રાજકોટ સહીત ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ચાંદિપુરાના વાયરલ ઇન્ફેક્ટિવના શંકાસ્પદ અને પોઝિટિવ કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ચાંદિપુરાનો પેસારો વધુ જોવા મળી રહ્યો છે. બાળ દર્દીઓને નિ:શુલ્ક સુવિધાયુક્ત અને શ્રેષ્ઠ સારવાર મળી રહે એ માટે પ્રારંભિક સમયે જ રાજકોટની સિવિલ હોસ્પિટલ સંલગ્ન ઝનાના હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગ ખાતે સ્પેશિયલ આઇસોલેટ વોર્ડ શરૂ કરી બાળ દર્દીઓની સઘન સારવાર શરૂ કરી દેવામાં આવી છે. ઝનાના હોસ્પિટલ અને સિવિલમાં ચાંદિપુરાની સારવાર, ડિસ્ચાર્જ સહિતની વિસ્તૃત વિગતો આપવા માટે આજરોજ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માંકડિયાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે પડધરીની સાત વર્ષની બાળકી કે જેનો ચાંદિપુરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.11 દિવસની મલ્ટી સારવાર સાથે સ્વસ્થ બનતા આજે ડિસ્ચાર્જ કરવામાં આવી હતી.
પત્રકાર પરિષદમાં ચાંદિપુરાના રોગમાંથી સ્વસ્થ થયેલી બાળકી અને તેના માતા-પિતાને પણ ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા અને સારવારને લઇ મંતવ્ય લેવાયા હતા. પરિવારે હોસ્પિટલના ડોક્ટર અને નર્સીંગ સ્ટાફનો મીડિયા સમક્ષ આભાર માન્યો હતો. પત્રકાર પરિષદમાં સિનિયર મેડિકલ ઓફિસર ડો.એમ.સી.ચાવડા, પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટના ડો.સુરભી નગેવાડીયા, રેસિડેન્ટ ડો.આરતી સુત્રેજા, ડો. શ્રેયા બત્રા, નર્સીંગ સ્ટાફમાં આઈસીએન રાજેશ્રી પટેલ સહિતના જોડાયા હતા.
બાળકી સ્વસ્થ બનીને જઈ રહી છે એજ ખુશીના સમાચાર: ડો.મોનાલી માકડિયા
પીડીયુ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયાએ પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, ચાંદિપુરા પોઝિટિવ સાત વર્ષની બાળકી 11 દિવસની સારવાર બાદ સ્વસ્થ બની ઘરે જઈ રહી છે એજ અમારા માટે મોટા ખુશીના સમાચાર છે. આ બદલ પીડિયાટ્રિક વિભાગની કાબિલેદાદ કામગીરીને બિરદાવું છું, વધુમાં જણાવ્યું હતું કે, ચાંદિપુરાના એન્કેફેલાઇટીસ લક્ષણો ધરાવતા બાળકોને તાત્કાલિક અસરથી તમામ સારવાર મળી રહે એ માટે એમસીએચ બ્લોકમાં અલગથી જ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે અને ત્યાં પીડિયાટ્રિક-મેડિસિન વિભાગની ટીમની દેખરેખ હેઠળ બાળ દર્દીઓને વેન્ટિલેટરથી લઇ તમામ જરૂરી સારવાર આપવામાં આવી રહી છે. હાલ સારવારમાં રહેલા સાત બાળ દર્દી અને એક પુખ્ત ઉંમરનું દર્દી વહેલી તકે સ્વસ્થ બને એ માટે અમારા પ્રયાસો છે.
પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ સારવાર માટે ખડેપગે છે: ડો.પંકજ બુચ
એમસીએચ બ્લોકમાં સારવારમાં રહેલા સાત બાળ દર્દીઓ જેમની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ સઘન સારવારમાં છે એ પીડિયાટ્રિક વિભાગના વડા ડો.પંકજ બુચએ જણાવ્યું હતું કે, ચાંદિપુરા એન્કેફેલાઇટીસનું બાળ દર્દી હોઈ કે અન્ય બીમારી સારવારમાં આવેલું દરેક બાળક સ્વસ્થ બની ઘરે જવું જોઈએ એ માટે મારા અને મારા ડિપાર્ટમેન્ટના હંમેશા પ્રયાસ રહે છે. ડો.બુચએ ચાંદિપુરા વિષે જણાવ્યું હતું કે, પીડિયાટ્રિક વોર્ડમાં પોઝિટિવ અને શંકાસ્પદ બાળકો સારવાર લઇ રહ્યા છે.
એક સમયે બાળકીના ધબકારા ઘટવા લાગ્યા હતા: ડો.પલક હાપાણી
પીડિયાટ્રિક વિભાગના એસો.પ્રોફેસર ડો.પલક હાપાણીએ સ્વસ્થ બનેલી બાળકીની મેડિકલ હિસ્ટ્રી વિશે કહ્યું હતું કે, શરૂઆતમાં તાવ આવતો હોવાથી પરિવારે મેડિકલમાંથી દવા લઇ પીવડાવી હતી એમ છતાં સારું ન થતા એક મોટી હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને ત્યાંથી સિવિલમાં રીફર કરવામાં આવી હતી. બાળકીને દાખલ કરવામાં આવી ત્યારે સુગર લેવલ ખુબ ઓછું હતું અને તાવના કારણે મગજ પર સોજો સાથે આંચકી શરૂ થતા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી.
બાળકને તાત્કાલિક સારવાર મળવી જરી: ડો.હેતલ કયાડા
ફોરેન્સિક વિભાગના વડા અને સિવિલના મીડિયા કોર્ડીનેટર ડો.હેતલ કયાડાએ ચાંદિપુરાના આંકડા અંગેની વિસ્તુત માહિતી આપી હતી જેમાં સિવિલમાં અત્યાર સુધીમાં મોરબી, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર જિલ્લામાંથી દર્દીઓ સારવાર માટે કુલ 20 દર્દી દાખલ થયા છે. જેમાંથી એક પુખ્ત વય છે. 20 દર્દીઓ પૈકી આઠ દર્દીઓ સારવારમાં છે, જેમાં છ સસ્પેક્ટ અને બે પોઝિટિવ છે, જયારે આઠ મૃત્યુ થયા છે જેમાં એક પોઝિટિવ કેસ સામેલ છે. આજે પડધરીની સાત વર્ષની બાળકી અને બે દિવસ પહેલા મોરબીના 13 વર્ષના બાળકને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે.
ચાંદીપુરાના દર્દીની વિગત
(1) બાળકી- 2 વર્ષ -નિકાવા- પોઝિટિવ
(2)બાળક -4વર્ષ-રાણાવાવ-પોઝિટિવ
(3)બાળક - 10 વર્ષ - સુરેન્દ્રનગર-પોઝિટિવ
(4) બાળક -11 વર્ષ - જેતપુર - સસ્પેક્ટ
(5) બાળક - 4 વર્ષ - ગોંડલ - સસ્પેક્ટ
(6) બાળક - 4 મહિના - ગોંડલ - સસ્પેક્ટ
(7) બાળક - 4 વર્ષ - રાજકોટ - સસ્પેક્ટ
(8) યુવક - 18 વર્ષ - વાંકાનેર - સસ્પેક્ટ
મુત્યુની વિગત: પોઝિટિવ - 1, નેગેટિવ -6,
સસ્પેક્ટ -1
એઇમ્સના તબીબે બાળકીને સિવિલમાં ધકેલી હતી
વાડી માલિકે રસ્તામાં એઇમ્સ આવતા ત્યાં સારવાર સારી અને મોટા ડોક્ટર હોવાનું કહેતા એઇમ્સમાં લઇ જવાઈ હતી પરંતુ ત્યાં ફરજ પરના તબીબે ગંભીરતા દાખવ્યા વગર બાળકીનું સુગર ચેક કરી ગ્લુકોઝનો પાઈન્ટ આપી દઈ સિવિલમાં રીફર કરી દેવામાં આવી હતી. જો બાળકીને એઇમ્સમાં સારવાર મળી હોત તો એઇમ્સ હોસ્પિટલની આરોગ્ય લક્ષી યશ કલગીમાં સૌ પ્રથમ ચાંદિપુરાની બાળકીને સ્વસ્થ કરી ડિસ્ચાર્જ આપ્યાનો ઉમેરો થઈ શક્યો હોત.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમંદિર હોવાના પૂરાવા મળ્યા છે, અમે તેને લઈને જ રહીશુંઃ સંભલ વિવાદ પર સ્વામી રામભદ્રાચાર્યનો મોટો દાવો
December 23, 2024 10:26 AMખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech