રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરટીઆઈ કરી ખંડણી ઉઘરાવવાનો ધંધો!

  • March 24, 2025 05:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યની સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈને જાહેર માહિતી અધિનિયમ (આરટીઆઈ) એક્ટ હેઠળ જાહેર હિતમાં માહિતી માંગી જાગૃત નાગરિકો દ્વારા ભ્રષ્ટાચાર ખુલ્લા પાડવામાં આવતા હોય છે પરંતુ કેટલાક બની બેઠેલા આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા આરટીઆઈ એકટને દુજણી ગાયની જેમ ધીકતો ધંધો બનાવી દઇ પૈસા કમાવવાનું સાધન બનાવી દીધું છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી લોકહિત માટે ઓછી અને પોતાના આર્થિક હિત માટે વધુ આરટીઆઈ હેઠળ કેટલીક વખત માહિતી માગી થર્ડ પાર્ટીનો સંપર્ક કરી પૈસાની (ખંડણી)ની માગણી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. કેટલાક શખસો પોતાના અંગત ફાયદા માટે દિવસ ઉગતાની સાથે જ હોસ્પિટલએ પહોંચીને તો કેટલાક ફોન મારફતે હોસ્પિટલમાં શું ચાલી રહ્યું છે એ જાણવા માટે ગતિવિધિઓ શરૂ કરી જે માહિતી મળે તેમાંથી એક યા બીજા નામે આરટીઆઈ હેઠળ માહિતી માંગી પોતાના મલ્લીન ઈરાદાઓ પાર પાડી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક વ્યક્તિઓ પોતાના કામ ન થવા કે બિલ પાસ કરાવવા માટે તબીબી અધિકારીઓને પ્રેસર અપાવવા માટે આરટીઆઈ નો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે.


એકમાત્ર ફાયરણ સાધનો અને તેની વિગતો માટેની જ જુદી જુદી સાતથી વધુ આરટીઆઈ જુદા જુદા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી હતી અને તેમાંથી ચોક્કસ લોકોએ થર્ડ પાર્ટી પાસેથી પાંચ લાખ સુધીની રકમની માગણી પણ કરી હતી અને ત્યાં સુધી કહેવામાં આવ્યું હતું કે, પૈસા આપી દ્યો એટલે અરજી નહીં કરું. આવા લુખ્ખા તત્વોને પૈસા ન મળે તો સતત આરટીઆઈનો મારો ચાલુ રાખી મીડિયાને હાથો બનાવી સરકારી આરોગ્ય સેવા અને સંસ્થાને પોતાના અંગત સ્વાર્થ માટે બદનામ કરી રહ્યા છે. આ ઉપરાંત સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફિસ અને ઝનાના કે જ્યાં મહિલાઓના વોર્ડ હોય છે ત્યાં સુધી આટાફેરા કરી ઓફિસોમાંથી સરકારી અંગત માહિતી મેળવી આ માહિતી બહાર લીક કરવાની સાથે સાથે બીજા- ત્રીજા વ્યક્તિના નામે આરટીઆઈ હેઠળ માહિતી માગી રીતસર સરકારી કામગીરીમાં અડચણ રૂપ બની રહ્યા છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આવા કેટલાક લેભાગુઓ સામે હોસ્પિટલના જવાબદારો દ્વારા કોઈ કાયદાકીય પગલાં લેવામાં નથી આવી રહ્યા ઉપર જતા નત મસ્તક થતા હોય તેવું ચિત્ર સામે ઉપસી રહ્યું છે. હોસ્પિટલના જવાબદારો દ્વારા જ જો આવી પ્રવૃત્તિ કાયદાકીય રીતે ડામવામાં નહીં આવે તો સરકારી અને તેમાં પણ આરોગ્ય જેવી સેવામાં આવા લેભાગુઓ અનેક અડચણો ઉભી કરતા રહશે એ વાતમાં બે મત નથી.


સુરતમાં કાર્યવાહી થાય તો રાજકોટમાં કેમ નહીં ?

રાજ્યમાં એક જ સરકાર પણ શહેર પ્રમાણે સરકારી નિયમો અને કાર્યવાહી જુદી જુદી હોય તેવું અનેક જગ્યાએ જોવા મળી રહ્યું છે, સુરતમાં આરટીઆઈ હેઠળ સરકારી વિભાગોમાં અરજી કરી હેરાન પરેશાન કરતા અને જે તે પાર્ટીને ધાક ધમકી આપી પૈસા વસુલતા આરટીઆઈ એક્ટિવિસ્ટો ઉપર પોલીસે ગુનો નોંધવા સુધીની કાર્યવાહી કરી હતી. પરંતુ આ કાયદો કદાચ રાજકોટમાં લાગુ પડતો ન હોય તેમ આવી કોઈ કાર્યવાહી આજસુધી કરવામાં આવી નથી. કેટલીક કચેરીઓમાં એક થી વધુ આરટીઓ કરનારાઓને બ્લેક લિસ્ટ પણ કરવામાં આવ્યા છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના જવાબદારો આ બાબતે કેમ કોઈ એક્શન લેવામાં આવતા નથી એ મોટો તર્ક છે.


પારદર્શક વહીવટ તો પગલાં લેવામાં બીક શેની ?

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ તરીકે ડો.મોનાલી માકડીયાએ ચાર્જ સંભાળ્યા બાદ પારદર્શક વહીવટી પ્રક્રિયા ચાલી રહી છે, સરકારી તિજોરીને નુકશાન ન જાય તેનું પણ જીણવટપૂર્વક ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.ઉપરાંત લિકર પરમીટ જેવી સગળતી બાબતે પણ નિયમોનુસાર જ કામગીરી કરવામાં આવી રહી છે, જો આટલો જ પારદર્શક વહીવટ ચાલતો હોય તો પછી લેભાગુઓ અને ખોટી આરટીઆઈ હેઠળ અરજીઓ કરી કામમાં વિક્ષેપ ઉભો કરનારા સામે તેમજ હોસ્પિટલ કેમ્પસમાં ખાનગી એમ્બ્યુલન્સના સંચાલકો સામે હોસ્પિટલના જવાબદારો ડરી રહ્યા છે કે પછી ઝંઝટમાં પડવા નથી માગતા એ પણ સવાલ બન્યો છે.


ઝનાનામાં 50 લાખનું પાણી ઠલવાયું માહિતી ન મગાઈ

એમસીએચ(ઝનાના) હોસ્પિટલના લોકાર્પણથી લઇ કેટલાક મહિનાઓ સુધી પાણીની અછત રહેતા તત્કાલીન તબીબી અધિક્ષક દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરી હતી. અને ટુર એન્ડ ટ્રાવેલ્સની એજન્સીને આ કામ આપવામાં આવ્યું હતું. માત્ર બે થી ત્રણ મહિનામાં અધધધ... રૂ.50 લાખના પાણીના ટાકા નાખવામાં આવ્યા હોવાનું બિલ પાસ કરવામાં આવ્યું હતું. મોટા ભાગના ટાકા અધૂરા તો અમુક ફેરા એમના એમ જ લખી નાખવામાં આવ્યા હોવાની પણ વાત આવી હતી અને આ સમગ્ર મામલે જે તે ફરજ પરના ખાનગી એજન્સીના કર્મચારીની પણ મીલીભગત હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આટલી મોટી બિલની રકમ બાબતે આરટીઆઈ એક્ટિવિસ્ટો અને વારંવાર હોસ્પિટલના ભ્રષ્ટાચાર મુદ્દે લડત આપતી કોંગ્રેસના ધ્યાનમાં કેમ ના આવ્યું એ પણ આશ્ચર્ય પમાડનારું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application