રાજકોટમાં ચિકુન ગુનિયાના કેસ ગત વર્ષથી ડબલ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સહિતના ઝપટે ચડ્યા

  • December 04, 2023 03:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં આ વર્ષે ગત વર્ષ કરતા ઓછો વરસાદ છતાં ચોમાસા બાદ તુરંત જ મચ્છર જન્ય રોગચાળાએ માથું ઉંચકયું હતું. શહેરમાં ખાસ કરીને ચિકુનગુનિયાએ ભારે ઉપાડો લીધો છે અને ઓન રેકર્ડ પણ ગત વર્ષ કરતા ડબલ કેસ નોંધાયા છે. મહાપાલિકાના રેકર્ડ અનુસાર ગત કેલેન્ડર વર્ષમાં કુલ 31 કેસ નોંધાયા હતા, જ્યારે ચાલુ વર્ષે હાલ સુધીમાં 74 કેસ નોંધાઇ ગયા છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી.વૈષ્ણવ સહિતના મહાનુભાવો ચિકુનગુનિયાની ઝપટે ચડી ગયા હોવાનું જાણવા મળે છે.


જો કે ખાનગી તબીબી વર્તુળો તો મહાપાલિકા દ્વારા જાહેર કરાતા રોગચાળાના આંકડા કરતા શહેરમાં દસ ગણા વધુ કેસ હોવાનું જણાવી રહ્યા છે. ખાસ કરીને શહેરની કોઇ સોસાયટી એવી નહીં હોય કે જ્યાં ચિકુનગુનિયા, ડેંગ્યુ કે મેલેરિયાનો કેસ નહીં હોય પરંતુ તંત્રવાહકો જાહેર કરતા નથી !
જો રાજકોટમાં કાર્યરત તમામ હોસ્પિટલો, લેબોરેટરીઓ અને શેરીઓમાં કાર્યરત દવાખાનાઓમાંથી વિગતો મેળવાય તો રોગચાળાનું સાચું ચિત્ર બહાર આવી શકે છે પરંતુ મચ્છર મારવા જેવી સામાન્ય કામગીરીમાં પણ સદંતર નિષ્ફળ મહાપાલિકા તંત્ર આવી કામગીરી ક્યારેય કરતું નથી.
મહાપાલિકાએ આજે જાહેર કરેલા વિકલી એપેડમિક અનુસાર છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં ચિકુન ગુનિયાના પાંચ (ચાલુ કેલેન્ડર વર્ષમાં કુલ 74 કેસ), મેલેરિયાનો એક કેસ ( ચાલુ કેલેન્ડર વર્ષમાં કુલ 37 કેસ), ડેન્ગ્યુના વધુ આઠ કેસ ( ચાલુ કેલેન્ડર વર્ષમાં કુલ 191 કેસ) નોંધાયા છે. આ ઉપરાંત શરદી ઉધરસના 860 કેસ, સામાન્ય તાવના 68 કેસ, ઝાડા ઉલ્ટીના 180 કેસ નોંધાયા છે.


રાજકોટ શહેરમાં હાલ અનેક વીઆઇપી મહાનુભાવોથી લઇ કોમનમેન સુધીના ચિકુનગુનિયાગ્રસ્ત હોવાનું જાણવા મળે છે, અમુક ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે તો અમુક સારવાર મેળવી ચિકુનગુનિયા મુક્ત બન્યા છે.
અમુક શહેરીજનોને તો તેમનો સમગ્ર પરિવાર ચિકુન ગુનિયાની ઝપટે ચડી ગયો છે. દરમિયાન રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી.વૈષ્ણવનો સંપર્ક સાધતા તેમણે આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ પણ ચિકુન ગુનિયાગ્રસ્ત બન્યા હતા અને એક મહિના બાદ તાજેતરમાં જ સારવારમાંથી બહાર આવ્યા છે, તેમણે ઉમેર્યું હતું કે હાલ તેઓ સ્વસ્થ છે પરંતુ સંપૂર્ણ સાજા થયા પછી પણ ચિકુનગુનિયા થયો હોય તેમને સાંધાના દુ:ખાવાની તકલીફ લાંબો સમય સુધી રહે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application