રાજકોટ મનપા કચેરીમાં "પાણી આપો પાણી આપો"ના નારા ગુંજ્યા : 5 દિવસમાં સમસ્યાનો ઉકેલ લાવવાની મેયરની ખાતરી

  • March 16, 2023 04:12 PM 

રાજકોટ : તાજેતરમાં જ સૌની યોજનાથી આજી અને ન્યારી ડેમ છલકાયા બાદ રાજકોટ મહાનગરપાલિકાનાં સત્તાધીશો દ્વારા જુલાઈ મહિના સુધી પાણીની કોઈપણ મુશ્કેલી નહીં પડે તેવા દાવાઓ કરવામાં આવ્યા હતા. જો કે ઉનાળાની શરૂઆતે 'પાણી આપો પાણી આપો'નાં નારા સાથે સિલ્વરગોલ્ડ રેસિડેન્સી અને નજીકની સોસાયટીનાં રહીશોએ મેયરને ઉગ્ર રજૂઆત કરતા સત્તાધીશોએ કરેલ દાવાઓ ગણતરીના દિવસોમાં જ પોકળ સાબિત થયા છે. હાલ તો મેયરે 6 વર્ષ કરતા વધુ જૂની આ સમસ્યાનો 5 દિવસમાં ઉકેલ લાવવાની ખાતરી આપી છે. 
​​​​​​​

જાણવા મળતી વિગત મુજબ શહેરનાં નાનામૌવા રોડ નજીકની સિલ્વર ગોલ્ડ રેસિડેન્સી, ગોલ રેસિડેન્સી અને ઓમ રેસિડેન્સી તેમજ ગોવિંદપાર્ક સહિતની 10 કરતા વધારે સોસાયટીમાં છેલ્લા 6 વર્ષ કરતા પણ વધુ સમયથી ઉનાળામાં પૂરતું પાણી નહીં મળવાની સમસ્યા છે. જેને લઈને આ વિસ્તારમાં રહેતા લોકો દ્વારા વારંવાર આ મુદ્દે રજૂઆતો પણ કરવામાં આવી ચુકી છે. છતાં સમસ્યા જેમની તેમ રહેતા આજે આ તમામ સોસાયટીના 300 કરતા વધુ લોકોનું ટોળું મહાનગરપાલિકા કચેરીએ દોડી ગયું હતું. અને મનપા કચેરીનાં પ્રાંગણમાં 'પાણી આપો પાણી આપો'નાં નારા સાથે ઉગ્ર દેખાવો કર્યા બાદ મેયર ડો. પ્રદીપ ડવને રજૂઆત કરી હતી. 

આ અંગે સિલ્વર ગોલ્ડ રેસિડેન્સીનાં પ્રમુખ રાજુભાઇએ જણાવ્યું હતું કે, અમારી સોસાયટીમાં છેલ્લા 6 વર્ષથી ઉનાળામાં પૂરતું પાણી આપવામાં આવતું નથી. આ મુદ્દે અનેકવાર રજૂઆતો કરવા છતાં સંતોષકારક કામગીરી આજદિન સુધી કરવામાં આવી નથી. મનપા દ્વારા હાલ પાણીવેરો ડબલ કરવામાં આવ્યો છે. છતાય સમસ્યાનો ઉકેલ હજુસુધી આવ્યો નથી. વેરામાં થયેલા વધારાની સામે અમારો કોઈ વિરોધ નથી. પરંતુ સામે પૂરતું પાણી મળતું નહીં હોવાથી અમારે આ ઉગ્ર રજૂઆત કરવાની ફરજ પડી છે. ઉનાળાની શરૂઆતે અમારા વિસ્તારનાં લોકોને પાણી વેચાતું લેવાની ફરજ પડી છે. ત્યારે આ મામલે ત્વરિત કામગીરી કરવી અત્યંત જરૂરી છે. તેમજ જો આ અંગે ત્વરિત પગલાં નહીં લેવાય તો આવનારા દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની તૈયારી પણ તેમણે વ્યક્ત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application