જામનગર પંથકમાં સપરમાં દિવસોમાં વાહન અકસ્માતમાં કુલ ૬ મોત

  • November 17, 2023 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખાવડી નજીક બેકાબુ બનેલી બ્રેજા કારના ચાલકે ૩ પદયાત્રીઓને કચડી નાખ્યા: અન્ય એકને ગંભીર ઇજા : હિટ એન્ડ રનના બે કિસ્સામાં ચાર વ્યક્તિ કાળનો કોળિયો : બાણુંગાર પાટીયે બીએમડબલ્યુ કારની ઠોકરે બાઈક સવાર દંપત્તિ ખંડીત : જાંબુડા પાસે ઇકોએ બાઇકને ટકકર મારતા તરુણનું મોત : મેઘપરમાં મોટરસાયકલે હડફેટે લેતા યુવાનનું મૃત્યુ

જામનગર જિલ્લામાં દિવાળીના સપરમાં દિવસોમાં અકસ્માતની હારમાળા સર્જાઇ હતી, હાઇવે મરણચીસોથી ગુંજીી ઉઠયો હતો જુદા જુદા અકસ્માતના ચાર બનાવમાં છ વ્યકિતના મૃત્યુ નિપજયા હતા આ અકસ્માતોમાં હિટ એન્ડ રન અંગેના બે કિસ્સામાં ચાર વ્યક્તિ કાળનો કોળીયો બની છે. જયારે જામનગર રાજકોટ ધોરી માર્ગ પર રામપર ગામના પાટીયા પાસે બી.એમ.ડબલ્યુ. કારના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતાં જામનગરનું દંપત્તિ ઘાયલ થયા પછી પતિનું મૃત્યુ નીપજતાં દંપતિ ખંડિત થયું છે, જયારે પત્નીને ઇજા થતા સારવારમાં ખસેડવામાં આવી છે ઉપરાંત મોરબીથી દ્વારકા પદયાત્રા કરીને જઈ રહેલા પદયાત્રા સંઘના પદયાત્રીઓ પૈકી ત્રણ પદયાત્રીઓને બ્રેઝા કારના ચાલકે ખાવડી પાસે વહેલી સવારે ઠોકરે ચડાવી કચડી નાખ્યા હતા, જ્યારે એક પદયાત્રી ગંભીર રીતે ઘાયલ થયો છે.
જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર બન્યો હતો. મોરબીથી પદયાત્રાનો સંઘ દેવભૂમિ દ્વારકા માં ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવવા માટે પદયાત્રા કરીને જઈ રહ્યો હતો, દરમિયાન ત્રણ પદયાત્રીઓને  પુરઝડપે આવી રહેલી એક બ્રેઝા કાર ના ચાલકે કચડી  નાખતાં ત્રણેયના અંતતિયાળ મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે એક પદ યાત્રી ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.
 આ ગોઝારા અકસ્માતના બનાવની વિગતો એવી છે કે મોરબીથી આશરે ૨૫ થી ૩૦ નો પદ યાત્રી સંઘ મોરબી થી યાત્રાધામ દ્વારકા તરફ જઈ રહ્યો હતો, દરમિયાન ગઇકાલે સવારે છ વાગ્યાના અરસામાં ખાવડી નજીક પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી બ્રેજા કારના ચાલકે ત્રણ પદયાત્રીઓને હડફેટમાં લેતાં તેઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યા હતા. જેમાં મોરબી પંથકના રમેશભાઈ ચતુરભાઈ ભાડજા (ઉંમર વર્ષ ૫૨) પરેશભાઈ પ્રભુભાઈ લિખિયા (૩૭ વર્ષ) અને કરસનભાઈ ભગવાનભાઈ ભાડજા (૬૫ વર્ષ)નો સમાવેશ થાય છે. જે ત્રણેય મૃતકોના જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવાયા હતા. મેઘપર પોલીસ સ્ટેશનના સ્ટાફે ઘટના સ્થળે તેમજ જીજી હોસ્પિટલમાં દોડી જઇ આગળની કાર્યવાહી કરી હતી.
જયારે આ અકસ્માતમાં ઈજા પામેલા ચોથા પદયાત્રી પ્રાણજીવનભાઈ રતિલાલભાઈ ઠોરીયાને ગંભીર ઇજા થઈ હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, અને તેઓ સારવાર હેઠળ છે. આ ગોજારો અકસ્માત સર્જનારા જી.જે.-૨ ડી.એમ. ૫૯૧૮ નંબરના બ્રેજા કારના ચાલક સામે મેઘપર પોલીસ સ્ટેશનમાં રવાપર રોડ મોરબી ખાતે રહેતા કેવીન રમેશભાઇ ભાડજાએ ફરિયાદ નોંધાવી હતી, હાલ ચાલક ભાગી છૂટ્યો હોવાથી તેમની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
જામનગરમાં રાજપાર્ક નજીક રમણ પાર્ક વિસ્તારમાં રહેતા દિનેશભાઈ મકવાણા પોતાના પત્ની અનિતાબેનને પોતાના જી.જે. ૧૦ બીએચ-૧૭૯૫ નંબરના બાઈકમાં પાછળ બેસાડીને તા. ૧૫ના રોજ જામનગરથી રાજકોટ તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન નાની બાણુંગાર-રામપર ગામના પાટીયા પાસે પાછળથી બેકાબુ બનીને આવી રહેલી જી.જે.૧૦ ડી.એન-૦૦૦૭  નંબરની બીએમડબલ્યુ કારના ચાલકે બાઈકને ટક્કર મારી દેતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક ચાલક દિનેશભાઇ અને તેના પત્ની ગંભીર સ્વરૂપે ઘાયલ થયા હતા, તેઓ બંનેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા, જ્યાં દિનેશભાઈનું મૃત્યુ નિપજ્યું હોવાનું તબીબો દ્વારા જાહેર કરાયું હતું, જ્યારે પત્ની ગંભીર અવસ્થામાં સારવાર હેઠળ છે.
મૃતકના પુત્ર યસ દિનેશભાઈ મકવાણાએ પંચકોશી-એ ડિવિઝન પોલીસ મથકમાં બીએમડબલ્યુ કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના અનુસંધાને પોલીસે કારના ચાલક જામનગરમાં રહેતા ગુલમામદ જુમાભાઇ સાટી નામના શખ્સને શોધી કાઢ્યો હતો, અને તેની અટકાયત કરી લઈ બીએમડબલ્યુ કાર કબ્જે કરી લીધી છે. ઉપરોક્ત અકસ્માતમાં દંપત્તિ ખંડિત થયું છે, જેથી મૃતકના પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.
ત્રીજા અકસ્માતમાં દડીયા ગામમાં રહેતા કમશી ઉકાભાઇ પાટડીયાએ પંચ-એમાં ઇકો ગાડી નં. જીજે૧૦ડીજે-૧૬૯૬ના ચાલક સામે ફરીયાદ કરી હતી કે, તા. ૧૪ બપોરના સુમારે ફરીયાદીના મામાનો દીકરો જયેશ રસિક કસરેજા તથા હીરા ભલાભાઇ કસરેજા તથા રવિ શૈલેષ સોયગામા, શિવ શૈલેષ સોયગામા તથા શોભનાબેન હિરાભાઇ બધા અલગ અલગ મોટરસાયકલ લઇને લાલપુર બાયપાસેથી ખીરી ગામે મોગલ માતાજીના દર્શન કરવા માટે નીકળ્યા હતા.
ફરીયાદી તથા મરણજનાર રવી મોટરસાયકલ નં. જીજે૧૦ડીએમ-૯૩૭૨ લઇ દર્શન કરી પરત ફરતા હતા ત્યારે જાંબુડા પહેલા રીસોર્ટની ગોળાઇ પાસે પહોચતા ઉપરોકત નંબરના ઇકો કાર ચાલકે પુરઝડપે અને બેદરકારીથી ચલાવી બાઇકને ઠોકર મારી હતી, આ અકસ્માતમાં બંને નીચે પડી જતા ફરીયાદીને શરીરે છોલછાલ અને રવી શૈલેષ સોયગામા (ઉ.વ.૧૭)નું ગંભીર ઇજાથી મૃત્યુ નિપજયુ હતું.
આ ઉપરાંત મેઘપર ગામમાં રહેતા અને મુળ કલ્યાણપુરના રાણ ગામના વતન લાખા ઉર્ફે બાબુભાઇ સોમાભાઇ માતંગ (ઉ.વ.૫૩)એ ગત તા. ૧૨ના રોજ મેઘપર પોલીસમાં બાઇક નં. જીજે૧૦ડીકયુ-૩૬૭૦ના ચાલક સામે એવી ફરીયાદ કરી હતી કે, તા. ૧૧ના રોજ ફરીયાદીના ભાઇ રાજુ સોમભાઇ માતંગ (ઉ.વ.૪૬) તથા કારાભાઇ ખીમાભાઇ વિંઝુડા રોડ ક્રોસ કરતા હતા ત્યારે બાઇક ચાલકે ગફલત અને બેફીકરાઇથી ચલાવી હડફેટે લઇ અકસ્માત સર્જતા બંનેને ગંભીર ઇજાઓ પહોચાડતા જેમાં રાજુભાઇનું મૃત્યુ નિપજયુ હતું. જામનગર જિલ્લામાં જુદા જુદા બનાવમાં ૬ વ્યક્તિ કાળનો કોળિયો બની ગયા હોવાથી દિવાળીના સપરમાં તહેવારોના દિવસોમાં ભારે કરુણાન્તીકા છવાઇ હતી.
***
કલ્યાણપુર નજીક મોટરસાયકલની હડફેટે બાઈક ચાલકનું મોત

કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામમાં રહેતા રામશીભાઈ છૂછર નામના આહીર આધેડ તેમના જી.જે. ૩૭ એચ. ૮૬૮૮ નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે જુવાનપુર ગામના ડિવાઈડર પાસે પહોંચતા આ માર્ગ પર આવી રહેલા જી.જે. ૩૭ એલ. ૩૯૩૦ નંબરના મોટરસાયકલના ચાલકે રામશીભાઈના મોટરસાયકલ સાથે અકસ્માત સર્જ્યો હતો.
આ અકસ્માતમાં તેમને માથાના ભાગે તથા શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર અર્જુન રામશીભાઈ છૂછરની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે આરોપી મોટરસાયકલના ચાલક સામે આઈપીસી કલમ ૩૦૪ (એ), ૨૭૯, તથા ૩૩૮ અને એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ભાટિયાના પી.એસ.આઈ. કે.એમ. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application