ગોંડલ નગરને બે નવા ફોરલેન બ્રિજની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

  • September 09, 2024 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવા બે બ્રિજ માટે ૫૬.૮૪ કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી:જૂના બે બ્રિજના રિનોવેશન માટે રૂ. ૨૨.૩૮ કરોડ ફાળવણી.

ગોંડલ નગરમાં બે નવા ફોરલેન બ્રિજ નિર્માણ માટે ૫૬.૮૪ કરોડ રૂપિયા ફાળવવાની સૌદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રીએ આપી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ફ્લાયઓવર બ્રિજ હેઠળ ગોંડલમાં પાંજરાપોળ પાસે રૂ. ૨૮.૦૨ કરોડના ખર્ચે તથા ગવર્નમેન્ટ હોસ્પિટલ ચોક પાસે રૂ. ૨૮.૮૨ કરોડના ખર્ચે આ બે બ્રિજ નિર્માણ પામશે. 


ગોંડલ શહેરમાં ગોંડલી નદી પર રાજાશાહી સમયના ૧૦૦ વર્ષથી વધુ સમયના બે બ્રિજ ઉપર ગોંડલ આસપાસના ગામો અને તાલુકાના વાહનોનો ખૂબ જ ટ્રાફિક રહેતો હતો. આ ૧૦૦ વર્ષ જૂના બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવતા તેના સ્થાને ડાયવર્ઝન માટે માત્ર ૧ જ માર્ગ નેશનલ હાઈવે ૨૭ ગોંડલથી સુરેશ્વર ચોકડી સુધીનો ઉપલબ્ધ છે. 


એટલું જ નહિ,ભારે વરસાદના સમયમાં વિયર કમ કોઝવે પરથી પાણી પસાર થતું હોવાથી આ રસ્તો પણ બંધ થઈ જાય છે અને તમામ વાહનોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. 


મુખ્યમંત્રી સમક્ષ આ સંદર્ભમાં આવેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે ગોંડલ નગરમાં બે નવા બ્રિજ બનાવવા માટે રૂ. ૫૬.૮૪ કરોડની રકમ ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. આ બે નવા બ્રિજ નિર્માણ થવાથી ભાવનગર-આટકોટથી જુનાગઢ જતા વાહનોને તેમજ ઘોઘાવદર મોવીયાથી જુનાગઢ અને કોટડાથી જેતપુર-જુનાગઢ જતા વાહનોને ફોરલેન બ્રિજની સુવિધા મળતી થશે. 


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બે નવા બ્રિજ ઉપરાંત ગોંડલી નદી પરના રાજાશાહી સમયના ૧૦૦ વર્ષથી વધુ સમયના બે હયાત બ્રિજના રિસ્ટોરેશન માટે પણ ૨૨.૩૮ કરોડ રૂપિયાની ફાળવણીની મંજૂરી આપી છે.


તદ્દઅનુસાર, સેન્ટ્રલ ટોકીઝથી સરકારી દવાખાના સુધીના હયાત બ્રિજનુ રૂ.૧૭.૯૦ કરોડ રૂપિયા તેમજ પાંજરા પોળ પાસેના હાલના સરદાર બ્રિજનું ૪.૪૭ કરોડ રૂપિયાના ખર્ચે રીસ્ટોરેશનનું કામ હાથ ધરાશે. આ બન્ને બ્રિજ હળવા વાહનો એટલે કે, લાઈટ મોટર વ્હિકલ માટે ચાલુ રાખવામાં આવશે.ભારે વાહનો તથા શહેરમાં બાયપાસ ટ્રાફિક માટે નવા નિર્માણ થનારા બે બ્રિજનો ઉપયોગ વાહનચાલકો કરી શકશે.


મુખ્યમંત્રીએ નગરો-શહેરોમાં લોકોના ઈઝ ઓફ લિવીંગમાં વધારો થાય સાથે-સાથે વડાપ્રધાનશ્રીએ આપેલા વિકાસ ભી વિરાસત ભી ના ધ્યેયને સાકાર કરી શકાય તેવા અભિગમથી ગોંડલમાં ૧૦૦ વર્ષથી વધુ સમયના બે બ્રિજના રિસ્ટોરેશન તથા બે નવા બ્રિજના નિર્માણની અનુમતિ આપી છે. ગોંડલની હાલની વસ્તી ,આજુ બાજુના ગામો તથા તાલુકા જિલ્લાના બાયપાસ તેમજ શહેરના ટ્રાફિક સાથોસાથ આવનારા વર્ષોના વિકાસને ધ્યાનમાં લઈને આ બે નવા બ્રિજ ફોરલેન બનાવવાના દિશા નિર્દેશો પણ આપ્યા છે.  




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application