જામનગરમાં થર્ટી ફર્સ્ટની ધમાકેદાર ઉજવણી: નવા વર્ષને વેલકમ

  • January 01, 2024 01:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સેવન સીઝન રીસોર્ટ ખાતે યુવા હૈયાઓ ઝૂમી ઉઠ્યા: શહેરમાં ઠેકઠેકાણે ડાન્સ એન્ડ ડાઇનના કાર્યક્રમોમાં કડકડતી ઠંડી ભૂલીને યુવાધન હિલોળે ચડ્યું: પોલીસ દ્વારા ચારેકોર સઘન ચેકીંગ અને સુરક્ષા વ્યવસ્થા: આતશબાજી પણ જોવા મળી

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ગઈકાલે રવિવારની રાત્રે ૩૧મી ડિસેમ્બરની નાઈટ ની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જામનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં હાઈવે રોડ પર આવીલી હોટલો સહિત આઠથી વધુ સ્થળો પર ડાન્સ એન્ડ ડાઇન સહિતના ધમાકેદાર કાર્યક્રમ યોજાયા હતા, અને ડાન્સ મસ્તીની ધમાલમાં યુવા ધન હીલોળે ચડ્યું હતું.
 નવા વર્ષને વેલકમ કરવા માટે યોજાયેલા રંગારંગ કાર્યક્રમમાં કોઈ સ્થળે ગીત સંગીતની સાથે વિદેશી મહેમાન કલાકારોની રંગત પણ જોવા મળી હતી, અને ભવ્ય આતશબાજી સાથે ૨૦૨૪ ને વેલકમ કરાયું હતું.
અહીંના સેવન સીઝન રીસોર્ટ ખાતે ઇન્ટરનેશનલ ડીજે હેમ્સના સૂરોની સુનામીથી યુવા હૈ્યાઓ ઝૂમી ઉઠ્યા હતા અને એક યાદગાર ભવ્ય સીઝન નાઇટસમાં યુવાનો-યુવતિઓએ ર૦ર૩ ને વિદાય આપી હતી અને સાથે સાથે રાતના ૧રના ટકોરે ર૦ર૪ ને ભવ્ય વેલકમ આપ્યું હતું, આ સ્થળે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા, ડાન્સની સાથે સાથે સ્વાદિષ્ટ ભોજન લઇને તમામ માટે અહીં નવા વર્ષની ઉજવણી યાદગાર બની રહી હતી.
આ ઉપરાંત જામનગર શહેરના કેટલાક ખાનગી પાર્ટી પ્લોટ, ઉપરાંત જામનગર ખંભાળિયા હાઇવે રોડ પર આવેલી ખાનગી હોટલો, તેમજ ખંભાળિયા-બાયપાસ રોડ પર ની હોટલ, પાર્ટી પ્લોટ સહિતના આઠથી વધુ સ્થળોએ થર્ટી ફર્સ્ટ ની ઉજવણીના રંગારંગ કાર્યક્રમ યોજાયા હતા. જે તમામ સ્થળોએ બહોળી સંખ્યામાં યુવાધન જોડાયું હતું, અને ડી.જે. ના તાલે ડાન્સ ધમાલ અને મસ્તી સાથે ભારે જમાવટ કરી હતી.
 કેટલાક ટીવી કલાકાર, વિડીયો જોકી, તેમજ એન્કર સહિતના કલાકારો સાથેની રંગત જોવા મળી હતી. તો ક્યાંક વિદેશી કલાકારોનું પણ પર્ફોમન્સ જોવા મળ્યું હતું. તમામ સ્થળોએ ગીત સંગીત ડાન્સના કાર્યક્રમ બાદ રાત્રિના ૧૨.૦૦ વાગ્યે વર્ષ ૨૦૨૪ને વેલકમ કરવા માટે ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. અને જોશીલા જામનગર વાસીઓએ નવા વર્ષને વેલકમ કર્યું છે.
શહેરમાં ક્યાંય કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, ચોકે ચોકે ચેકીંગ કરાતું હતું અને થર્ટી ફર્સ્ટની ઉજવણીના ઉત્સાહમાં કોઇ અતિરેક ન કરી નાખે તેની પૂરતી કાળજી રાખવામાં આવી હતી, શહેરમાં કેટલાક સ્થળોએ આતશબાજી પણ થઇ હતી અને થર્ટી ફર્સ્ટની વધુ એક યાદગાર ઉજવણી જામનગરવાસીઓએ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application