આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે વૈશ્વિક લીડર બનવાની રેસ વચ્ચે ચીનની શી જિનપિંગ સરકારે એક અત્યંત ચોંકાવનારો અને કડક નિર્ણય લીધો છે. ચીન હવે તેના દેશના ટોચના AI એન્જિનિયરો, સંશોધકો અને ખાનગી કંપનીઓના વડાઓની વિદેશ યાત્રા પર કડક પ્રતિબંધો લાદી રહ્યું છે. અલીબાબા (Alibaba) અને ડીપસીક (DeepSeek) જેવી દિગ્ગજ આઇટી કંપનીઓના AI એક્સપર્ટ્સ હવે સરકારની આગોતરી મંજૂરી વગર દેશની બહાર પ્રવાસ નહીં કરી શકે.
બ્લૂમબર્ગ (Bloomberg) ના અહેવાલ અનુસાર, ચીનની સરકારી એજન્સીઓ હવે એવા તમામ નિષ્ણાતો પર કડક નજર રાખી રહી છે જેઓ એડવાન્સ AI ટેકનોલોજી અને સિક્રેટ કોડિંગ પર કામ કરી રહ્યા છે. આ નવા નિયમોના દાયરામાં માત્ર સરકારી કર્મચારીઓ જ નહીં, પરંતુ ખાનગી ટેક સ્ટાર્ટઅપ્સના ફાઉન્ડર્સ, રિસર્ચર્સ અને કોમર્શિયલ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
પહેલીવાર પ્રાઇવેટ સેક્ટર પર ત્રાટકી સરકાર
ચીનમાં સરકારી કંપનીઓના મોટા અધિકારીઓ, વૈજ્ઞાનિકો અને કમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓના પાસપોર્ટ સરકાર પાસે જમા રાખવાનો નિયમ ઘણો જૂનો છે. પરંતુ ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે કે ચીન સરકારે ખાનગી ક્ષેત્ર (Private Sector) માં કામ કરતા સામાન્ય કર્મચારીઓ પર પણ આવા પ્રવાસ પ્રતિબંધો મૂક્યા છે. જિનપિંગ સરકાર હવે વ્યક્તિના પદ કે હોદ્દાને જોવાને બદલે, તે દેશ માટે ટેકનિકલ રીતે કેટલો મહત્વનો છે તેના આધારે તેની વિદેશ યાત્રા નક્કી કરી રહી છે.
AI એન્જિનિયર્સ હવે ચીનની 'રાષ્ટ્રીય સંપત્તિ'
ટેક નિષ્ણાતોનું માનવું છે કે ચેટ જીપીટી (ChatGPT) ના આવ્યા પછી ચીનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વ્યાપ બહુ ઝડપથી વધ્યો છે. ચીન હવે પોતાના AI એન્જિનિયરોને સામાન્ય કર્મચારી નહીં પરંતુ દેશની 'વ્યૂહાત્મક રાષ્ટ્રીય સંપત્તિ' (Strategic National Asset) ગણી રહ્યું છે. સરકારને મોટો ડર છે કે જો આ ટેલેન્ટ વિદેશ જશે, તો ચીનની ગુપ્ત ટેકનોલોજી અમેરિકા કે અન્ય પશ્ચિમી દેશોના હાથમાં આવી શકે છે.
શા માટે ચીન સરકારે લેવો પડ્યો આ આકરો નિર્ણય?
આ કડક નિયમો પાછળ તાજેતરમાં બનેલી 'Manus' નામની AI સ્ટાર્ટઅપ કંપનીની ઘટના જવાબદાર માનવામાં આવે છે:
કંપનીનું પલાયન: 'Manus' નામની આ એડવાન્સ AI કંપનીની શરૂઆત ચીનમાં થઈ હતી, પરંતુ બાદમાં તે ચીન છોડીને સિંગાપોર શિફ્ટ થઈ ગઈ હતી.
ડૉલર ડીલનો વિવાદ: સિંગાપોર ગયા બાદ મેટા (Meta) કંપની સાથે તેની અંદાજે ૨ અબજ ડૉલરની મોટી ડીલને લઈને વિવાદ થયો હતો.
એરપોર્ટ પર જ અટકાવ્યા: આ ઘટનાથી ચીન સરકાર ચોંકી ઉઠી હતી કે દેશનું ટેલેન્ટ અને ટેકનોલોજી બહાર જઈ રહી છે. તપાસ દરમિયાન આ કંપનીના બે સહ-સ્થાપકો (Co-founders) ને ચીન છોડતા એરપોર્ટ પર જ અટકાવી દેવામાં આવ્યા હતા.
ઉદ્યોગ જગતમાં ચિંતા અને નુકસાનની આશંકા
જોકે, ચીન સરકારના આ અતિશય હસ્તક્ષેપના કારણે ચીનની પોતાની AI ઇન્ડસ્ટ્રી પર માઠી અસર પડી શકે છે. ટેક કંપનીઓ માટે હવે ગ્લોબલ માર્કેટમાંથી સારા ટેલેન્ટને નોકરી પર રાખવું અને લાંબા સમય સુધી પોતાની સાથે ટકાવી રાખવું મુશ્કેલ બનશે. વિદેશી રોકાણકારો પણ હવે ચીનની ખાનગી ટેક કંપનીઓમાં પૈસા રોકતા ડરી રહ્યા છે.