ચૂંટણી પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની અફવાઓએ દેશભરના ગ્રાહકોમાં ગભરાટ ફેલાવ્યો છે. આના કારણે પેટ્રોલ પંપો પર તહેવારોની ભીડ જોવા મળી છે, જેના પરિણામે એપ્રિલ 2026માં રિટેલ ઇંધણ વેચાણમાં વાર્ષિક ધોરણે 13 ટકાથી વધુનો રેકોર્ડ વધારો થયો છે. પહેલી એપ્રિલથી 21 એપ્રિલ દરમિયાન ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી) પંપો પર પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં 13 ટકાનો વધારો થયો છે. જોકે, સરકારે સ્પષ્ટતા કરી છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે નહીં.
યુદ્ધ દરમિયાન, મ્યાનમારમાં પેટ્રોલના ભાવમાં 101 ટકા અને ડીઝલમાં 161 ટકાથી વધુનો વધારો થયો છે. લાઓસમાં, પેટ્રોલમાં 35.8 ટકાનો વધારો થયો છે, જ્યારે ડીઝલના ભાવમાં 150 ટકાનો વધારો થયો છે. ફિલિપાઇન્સમાં, ડીઝલ 118.4 ટકા અને પેટ્રોલ 57.6 ટકા મોંઘુ થયું છે. ન્યુઝીલેન્ડમાં, ડીઝલ 105 ટકા અને પેટ્રોલ 36.5 ટકા મોંઘુ થયું છે.
નેપાળમાં, પેટ્રોલ લગભગ 40 ટકા અને ડીઝલ લગભગ 67 ટકા મોંઘુ થયું છે. યુનાઇટેડ સ્ટેટ્સ પણ મોંઘવારીના તાપ હેઠળ છે. અહીં પેટ્રોલ 33.2 ટકા અને ડીઝલ 41.8 ટકા મોંઘુ થયું છે. ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ભૂટાનમાં પણ પેટ્રોલ અને ડીઝલ વધુ મોંઘુ થયું છે.
ચૂંટણી (29 એપ્રિલ) પછી ભાવમાં પ્રતિ લિટર રૂ.25-28નો વધારો થઈ શકે છે તેવી અફવા ઝડપથી ફેલાઈ રહી છે. પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટતા કરી, ભાવ વધારવાનો કોઈ પ્રસ્તાવ હાલમાં વિચારણા હેઠળ નથી.
ઇંધણના ભાવમાં સંભવિત વધારાની અટકળો ક્રૂડ ઓઇલના ભાવમાં મૂળ ધરાવે છે. ઇરાન પર યુએસ-ઇઝરાયેલના હુમલા બાદ, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવામાં આવ્યું હતું, જેના કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 119 ડોલરની ઊંચી સપાટીએ પહોંચી ગયા હતા. રાજ્ય માલિકીની તેલ કંપનીઓ ડીઝલ પર પ્રતિ લિટર આશરે રૂ.100 અને પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ.20નું નુકસાન કરી રહી છે. બ્રોકરેજ ફર્મ કોટકે અંદાજ લગાવ્યો હતો કે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પછી સરકાર ભાવમાં વધારો કરી શકે છે.
ભારતીય અર્થતંત્ર આ દબાણ હેઠળ હોવા છતાં, સરકારે હાલ રાહત આપવાનો નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ મંત્રાલયે એક્સ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ભાવ વધારા અંગેના સમાચાર ભ્રામક અને દુર્ભાવનાપૂર્ણ છે. સરકારે એવો પણ દાવો કર્યો હતો કે ભારત વિશ્વનો એકમાત્ર દેશ છે જ્યાં છેલ્લા ચાર વર્ષમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો નથી.