વસ્તી ગણતરી : ઘરબેઠા જ સ્વ ગણના કરાવી યુનિક નંબર મેળવી લ્યો
વસ્તી ગણતરી : ઘરબેઠા જ સ્વ ગણના કરાવી યુનિક નંબર મેળવી લ્યો
May 18, 2026 02:18 PM
રાજ્યભરમાં ૧૬મી વસ્તી ગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જેમાં દરેક વ્યક્તિ પોતાની સ્વગણના વેબસાઈટના માધ્યમથી જાતે જ કરી શકશે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી છે. સ્વગણના માટેની અંતિમ તારીખ ૩૧ મે રહેશે. સરકારે ડિજિટલ ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્યભરની વસ્તી ગણતરી માટે દરેક વ્યક્તિ પોતાની સ્વ ગણના જાતે કરી શકે તે માટે એક સત્તાવાર વેબસાઈટની જાહેરાત કરવામાં આવી છે. આગામી તારીખ ૩૧ મે સુધી કોઈપણ વ્યક્તિ સ્માર્ટફોન કે કોમ્પ્યુટરની મદદથી ઘરે બેઠા જ ઓનલાઇન નોંધણી કરી શકશે. આ કામગીરી કરવાથી વસ્તી ગણતરીની પ્રક્રિયા વધુ સચોટ અને પારદર્શક બનશે. સ્વગણના માટે નાગરિકોએ સત્તાવાર પોર્ટલ પર જઈને માત્ર પોતાના ઘરના મુખ્ય વ્યક્તિનું નામ, મોબાઈલ નંબર અને લોકેશન જેવી વિગતો ભરવાની રહેશે. ફોર્મ સબમીટ થતાં જ મોબાઈલ પર એક ઓટીપી આવશે. સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થતા ની સાથે જ એક યુનિક નંબર જનરેટ થશે. જેનો સ્ક્રીનશોટ લઈ લેવો અથવા તો તેની નોંધણી કરી લેવી. વસ્તી ગણતરીમાં રોકાયેલા કર્મચારીઓ જ્યારે તમારા ઘરે આવે ત્યારે તમારે આ યુનિક નોંધણી નંબર તેમને આપવાનો રહેશે. ફોર્મ ભરતી વખતે કોઈ પણ ખામી સર્જાઈ કે મૂંઝવણ હોય તો હેલ્પલાઇન નંબર ૧૮૫૫ પર સંપર્ક કરી શકાશે.