બ્લેકઆઉટ દરમિયાન જામનગર જિલ્લાના નાગરિકોએ દાખવ્યું સ્વયંભૂ શિસ્તનું ઉત્કૃષ્ટ ઉદાહરણ

  • May 08, 2025 10:52 AM 

મોકડ્રિલ અને બ્લેકઆઉટ દરમિયાન તંત્રને પૂરતો સહયોગ આપવા બદલ જિલ્લાના નાગરિકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર

ઓપરેશન અભ્યાસ અંતર્ગત દેશભરમાં આયોજિત બ્લેકઆઉટમાં જામનગર જિલ્લાના નાગરિકોએ રાત્રે ૮.૦૦ થી ૮.૩૦ સુધી સંપૂર્ણ અંધારપટ પાળીને અપ્રતિમ સ્વયંશિસ્તનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સામાન્ય રીતે ઉદ્યોગો અને વ્યાપારથી ધમધમતા જામનગર શહેરે દેશ માટે સંપૂર્ણ સહકાર આપતા તમામ પ્રકારની લાઈટો બંધ રાખીને રાષ્ટ્ર પ્રત્યેની પોતાની નિષ્ઠા દર્શાવી હતી. આ ઘટનાએ સાબિત કર્યું છે કે જ્યારે દેશ સામે કોઈ પણ પ્રકારનું જોખમ આવે ત્યારે જામનગર જિલ્લો એક થઈને તેનો સામનો કરવા માટે હંમેશાં તૈયાર છે.


બ્લેકઆઉટ પહેલાં, જિલ્લા પોલીસ, ફાયર વિભાગ અને મહાનગરપાલિકાના કર્મચારીઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને નાગરિકોને બ્લેકઆઉટના હેતુ અને તેના મહત્વ વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત, બ્લેકઆઉટ દરમિયાન શું કરવું જોઈએ અને શું ટાળવું જોઈએ તે અંગેની સરકારની સૂચનાઓનું પણ પાલન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો, જેને જામનગરના જાગૃત નાગરિકોએ સંપૂર્ણપણે અનુસર્યું હતું.


જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે આ સફળ બ્લેકઆઉટ માટે જામનગર જિલ્લાના નાગરિકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મોકડ્રિલ અને બ્લેકઆઉટ દરમિયાન નાગરિકોએ જે સ્વયંભૂ શિસ્ત અને સહકાર દર્શાવ્યો છે તે ખરેખર અભૂતપૂર્વ છે અને તે જામનગરની એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની તેમની ઊંડી લાગણીનું પ્રતિબિંબ છે.


આમ, જામનગર જિલ્લાના નાગરિકોએ એકત્ર થઈને રાષ્ટ્રીય ફરજમાં સહભાગી બનીને દેશપ્રેમ અને શિસ્તનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application