ગઇકાલે દિવસ દરમ્યાન વધુ ત્રણ ઇંચ વરસાદ પડતા ચારેકોર પાણી-પાણી થઇ ગયું હતું, વિજળીના કડાકા-ભડાકા સાથે ત્રણ ઇંચ વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હતાં, કેટલાક વિસ્તારમાં વિજળી રાણી ગુલ થઇ ગઇ હતી, તાલુકામાં બે સ્થળોએ વિજળી પડી હતી.


લાલપુરથી અમારા પ્રતિનિધી જણાવે છે કે ગઇકાલે દિવસ દરમ્યાન બે ઇંચ વરસાદ પડયો હતો, આજુ બાજુના વિસ્તારોમાં બે થી અઢી ઇંચ વરસાદ પડયો છે, ભારે ગરમી બાદ વરસાદ પડતા લોકોને ટાઢક થઇ હતી જયારે કાલાવડમાં અડધો ઇંચ અને જામજોધપુરમાં 5 મીમી, ભાણવડમાં 7 મીમી વરસાદ પડયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application