ખંભાળિયામાં માથાભારે શખ્સોની ગુંડાગીરી: છરીની અણીએ ખંડણી માંગીને લૂંટ ચલાવી

  • March 09, 2024 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુદા જુદા ત્રણ બનાવો અંગે નોંધાઈ પોલીસ ફરિયાદ: આરોપીઓની અટકાયત

ખંભાળિયામાં રહેતા બે શખ્સો દ્વારા અહીંના સ્થાનિક વેપારીઓ - રહીશોને છરીની અણીએ ડરાવી, રોકડ રકમ સહિતના મુદ્દામાલની લૂંટ ચલાવવા તથા ખંડણી ઉઘરાવવા અંગેની જુદી જુદી ત્રણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ખંભાળિયામાં કલ્યાણરાયજીના મંદિરની પાછળના ભાગે આવેલા વોરા વાડ ખાતે રહેતા મોઈજ ફજલેહુશેન હાસાણી નામના ૬૨ વર્ષના વોરા વૃદ્ધને બુધવારે મોડી રાત્રિના સમયે અહીંના પાંચ હાટડી ચોક તથા ખામનાથ પાસે આવેલા નવડેરા નજીકના દરગાહ ખાતે રોકીને આરોપી સબીરમીયા અજીજમીયા બુખારી તથા મુકસુદ ઉર્ફે મખી નામના બે શખ્સો દ્વારા પોતાનો સમાન ઈરાદો પાર પાડવાના હેતુથી છરી બતાવીને મોટરસાયકલ પર બેસાડીને અપહરણ કરી ગયા હતા.
બંને આરોપીઓ દ્વારા ફરિયાદી મોઈજ હાસાણીને છરી બતાવી અને તેમના ખિસ્સામાં રહેલા રૂપિયા ૧૨૦૦ રોકડા તથા નોકિયા કંપનીનો કી-પેડ વાળો ફોન તેમજ અન્ય એક એન્ડ્રોઇડ ફોન તથા સેન્ટ્રલ બેન્કનું એ.ટી.એમ. કાર્ડ લૂંટી લીધું હતું.
આ એ.ટી.એમ.માંથી લૂંટની માંગણીના રૂપિયા ઉપાડવાની કોશિશ કરી તેમને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આટલું જ નહીં, આરોપીઓએ દરગાહના રૂમમાં તેમને પૂરી દઈ અને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખી, તેમનું રૂપિયા ૩૦,૦૦૦ ની કિંમતનું હોન્ડા એવીએટર મોટરસાયકલ મળી, કુલ રૂપિયા ૩૨,૨૦૦ ના મુદ્દામાલની લૂંટ ચલાવી હોવા અંગેની ધોરણસર ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
જેને ધ્યાને લઈને ખંભાળિયા પોલીસે આરોપી સબીરમીયા બુખારી તથા  મકસુદ ઉર્ફે મખી સામે આઈપીસી કલમ ૩૬૫, ૩૯૪, ૫૦૪, ૫૦૬ (૨), ૩૪૨, ૩૪ તથા જી.પી. એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુનો નોંધી, અહીંના ઈન્ચાર્જ પી.આઈ. એસ.વાય. ઝાલા દ્વારા ગુરુવારે જ આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે.
આ ઉપરાંત અન્ય એક બનાવમાં આરોપી સબીરમીયા અજીજમીયા બુખારી તથા મકસુદ ઉર્ફે મખી ગઈકાલે ગુરુવારે મધ્યરાત્રીના સમયે અહીંના પાંચ હાટડી વિસ્તારમાં ચાંદાણી ચકલા પાસે રહેતા સફીભાઈ રજાકભાઈ પોપટપોત્રા નામના ૪૩ વર્ષના મુસ્લિમ સૈયદ વેપારી યુવાનના ઘરમાં છરી સાથે ધસી આવ્યા હતા. લૂંટ કરવાના ઇરાદાથી ઘરનો દરવાજો ટપી અને ઘૂસી આવેલા બંને આરોપીઓએ સફીભાઈના ઘરના સભ્યોને ચાકુ બતાવીને બાનમાં લીધા હતા. આ પછી આરોપીઓએ ફરિયાદી સફીભાઈના પુત્ર તોકીરના ગળા પર છરી રાખી અને ફરિયાદી સફીભાઈ સાથે ફોનમાં વાત કરી રૂપિયા એક લાખની બળજબરીપૂર્વક માંગણી કરી હતી અને જો તેઓ પૈસા નહીં આપે તો તેમના દીકરા તોકીર તથા ઘરના બીજા સદસ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી, બિભત્સ ગાળો કાઢી હતી.
આ પ્રકરણમાં બંને આરોપીઓએ છરી વડે હુમલો કરી, પૈસાની માંગણી કરતા ખંભાળિયા પોલીસે આઈ.પી.સી. કલમ ૩૨૩, ૩૬૪ (એ), ૫૦૪, ૫૦૬ (૨), ૩૪ તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
અહીંના પોલીસ મથકમાં નોંધાયેલી ત્રીજી ફરિયાદમાં અહીંના વોરા વાડ વિસ્તારમાં આવેલી ધાણી શેરી ખાતે રહેતા વેપારી હાતીમ સૈફુદીનભાઈ સરફઅલી દલાલ (ઉ.વ. ૩૩) ના રહેણાંક મકાનમાં આરોપી મકસુદ ઉર્ફે મખી સુમાર સમા અને સબીરમીયા અજીજમીયા બુખારીએ રાત્રિના આશરે અઢી વાગ્યાના સમયે ગુનાહિત ઇરાદાથી પૈસા પડાવવાના હેતુસર અને અનધિકૃતરીતે ગૃહ પ્રવેશ કરી અને રૂપિયા એક લાખની માંગણી કરી અને છરીની અણીએ ફરિયાદી હાતીમભાઈને અટકાયતમાં આખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આટલું જ નહીં, આરોપીઓ દ્વારા ફરિયાદી હાતીમભાઈ પાસે નાણાંની સગવડ ન હોવાથી તેના કાકા સબીરભાઈને વિડીયો કોલ કરીને ફરિયાદી તથા તેમના ઘરના સભ્યોને છરીની અણીએ બાનમાં રાખી, રૂપિયા એક લાખ નહીં આપો તો જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી. આમ કરી અને આરોપીઓએ બળજબરી પૂર્વક ગુગલ-પે મારફતે રૂપિયા ૪,૫૦૦ કઢાવીને નાસી છૂટ્યા હતા.
આ પ્રકરણમાં પોલીસે હાતીમભાઈ દલાલની ફરિયાદ પરથી બંને શખ્સો સામે આઈ.પી.સી. કલમ ૩૬૪ (એ), ૪૫૨, ૫૦૪, ૫૦૬ (૨), ૩૪ તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ઈન્ચાર્જ પી.આઈ. એસ.વાય. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે. આ તમામ ગુનાઓમાં આરોપીઓને પોલીસે ગુરુવારે સાંજે જ દબોચી લીધા હતા.
***
અંધઆશ્રમ રેલવે ઓવરબ્રિજ નીચે હોટલબોયને લૂંટી લેવાયો: બે અજાણ્યા શખ્સોનું કારસ્તાન : ચાંદીનું કડું અને મોબાઇલ ઝુંટવી ફરાર

જામનગરમાં અંધાશ્રમ રેલવે ફાટક નીચે રેલવે લાઇન પરથી પસાર થઈ રહેલા એક હોટલ બોયને બે અજાણ્યા શખ્સોએ ભય બતાવી તેના હાથમાંથી રૂપિયા  ૨૦,૦૦૦ની કિંમતનું ચાંદીનું કડું અને મોબાઇલ ફોન લૂંટી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
જામનગરમાં તિરુપતિ સોસાયટીમાં રહેતો અને એક ચાની હોટલમાં નોકરી કરતો દેવશીભાઈ પરબતભાઈ નામનો ૨૧ વર્ષનો યુવાન અંધાશ્રમ ઓવરબ્રિજ નીચેથી પસાર થઇ રેલ્વે લાઈન પાસે ઉભો હતો.
 જે દરમિયાન બે અજાણ્યા લૂંટારૂઓ આવ્યા હતા, અને ધાકધમકી આપી, ભય બતાવી ફરીયાદીના હાથમાં પહેરેલું રૂપિયા ૨૦,૦૦૦ની કિંમતનું ચાંદીનું કડું આંચકી લીધું હતું, અને તેના ખીસ્સામાં રહેલો ૦,૦૦૦ની કિંમતનો મોબાઇલ  ઝુંટવીને નાશી છુટયા હતા.
દેવશીભાઇએ આ અંગે સીટી-સી ડીવીઝનમાં બે અજાણ્યા શખ્સો વિરુઘ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા સીસી કેમેરા ચેક કરવા સહિતની તપાસ લંબાવવામાં આવી છે.
***
દ્વારકામાં પિતા- પુત્ર પર હુમલો કરવા સબબ ચાર શખ્સો સામે ફરિયાદ

દ્વારકામાં રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા લાલજીભાઈ ડાયાભાઈ સોનગરા નામના ૪૬ વર્ષના યુવાનનો પુત્ર ગઈકાલે ભડકેશ્વર મહાદેવના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો, ત્યારે ભૂલથી તેની મોટરસાયકલ શંકર ટેકરી વિસ્તારમાં રહેતા કિશન ફોગાભા માણેકની મોટરસાયકલ સાથે ટકરાતા આના કારણે થયેલા ઝઘડાનો ખાર રાખી, આરોપી કિશન માણેક સાથે અન્ય આરોપીઓ લખમણભા જેઠાભા બઠીયા, અતુલ મનસુખ રૂપડિયા, અને વિવેધ ઘોઘલીયા નામના ચાર શખ્સોએ એક સંપ કરી, ફરિયાદી લાલજીભાઈ તથા તેમના પુત્રને પાઈપ વડે બેફામ માર મારી, ઈજાઓ પહોંચાડી હતી.
આટલું જ નહીં, આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસ મથકમાં ચારેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application