અમદાવાદમાં વર્ષોથી વિવાદમાં રહેલા અને હવે બળાત્કારના ગુનામાં સજા ભોગવી રહેલા આસારામના મોટેરામાં આવેલા આશ્રમ અંગે મોટો અને મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે સાબરમતી નદીના કાંઠે, વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની નજીક આવેલી આશ્રમની 45,000 ચોરસ મીટરથી વધુ જાહેર જમીન રાજ્ય સરકાર દ્વારા પાછી લેવાના પગલાને મંજૂરી આપી છે. આ ચુકાદા બાદ આશરે 500 કરોડ રૂપિયાની કિંમતની જમીન પર બનેલા આશ્રમ પર બુલડોઝર ફરી વળશે.
હાઈકોર્ટે નોંધ્યું છે કે વર્ષો પહેલાં આસારામ આશ્રમને માત્ર મર્યાદિત ધાર્મિક પ્રવૃત્તિઓ માટે શરતો સાથે જમીન ફાળવવામાં આવી હતી. જમીન ફાળવણીની સ્પષ્ટ શરતો હતી કે તેમાં કોઈ વ્યાવસાયિક ઉપયોગ નહીં થાય, અનધિકૃત બાંધકામ નહીં થાય અને જરૂરી તમામ મંજૂરીઓ લેવામાં આવશે. પરંતુ સમય જતા આશ્રમે આ શરતોનું ઉલ્લંઘન કરીને ફાળવેલી જમીન કરતાં ઘણો વધુ વિસ્તાર કબજે કરી લીધો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
રાજ્ય સરકાર તરફથી હાઈકોર્ટમાં રજૂઆત કરતા મુખ્ય સરકારી વકીલ જી.એચ. વિરકેએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી કોઈ ઉતાવળનો નિર્ણય નથી, પરંતુ લાંબી અને ન્યાયસંગત પ્રક્રિયાનું પરિણામ છે. આશ્રમને વારંવાર નોટિસ આપવામાં આવી, સુનાવણીઓ યોજાઈ અને પૂરતી તક આપવામાં આવી હોવા છતાં ગેરકાયદે કબજો અને બાંધકામ દૂર કરવામાં આવ્યા નહોતા. જાહેર જમીન પર અતિક્રમણ કરીને પછી તેને કાયદેસર બનાવવાનો પ્રયાસ સ્વીકાર્ય ન હોવાનું રાજ્ય સરકારે કોર્ટમાં સ્પષ્ટ કર્યું હતું.
આ વિવાદિત જમીન અમદાવાદના અત્યંત મહત્વના વિસ્તારમાં આવેલી છે. મોટેરા વિસ્તાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ભવિષ્યમાં પ્રસ્તાવિત ઓલિમ્પિક વિલેજને કારણે શહેરના રમતગમત અને શહેરી વિકાસનું કેન્દ્ર બની ચૂક્યો છે. અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ 2030 અને લાંબા ગાળે ઓલિમ્પિક્સ માટે તૈયારી કરી રહ્યું છે ત્યારે આટલી મોટી જાહેર જમીન પાછી મેળવવી રાજ્ય માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાઈ રહી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ આસારામ આશ્રમમાં થયેલા 32 જેટલા ગેરકાયદે બાંધકામને લઈને કડક વલણ અપનાવ્યું છે. એએમસીએ આ બાંધકામને નિયમિત કરવા માટે કરવામાં આવેલી ઇમ્પેક્ટ ફીની અરજીઓ નામંજૂર કરી દીધી હતી. 21 જાન્યુઆરી, 2026ના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનની લીગલ કમિટીમાં આ કેસનો ઝડપથી નિકાલ લાવવા માટે વકીલની નિમણૂક કરવાની સૂચના પણ આપવામાં આવી હતી.
સિટી મામલતદાર દ્વારા અપાયેલી નોટિસ મુજબ આસારામ આશ્રમે સર્વે નંબર 282-અની જમીન, ગામ તળની જમીન અને સાબરમતી નદીની જમીન મળી કુલ 15,778 ચોરસ મીટર જગ્યા પર ગેરકાયદે કબજો કર્યો છે. જાણકારો જણાવે છે કે ચાર દાયકા પહેલાં આશરે 33,980 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી, જ્યારે તાજેતરના સર્વેમાં આશ્રમ પાસે કુલ 49,758 ચોરસ મીટર જમીન હોવાનું સામે આવ્યું છે. હાઈકોર્ટના આ ચુકાદા બાદ લાંબા સમયથી કાનૂની ગૂંચવણમાં ફસાયેલી જમીન હવે રાજ્ય સરકારના કબજામાં પાછી આવવાની દિશામાં છે અને મોટેરાના શહેરી વિકાસ માટે નવી દિશા ખુલશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.