આઇપીએલ સિઝન-૨૦૨૫ મધ્યાંતર તરફ પહોંચી ચૂકી છે. બુકીઓના મહાપર્વ એવા આઇપીએલ પર દાવ ખેલવા હવે બુકીઓ અધીરા બન્યા છે.રાજકોટ અને સૌરાષ્ટ્રના મોટા ગજાના બુકીઓએ સ્થાનિક પોલીસનું કડક વલણ જોઇ આ વખત અન્યત્ર ફિલ્ડ ગોઠવવાનુ મુનાસીબ માન્યું છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના મોટા ગજાના ૪૦ જેટલા બુકીઓએ દમણમાં દરીયાકિનારે આવેલી એક વગધારીની મોંઘેરી હોટલ બુક કરી હતી. બુકીઓના કરમની કઠણાઇ રાજયભરમાં રેડ પાડતી એક એજન્સી તપાસના કામે અહીં પહોંચી હતી.જેની ગંધ આવી જતા બુકીઓએ હોટલમાંથી ગણતરીની મીનિટોમાં ચેકઆઉટ કરી દીધું હતું. કેટલાક બુકીઓએ તો અર્ધવસ્ત્ર હાલતમાં જ ભાગવું પડયું હતું. પેપર ફૂટી જતા પોલીસને કંઇ નક્કર ન મળતા આ મામલે પર્દો પાડી દીધો હતો. પરંતુ બુકી આલમમાં આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે.
સટ્ટાની આ મહેફિલના રંગમાં ભંગ પડ્યો
રાજકોટ અને સૌરાષ્ટ્રના મોટા ગજાનના બુકીઓએ આ વખત આઈપીએલમાં ટી-20 ખેલવા માટે દમણમાં દરિયાકાંઠે આવેલી એક મોંઘેરી હોટલમાં પસંદગી ઉતારી હતી. હોટલ સંચાલકની પહોંચ દૂર સુધી હોય જેથી અહીં સટ્ટાની આ મહેફિલના રંગમાં કોઈ ભંગ પડવાની નોબત નહીં આવે તેવી ખાતરી મળ્યા બાદ આ મોંઘેરી હોટલ કે જેમાં એક રૂમનું ભાડું આઇપીએલની સિઝન દરમિયાનનું બે લાખ નક્કી થયું હતું. તેવા 40 જેટલા રૂમ બુક કરવામાં આવ્યા હતા. તમામ બાબતો નક્કી થઈ ગયા બાદ બુકી દમણની આ મોંઘેરી હોટલમાં પહોંચ્યા હતા અહીં તમામ સેટઅપ ગોઠવાઈ ગયા બાદ ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક શરૂ કર્યું હતું.
એજન્સી આવી હોવાનું પેપર ફૂટી જતા બુકીઓ ભાગ્યા
બુકીઓએ આઇપીએલની સિઝનનું ઓપનિંગ કર્યું ત્યાં જ વીકએન્ડમાં રાજ્યભરમાં દરોડા પાડતી એજન્સી એક તપાસના કામે દમણ પહોંચી હતી અને આ એજન્સીની નજર પણ હોટલ સુધી પહોંચી ગઈ હતી. જોકે આ એજન્સી આવી હોવાનું પેપર ફૂટી જતા બુકીઓએ તાકીદે અહીંથી પોબારા ભણી જવાનું નક્કી કરી લીધું. સમય ખૂબ જ ઓછો હોય અને એજન્સીના હાથ ગમે તે ઘડીએ તેમના કાંઠલા સુધી પહોંચી શકે તેમ હોય આવી સ્થિતિમાં બુકીઓએ ક્ષણભરનો વિચાર કર્યા વગર હોટલ તાકીદે છોડી લેવાનું મુનાશીબ માની તુરંત ચેક આઉટ કરી લીધું હતું કેટલાક બૂકીઓએ તો અર્ધવસ્ત્ર હાલતમાં પણ અહીંથી ચાલતી પકડી હતી.
બુકીઓએ સૌરાષ્ટ્ર તરફ પરત આવવાના બદલે...
તપાસનીસ એજન્સી અહીં પહોંચી ત્યારે તેમને કોઈ નક્કર બાબત ન મળી હોવાથી કદાચિત આ મામલે તેમણે પણ કંઈ કહેવાનું ઉચિત લાગ્યું ન હોય સમગ્ર મામલે પર્દો પડી ગયો છે. પરંતુ રાજકોટના અને સૌરાષ્ટ્રના મોટા ગજાના બુકીઓને દરિયાકાંઠે આવેલી હોટલેથી આવી સ્થિતિમાં ઓચિંતુ ભાગવું પડ્યું હોવાની વાત બુકી આલમમાં વાયુવેગે ફેલાઈ ગઈ હતી. બુકી આલમમાં હાલ આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. એવું પણ કહેવાય રહ્યું છે કે, અહીંથી ભાગ્યા બાદ મોટાભાગના બુકીઓએ સૌરાષ્ટ્ર તરફ પરત આવવાના બદલે ગોવા- મુંબઈ સહિતના સ્થળોએ પહોંચી ગયા છે. હાલ આ મોટા ગજાના બુકીઓ વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે.
બુકીઓને ફરી દમણ આવવાનું આમંત્રણ મળ્યું, પણ છેલ્લી ઘડીએ ના કહી દેવાઇ
ગત અઠવાડિયે બનેલા આ ઘટનાક્રમ બાદ બુકીઓ વઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે આઇપીએલની સિઝનમાં વકરો કરી લેવા માટે બુકીઓ પણ બેતાબ હોય જેથી સ્થિતિ સાનુકુળ બનાવવાની વાટ જોઇ બેઠા છે.દરમિયાન તેમને દમણની હોટલમાં આવવાનુ ફરી આમંત્રણ મળ્યું હતું. જે બાદ ફરી અહીં સેટઅપ ગોઠવવાની તૈયારી કરી લીધી હતી.પરંતુ જે થયું હોય તે છેલ્લી ઘડીએ તેમને ના કહી દેવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech