ગોંડલના ચરખડીની સીમમાં વાડીએ ટ્રેક્ટર હેઠળ કચડાઈ જતા 7 વર્ષના બાળકનું મોત

  • May 21, 2025 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ તાલુકાના ચરખડી ગામની સીમમાં આવેલી વાડીએ ખેત મજૂરી કરનાર દંપતીનો એકનો એક પુત્ર અહીં ટ્રેક્ટર હેઠળ કચડાઈ જતા તેનું કમકમાટીભર્યું મોત થયું હતું. દંપતી જેની વાડીએ ખેત મજૂરી કરતા હતા તે વાડી માલિક ટ્રેક્ટર આગળ લેવા જતા સાત વર્ષનો બાળક રમતા રમતા ટ્રેક્ટરના ટાયર નીચે આવી જતા આ કરૂણતા સર્જાઈ હતી. બનાવ અંગે બાળકના પિતાની ફરિયાદ પરથી પોલીસે વાડી માલિક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ મધ્યપ્રદેશના નોંધારા ગામના વતની અને હાલ ગોંડલ તાલુકામાં ચરખડી ગામની સીમમાં ઉદયભાઇ સવજીભાઈ કંડારીયાની વાડીએ છેલ્લા એક મહિનાથી ખેતમજૂરી કામ કરનાર અખિલેશ ભાવસિંહ નહાલ (ઉ.વ 27) નામના આદિવાસી યુવાને અકસ્માતની આ ઘટના અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા એક મહિનાથી અહીં ચરખડી ગામની સીમમાં ઉદય સવજીભાઈ કંડારીયાની વાડીએ ખેત મજૂરી કામ કરે છે. પરિવારમાં સાત વર્ષનો પુત્ર તેજ હતો અને બે વર્ષની પુત્રી ખુશી છે.


ગઈકાલે યુવાન તથા તેની પત્ની પૂજા બંને અહીં વાડીએ ખેત મજૂરી કામ કરતા હતા અને તેમના બંને સંતાનો અહીં આસપાસ રમતા હતા. ટ્રેક્ટરમાં જુવાર ભરતા હતા તે વખતે ટ્રેક્ટર આગળ ખસેડવાની જરૂર પડતા વાડી માલિક ઉદયભાઇએ ટ્રેક્ટર આગળ ચલાવતા ફરિયાદીનો પુત્ર તેજ અહીં ટ્રેક્ટર નીચે રમતો હોય ટ્રેક્ટરના ટાયર નીચે આવી જતા તેને માથાના ભાગે ઈજા થતા રાડારાડી કરવા લાગતા માતા-પિતા દોડયા હતા. બાદમાં 108 ને ફોન કર્યો હતો પરંતુ તેને આવવામાં વાર લાગતા ઉદયભાઇના મિત્રને કારમાં સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલ લઈ જવા માટે નીકળ્યા હતા. દરમિયાન ગુંદાળા ચોકડી પાસે 108 આવતા તેમાં બાળકને સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. અહીં ટૂંકી સારવાર બાદ બાળકનું મોત થયું હતું.


બાળકના પિતાની ફરિયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે વાડી માલિક ઉદય સવજીભાઈ કંડારીયા (રહે. ચરખડી ) વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. એકના એક પુત્રનું અકસ્માતમાં મોત થતાં દંપતી શોકમાં ગરકાવ થઈ ગયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application