મધ્ય પૂર્વમાં સર્જાયેલી યુદ્ધની ગંભીર પરિસ્થિતિ અને તેને કારણે વૈશ્વિક સ્તરે ખોરવાયેલી સપ્લાય ચેઈનની સીધી અસર હવે ગુજરાતના રિયલ એસ્ટેટ અને બાંધકામ ક્ષેત્ર પર જોવા મળી રહી છે. આ વૈશ્વિક સંકટને પગલે કાચા માલના (રો-મટિરિયલ્સ) ભાવમાં થયેલા તોતિંગ વધારાના કારણે આગામી ૧ જુલાઈ, ૨૦૨૬થી પ્રોપર્ટીના ભાવમાં ૫ થી ૧૦ ટકા સુધીનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણયની જાહેરાત 'કેડાઈ' અમદાવાદ દ્વારા કરવામાં આવી છે. સંસ્થાના ચેરમેન રાજેશ વાસવાણીએ જણાવ્યું હતું કે, મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને કારણે બાંધકામ માટે અનિવાર્ય એવા તમામ પ્રકારના રો-મટિરિયલ્સની આયાત અને સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. આ પરિસ્થિતિના કારણે બજારમાં માલની ભારે અછત સર્જાઈ છે, જેના પરિણામે ભાવ આસમાને પહોંચ્યા છે. આ સ્થિતિ માત્ર ભાવ વધારા પૂરતી સીમિત નથી, પરંતુ સમયસર કાચો માલ ન મળવાને કારણે બાંધકામની કામગીરી પણ અત્યંત ધીમી પડી ગઈ છે.
વધુમાં, દેશના અન્ય રાજ્યોમાં ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ હોવા છતાં, ત્યાં ગયેલા માઈગ્રેટ લેબર્સ (સ્થળાંતરિત મજૂરો) હજુ સુધી પરત ન ફરતા, બાંધકામ સાઈટ્સ પર લેબરની ભારે અછત જોવા મળી રહી છે. આ તમામ પરિબળોના કારણે પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ કરવા મુશ્કેલ બની રહ્યા છે.
આ ગંભીર આર્થિક સંકટ અંગે ચર્ચા કરવા માટે કેડાઈ અમદાવાદ દ્વારા ૪૦૦થી વધુ ડેવલપર્સ સાથે એક ખાસ બેઠક યોજવામાં આવી હતી. સંસ્થાના પ્રેસિડેન્ટ આલાપ પટેલે જણાવ્યું હતું કે, તમામ સભ્યોનો સામૂહિક સૂર એવો હતો કે હાલના સંજોગોમાં રો-મટિરિયલ્સના ભાવ વધારાનો બોજો એકલા ડેવલપર્સ સહન કરી શકે તેમ નથી. જોકે, ગ્રાહકો પર એકસાથે આર્થિક બોજો ન આવે તે માટે સાવચેતીભર્યું પગલું લેવામાં આવ્યું છે.
નિર્ણય મુજબ, જે પ્રોજેક્ટ્સ હાલમાં પૂર્ણતાના આરે છે ત્યાં ૫ ટકા અને જે પ્રોજેક્ટ્સ પૂર્ણ થવામાં હજુ વધુ સમય લાગે તેમ છે ત્યાં ૧૦ ટકા સુધીનો ભાવ વધારો કરવામાં આવશે. આ નિર્ણય ૧ જુલાઈથી અમલી બનશે. સાથે જ, કેડાઈએ સ્પષ્ટતા કરી હતી કે ૩૦ જૂન, ૨૦૨૬ સુધી જૂના ભાવે જ મિલકત ખરીદવાની સુવર્ણ તક છે, જેથી નાગરિકો આ તારીખ પહેલા પોતાના સપનાનું ઘર વસાવી શકે.
આ પરિસ્થિતિ રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને ગ્રાહકો એમ બંને માટે પડકારજનક બની રહી છે, જેમાં યુદ્ધની અસરો અને આંતરિક મજૂર અછત જેવા પરિબળો મુખ્ય જવાબદાર છે.