BREAKING NEWS

ભાભરમાં જૂનાગઢની એબ્યુલન્સ અને કાર વચ્ચે અકસ્માતઃ બંને ચાલકોના કરૂણ મોત

  • July 13, 2026 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બનાસકાંઠા જિલ્લાના ભાભર-દિયોદર હાઇવે પર આવેલા ખારા ગામ નજીક જૂનાગઢની એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ બંને વાહનો વચ્ચેની ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને ગાડીઓના ચાલકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ અકસ્માતને પગલે હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત એટલો ભયંકર હતો કે બંને વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ટક્કર વાગ્યા બાદ એમ્બ્યુલન્સ ગાડી ચાલકે કાબૂ ગુમાવતા તે રોડની નીચે ઉતરી ગઈ હતી અને સીધી રોડ સાઇડમાં આવેલી બાવળની કાંટાળી ઝાડીઓમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માતનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો તેમજ રાહદારીઓ તાત્કાલિક મદદ અને બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ વાહનોમાંથી મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરી હતી.

મળતી વિગતો મુજબ, અકસ્માતનો ભોગ બનેલી એમ્બ્યુલન્સ જૂનાગઢની હોવાનું સામે આવ્યું છે. આ એમ્બ્યુલન્સના ચાલક બનાસકાંઠાના ટડાવ ગામે એક દર્દીને મૂકવા માટે આવ્યા હતા. દર્દીને તેમના ઘરે સુરક્ષિત રીતે મૂક્યા બાદ, જ્યારે ચાલક એમ્બ્યુલન્સ લઈને રાત્રિના સમયે જૂનાગઢ પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન જ ભાભરના ખારા ગામ નજીક સામેથી આવતી કાર સાથે આ કાળમુખો અકસ્માત નડ્યો હતો. જેમાં એમ્બ્યુલન્સ ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આ ભયાનક માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકોની ઓળખ કાર ચાલક તરીકે પ્રકાશજી જોરાજી ઠાકોર (ઉં.વ. ૨૫, રહેવાસી: વડા, તાલુકો: દિયોદર) અને સુરાહવાદી અજીત શાહ મોમદ શાહ (ઉં.વ. ૫૯, રહેવાસી: જૂનાગઢ)ની એમ્બ્યુલન્સના ચાલક તરીકે  થઈ છે. યુવાન કાર ચાલક અને પ્રૌઢ એમ્બ્યુલન્સ ચાલકના આકસ્મિક નિધનથી તેમના પરિવારોમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ છવાઈ ગયો છે.

ઘટનાની જાણ થતાં જ ભાભર પોલીસનો કાફલો તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સોશિયલ મીડિયા અને વાહનોના નંબરના આધારે મૃતકોના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ બંને ચાલકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application