પાટનગર ગાંધીનગરના ઉદ્યોગ ભવનમાં છઠ્ઠા માળે બેસતા વર્ગ-૨ ના ઉચ્ચ અધિકારી અને આસિસ્ટન્ટ ઈલેક્ટ્રીકલ ઈન્સપેક્ટર મનિષકુમાર નવિનચન્દ્ર રાવલને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ ₹૫૦,૦૦૦ ની લાંચ લેતા જાહેર રોડ પરથી રંગેહાથ દબોચી લીધા છે. બાંધકામ પ્રોજેક્ટના ફાયર એન.ઓ.સી. અને સર્ટિફિકેટ માન્ય રાખવાના બદલામાં સાહેબે કુલ ₹૫ લાખની તોતિંગ લાંચની માંગણી કરી હતી.
સુરક્ષાના સર્ટિફિકેટ પર ભ્રષ્ટાચારની કાળી શાહી
આ કેસની વિગતો સરકારી ઓફિસોમાં ચાલતી સડો દર્શાવે છે. ફરિયાદી એક જાગૃત નાગરિક છે, જેઓ બિલ્ડિંગોમાં 'પેસિવ ફાયર સિસ્ટમ' (ફાયર સેફ્ટી) ફિટ કરવાનું કામ કરે છે. પ્રોજેક્ટ પૂરો થયા બાદ તેના સર્ટિફિકેટ મંજૂર કરવા માટે ફાઈલ ઉદ્યોગ ભવનમાં આસિસ્ટન્ટ ઈલેક્ટ્રીકલ ઈન્સપેક્ટર મનિષકુમાર રાવલ સમક્ષ આવી હતી. રાવલે આ પ્રમાણપત્રો ઓકે કરવાના અવેજમાં ₹૫ લાખની કડક માંગણી કરી. ફરિયાદીએ આટલી મોટી રકમ એકસાથે આપવા અસમર્થતા દર્શાવતા, નાણાં ટુકડે-ટુકડે આપવાનું નક્કી થયું હતું. જે અંતર્ગત આજે પ્રથમ હપ્તા તરીકે ₹૫૦,૦૦૦ આપવાના હતા.
રોડ પર ગોઠવાયું છટકું અને સાહેબ જેલ ભેગા
ફરિયાદી આ ભ્રષ્ટાચાર સામે ઝૂકવા નહોતા માંગતા, તેથી તેમણે તાત્કાલિક એસીબીનો સંપર્ક કર્યો. અમદાવાદ એસીબીના પી.આઈ. ડી.બી. વાળા અને તેમની ટીમે ગાંધીનગરના ઘ-૨ સર્કલ પાસે, પટેલ આઈસ્ક્રીમ નજીક આવેલા ૧૦૨ નંબરના AMTS બસ સ્ટેન્ડ આગળ જાહેર રોડ પર જ જાળ બિછાવી. અધિકારી મનિષકુમાર રાવલ ગાડી લઈને લાંચ લેવા પહોંચ્યા અને ફરિયાદી સાથે ખાતરીપૂર્વકની વાતચીત કરી. જેવા ફરિયાદીએ પ્રથમ હપ્તાના ₹૫૦,૦૦૦ આપ્યા, કે તરત જ આજુબાજુ છુપાયેલી એસીબીની ટીમે ત્રાટકીને ક્લાસ-૨ ના આ અધિકારીને લાંચના નાણાં સાથે પકડી પાડ્યા.