સીએમ ભૂપેન્દ્ર પટેલે 23મી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ-2025નો પ્રારંભ કરાવ્યો, દેશમાં ગુજરાત 85 ટકા કરતા વધુ એરન્ડાનું ઉત્પાદન કરતું રાજ્ય

  • February 15, 2025 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે 23મી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ-2025નો શુભારંભ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.  કેસ્ટરઃ પાવરિંગ સસ્ટેનેબલ સોલ્યુશન્સ ફોર અ ગ્રીનર ફ્યુચર થીમ સાથે સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિયેશન(SEA) દ્વારા આયોજિત આ કોન્ફરન્સમાં 15થી વધુ દેશોના 400થી વધુ ડેલિગેટ્સ સહભાગી થયા હતા. 


આ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીના હસ્તે સારી કૃષિ પદ્ધતિઓ દ્વારા એરંડા બીજમાં સતત ઉચ્ચ ઉત્પાદકતા માટે 4 ખેડૂતોને વિઠ્ઠલભાઈ જી. ઉદેશી કેસ્ટર ઈનોવેશન એવોર્ડ તેમજ વર્ષ-2024 માટે સૌથી વધુ કેસ્ટર ઓઈલ નિકાસ, સૌથી વધુ કેસ્ટર ડેરિવેટિવ્સ નિકાસ તથા ભારતમાંથી સૌથી વધુ કેસ્ટર ઓઈલ આયાત કરનાર અન્ય દેશના ઉદ્યોગકારોને એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા.


ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કૃષિ આધારિત ઉદ્યોગોને નવી દિશા આપી ગ્રામીણ અર્થતંત્રને સક્ષમ બનાવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાતે હંમેશા ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રે નવીનતાઓ અપનાવી છે. તેમના વિઝનરી નેતૃત્વમાં ગુજરાત માત્ર દેશનું આર્થિક ગ્રોથ એન્જિન જ નહિ, પરંતુ ઉદ્યમશીલતાનું પ્રતિક બન્યું છે. તેમણે ગુજરાતને પોલિસી ડ્રિવન સ્ટેટ બનાવ્યું છે. તેના પરિણામે કૃષિ અને ઉદ્યોગ એકસાથે પ્રગતિ કરી રહ્યાં છે.  


મુખ્યમંત્રીએ રાજ્યના એરંડા ઉત્પાદન સાથે સંકળાયેલા ખેડૂતો અને એરંડા પ્રોસેસિંગ-ઉત્પાદન સાથે સંકળાયેલા ઉદ્યોગોને રાજ્ય સરકાર હંમેશા તમારી પડખે છે એમ જણાવી જરૂરી મદદ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે, એરંડા જેવા પરંપરાગત કૃષિ પાકો અને ઉત્પાદનોના વેલ્યૂ એડિશન કરવા સાથે સમયને અનુરૂપ નવતર આયામો અપનાવ્યા છે. આજે વર્લ્ડ કેસ્ટર માર્કેટમાં પણ ગુજરાત સિંહફાળો ધરાવતું સ્ટેટ છે.


વડાપ્રધાનની વિઝનરી લીડરશીપમાં એરંડા ક્ષેત્રને વધુ સુદ્રઢ અને સક્ષમ કરવાના પ્રયાસો સફળ થયા છે. 2003માં ગુજરાતમાં માત્ર 2900 હેક્ટર વિસ્તારમાં એરંડાનું વાવેતર થતું હતું. પરંતુ મોદી સાહેબના માળખાકીય અને નીતિગત પ્રયાસોથી 2024માં આ વાવેતર લગભગ 7200થી વધુ હેક્ટરમાં થવા લાગ્યું છે તેની પણ વિગતો મુખ્યમંત્રીએ આપી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ફાર્માસ્યુટિકલ, કોસ્મેટિક્સ, લ્યુબ્રિકન્ટ્સ અને બાયોડીઝલ જેવા અનેક ક્ષેત્રોમાં એરંડાનો ઉપયોગ વ્યાપકપણે વધ્યો છે, આથી તેની માંગ દિન-પ્રતિદિન વધી રહી છે અને વેલ્યૂ એડિશનની જરૂરિયાત ઊભી થઈ છે. વિશ્વભરના બજારોમાં, ગુજરાતના એરંડાના તેલની વિશ્વસનીયતા અને ગુણવત્તા ખૂબ મહત્વની છે. 

મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે એરંડાના ઉત્પાદન અને નિકાસની સાથે નવી ટેક્નોલોજી અને સંશોધન દ્વારા ઉત્પાદન ક્ષમતા વધારવા પ્રાથમિકતા આપી છે. તેમણે આ કોન્ફરન્સને માત્ર ઉદ્યોગ કે કૃષિ માટે નહિ, પણ “મેક ઇન ઇન્ડિયા, ગ્રો ઇન ગુજરાત”ના વડાપ્રધાને આપેલા વિઝન માટેનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. ગુજરાતની ગ્લોબલ એરંડા હબ તરીકેની ઓળખ દ્રઢ કરવાની દિશામાં સમૂહ મંથન કરવામાં આ કોન્ફરન્સ વિશેષ ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application