વડોદરા અને અમદાવાદામાં છેલ્લા બે દિવસથી અજાણ્યા તત્વો દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ઇ-મેઇલ ધમકીઓનો સિલસિલો યથાવત રહેતા પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. ગઈકાલે બંને શહેરોમાં આવેલી 40 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યારે આજે ફરી અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને વલસાડની કોર્ટને બોમ્બની ધમકીભર્યા ઇ-મેઇલ મળ્યા હતા. આથી પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી.
ધમકીની જાણ થતા જ સ્થાનિક પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ તાત્કાલિક કોર્ટ પરિસરમાં પહોંચી ગયા હતા. સુરક્ષાના ભાગરૂપે દરેક કોર્ટના મુખ્ય પ્રવેશદ્વાર બંધ કરી દેવાયા હતા અને સામાન્ય લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકાયા હતા. પોલીસ દ્વારા કોર્ટના દરેક ખૂણામાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. વડોદરાના અકોટા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઇ-મેઇલ મળતા જ તમામ સુરક્ષા પ્રોટોકોલ અમલમાં મૂકવામાં આવ્યા છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે વડોદરા શહેરની અનેક શાળાઓને આવો જ ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યો હતો. આખો દિવસ પોલીસે વિવિધ શાળાઓમાં ચકાસણી હાથ ધરી હતી, પરંતુ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. મોડી સાંજે કારેલીબાગ વિસ્તારમાં આવેલી બ્રાઇટ સ્કૂલને પણ બોમ્બની ધમકી મળતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આ ઘટનાની અસર માત્ર વડોદરા સુધી મર્યાદિત રહી નથી. શહેરની કોર્ટને મળેલી ધમકી બાદ અમદાવાદમાં આવેલી જુની હાઇકોર્ટ, ગાંધીનગર તથા વલસાડની કોર્ટોને પણ સમાન પ્રકારની ઇ-મેઇલથી ધમકીઓ મળી હતી. જેના પગલે તમામ સ્થળોએ પોલીસ દ્વારા તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કોર્ટ પરિસરોને ખાલી કરાવી બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમોએ તપાસ હાથ ધરી હતી.
વડોદરા પોલીસ સાયબર ક્રાઈમ સેલની મદદથી ઇ-મેઇલ કયા સર્વર અથવા આઈપી એડ્રેસ પરથી મોકલાયો તે દિશામાં તપાસ કરી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈનો શહેરમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ હોવાનું અનુમાન છે, પરંતુ પોલીસ કોઈપણ પ્રકારનું જોખમ લેવા તૈયાર નથી. તમામ સંવેદનશીલ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વારંવાર મળતી ધમકીઓને કારણે નાગરિકોમાં ચિંતા અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે પોલીસ તંત્ર સમગ્ર મામલે સાવચેતીપૂર્વક પગલાં લઈ રહ્યું છે.