મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના વરસાદી અસરગ્રસ્ત જિલ્લાઓની સ્થિતિની કરી સમીક્ષા

  • July 21, 2023 09:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે  સૌરાષ્ટ્રના વરસાદી અસરગ્રસ્ત જિલ્લાઓની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં પશુઓ માટે તાત્કાલિક સૂકા ઘાસના પ્રબંધ માટે સૂચનાઓ આપી હતી. અસરગ્રસ્ત વિસ્તારોના હવાઈ નિરિક્ષણ પછી જૂનાગઢમાં મુખ્યમંત્રીની વરિષ્ઠ અધિકારીઓ પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. મુખ્યમંત્રીએ જુનાગઢથી ગીર સોમનાથ,ભાવનગર પોરબંદર અને રાજકોટના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ કરીને તેમના જિલ્લાઓની વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવ્યો.


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં જ્યાં પાણી ભરાયા છે તે વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને જૂનાગઢમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્યમંત્રીશ્રીએ જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ ,ભાવનગર અને રાજકોટ જિલ્લાના કલેકટર સાથે વિડીયો કોન્‍ફરન્‍સ યોજીને તેમના જિલ્લાઓની વરસાદી સ્થિતીનો તાગ પણ મેળવ્યો હતો. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેતી પાક અને ઘરવખરીને જ્યાં નુકસાન થયું છે ત્યાં તાત્કાલિક સર્વે કરીને સરકારના ધારા ધોરણ મુજબ વહેલાસર સહાય આપવા માટે માર્ગદર્શન આપ્યું હતું.


અતિ ભારે વરસાદની સ્થિતિમાં માલધારીઓનું ઘાસ પલળી ગયું છે અથવા તો પાણીમાં વહી ગયું છે તેવી રજૂઆતોને ધ્યાને લઈને મુખ્યમંત્રીશ્રીએ  તાત્કાલિક  સુકુ ઘાસ અસરગ્રસ્ત જિલ્લાઓમાં પહોંચાડવા વન વિભાગ અને આ અંગે સંકલન કરતા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચનાઓ આપી હતી. વરસાદી અસરગ્રસ્ત જિલ્લાઓમાં થયેલા પશુ મૃત્યુ અંગે ચિંતા વ્યક્ત કરીને મુખ્યમંત્રીશ્રીએ માલધારીઓને નિયમાનુસાર સહાય ત્વરાએ મળે તેવો સંવેદના પૂર્ણ અભિગમ દાખવી જરૂરી કાર્યવાહી કરવા પણ માર્ગદર્શન આપ્યું હતું.


મુખ્યમંત્રીશ્રીએ સૌરાષ્ટ્રના જુનાગઢ, રાજકોટ, પોરબંદર, ગીર-સોમનાથ, ભાવનગર જિલ્લાનાં કલેક્ટરોને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી કે રોગચાળો ના ફેલાય તે માટે વરસાદ અટકે કે તુરતજ સફાઈ કામગીરી અગ્રતા ક્રમે હાથ ધરવી જરૂરી છે. તેમણે જરૂરીયાત મુજબ આરોગ્યની વધારાની ટીમ અન્ય જિલ્લાઓમાંથી બોલાવીને પણ આ કામગીરી થાય તેવા દિશાનિર્દેશો આપ્યા હતા.


ખેતીવાડીનાં થયેલા નુકસાના અંગે મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં જણાવ્યું કે, પાણી ઉતરી જાય એટલે ત્વરાએ સર્વે કામગીરી હાથ ધરાવી જોઈએ.
મુખ્યમંત્રીશ્રીએ સ્થાનિક ધારાસભ્યશ્રીના સૂચનો ધ્યાને લઈ તેમજ અધિકારીઓની સ્થળ પરની મુલાકાત બાદના  અહેવાલો અને સૂચનો પણ ધ્યાને લઈને ઘેડમાં દર વર્ષે ભરાતા પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થાઓ પર વિચાર વિમર્શ કર્યો હતો. આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી રાજકુમારે જિલ્લાના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.


જુનાગઢ કલેક્ટરશ્રી અનિલ કુમાર રાણાવસિયા, ગીર સોમનાથના કલેક્ટરશ્રી વઢવાણીયા, ભાવનગરના કલેક્ટરશ્રી આર.કે.મહેતા, રાજકોટના કલેક્ટર પ્રભવ જોશી એ ભારે વરસાદમાં તેમના જિલ્લાઓનાં જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલી તાત્કાલિક રાહત બચાવની કામગીરી ની માહિતી આપી હતી.



આ બેઠકમાં જુનાગઢ જિલ્લાનાં ધારાસભ્યશ્રીઓએ જરૂરી સૂચનો કર્યા હતા. અધિક મુખ્ય સચિવ મહેસુલશ્રી એમ.કે.દાસ, પ્રભારી સચિવશ્રી મનીષ ભારદ્વાજ, રાહત કમિશનરશ્રી આલોકકુમાર, સીસીએફ આરાધના શાહુ, મ્યુનિસિપલ કમિશનરશ્રી રાજેશ તન્ના, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ પિઠીયા અને કિરીટભાઈ પટેલ, અગ્રણીશ્રી દિનેશભાઈ ખટારીયા, ગીરીશભાઈ કોટેચા, પુનિત શર્મા વગેરે આ બેઠકમાં જોડાયા હતા. ગીર સોમનાથ જિલ્લાના પદાધિકારીઓ પણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application