જામનગર શહેરના પત્રકારોના અભ્યાસ કરતાં સંતાનોનો સન્માન સમારોહ સંપન્ન

  • August 03, 2023 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર પત્રકાર મંડળ પારિવારીક ભાવના પ્રબળ બનાવવા માટે કાર્યરત સંસ્થા-જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા : પત્રકાર મંડળના સભ્યોનો રચનાત્મક અભિગમ આવકાર્ય-ડો. વિમલભાઇ કગથરા

જામનગર પત્રકાર મંડળ દ્વારા સંસ્થાના સભ્યોના અભ્યાસ કરતા સંતાનોનો સરસ્વતી સન્માન સમારોહ તાજેતરમાં મનપા પરિસર સ્થિત રોટરી ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરના હોલ ખાતે યોજાયો હતો.
આ સમારંભમાં મુખ્ય અતિથી તરીકે શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા તેમજ શહેર- જિલ્લા ભાજપ સંગઠ્ઠનના મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઇ બાંભણીયા, મેરામણભાઇ ભાટુ અને દિલીપભાઇ ભોજાણી ઉપસ્થિત રહ્યા હતાં.
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતાં સંસ્થાના પ્રમુખ ગિરીશભાઇ ગણાત્રાએ કહયું હતું કે, જામનગર શહેરમાં પાંચ દાયકા જેટલા લાંબા સમયથી પત્રકારોનું એકમાત્ર આ સંગઠ્ઠન કાર્યરત છે. અને સંસ્થાના ઉપક્રમે પત્રકારો તેમજ તેમના પરિવારજનો માટે પર્યટન-પ્રવાસ તેમજ આરોગ્ય લક્ષી કાર્યક્રમો આયોજીત કરી પારિવારીક વાતાવરણ સાથે પત્રકારોના સંતોના માટે સરસ્વતી સન્માન સમારોહ પણ આયોજીત કરવામાં આવે છે.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરાએ કહ્યું હતું કે, પત્રકારોની સંસ્થા દ્વારા પારિવારીક વાતાવરણ મળી રહે તેવા કાર્યક્રમો આયોજીત થાય છે તે આવકાર્ય છે. સતત કાર્યબોજ હેઠળ કાર્યરત રહેતા પત્રકારોને પણ આવા પારિવારીક આયોજનથી આનંદીત વાતાવરણ મળી રહે છે. પત્રકાર મંડળને આવા કાર્યક્રમો માટે કાયમી સહકાર આપવાની ભાવના પણ તેઓએ વ્યકત કરી હતી.
શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઇ કગથરાએ પત્રકાર મંડળની કામગીરી અને કાર્યપધ્ધતિનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, જામનગર શહેરમાં પત્રકારોના વ્યવહાર- વર્તન સુખદ અને રચનાત્મક ભૂમિકા આવકારદાયક છે. પત્રકાર મંડળના ઉપક્રમે પત્રકારોના હિતની રક્ષા સાથે તેમના પરિવારજનો પણ ભાગ લઇ શકે તેવા કાર્યક્રમો આવકાર્ય છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથીઓના હસ્તે કે.જી. થી કોલેજ સુધીના પત્રકારોના સંતાનોને પ્રમાણપત્ર તેમજ રોકડ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં આભારદર્શન સંસ્થાના ઉપપ્રમુખ કિંજલ કારસરીયાએ તેમજ સંચાલન સંસ્થાના મંત્રી જગત રાવલે કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના સુચીત બારડ, દિપક લાંબા વગેરેેએ જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application