ડાયાબિટીસની વૈશ્વિક સમસ્યા વચ્ચે તબીબો અને આરોગ્ય નિષ્ણાતો દ્વારા દર્દીઓને માત્ર સવારના ખાલી પેટના (ફાસ્ટિંગ) સુગર ઉપરાંત જમ્યા પછીના (પોસ્ટ-મીલ) બ્લડ સુગર લેવલ પર પણ વિશેષ ધ્યાન આપવા અપીલ કરવામાં આવી છે. સામાન્ય રીતે લોકો ખાલી પેટના સુગરને જ મહત્વ આપતા હોય છે, પરંતુ જમ્યા પછી અચાનક વધતું ગ્લુકોઝનું સ્તર પણ સ્વાસ્થ્ય માટે એટલું જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. રોજિંદી આદતોમાં સામાન્ય સુધારો અને યોગ્ય આહાર પદ્ધતિ અપનાવીને આ બંને પ્રકારના સુગર લેવલને સરળતાથી નિયંત્રિત રાખી શકાય છે.
બ્લડ સુગરને સંતુલિત રાખવા આહારમાં કરો આ ફેરફાર
ફાઈબર અને આખા અનાજનો ઉપયોગ
રોજિંદા ભોજનમાં રાજમા, ચણા, સફરજન અને જામફળ જેવા ફાઈબરયુક્ત પદાર્થો સામેલ કરવા જોઈએ. ફાઈબર પાચન પ્રક્રિયાને ધીમી કરે છે, જેથી લોહીમાં સુગર એકાએક વધતી નથી. આ ઉપરાંત ઓટ્સ, બ્રાઉન રાઈસ, જવ અને ક્વિનોઆ જેવા આખા અનાજ (Whole Grains) લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવા અને સુગરનું સંતુલન જાળવવામાં મદદરૂપ થાય છે.
કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ ઘટાડવું
જો બ્લડ સુગર વારંવાર વધી જતી હોય તો મેંદો, સફેદ ચોખા અને વ્હાઇટ બ્રેડ જેવા રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સનું સેવન મર્યાદિત કરવું હિતાવહ છે, કારણ કે તે શરીરમાં ઝડપથી ગ્લુકોઝમાં રૂપાંતરિત થાય છે.
ગળ્યા પદાર્થોથી અંતર
મીઠાઈઓ, કોલ્ડ ડ્રિંક્સ અને પ્રોસેસ્ડ જ્યુસ જેવા વધુ પડતી ખાંડવાળા પીણાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનું જોખમ વધારે છે. સુગર કંટ્રોલ કરવા માટે આવા ખાદ્યપદાર્થોનો ત્યાગ કરવો સૌથી અસરકારક માર્ગ છે.
શારીરિક શ્રમ અને વ્યાયામનું મહત્વ
આરોગ્ય નિષ્ણાતોના મતે ડાયાબિટીસના વ્યવસ્થાપનમાં શારીરિક પ્રવૃત્તિ અત્યંત અનિવાર્ય છે. અઠવાડિયાના મોટાભાગના દિવસોમાં દૈનિક ઓછામાં ઓછી ૩૦ મિનિટ ઝડપથી ચાલવું (બ્રિસ્ક વોકિંગ) અથવા હળવી કસરત કરવાથી ઇન્સ્યુલિનની કાર્યક્ષમતા વધે છે અને સુગર લેવલ હંમેશા કાબૂમાં રહે છે.