ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ મહત્વની જાણકારી શેર કરી છે. તેમણે જણાવ્યું કે લેબનોનમાં ચાલી રહેલા યુદ્ધવિરામના સમયગાળા દરમિયાન આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પરથી જહાજોની અવરજવર કોઈપણ અવરોધ વિના ચાલુ રહેશે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રદેશમાં સ્થિરતા જાળવી રાખવાનો અને વૈશ્વિક વ્યાપારને પ્રભાવિત થતો અટકાવવાનો છે.

નક્કી કરેલા રૂટ પર જ થશે અવરજવર
ઈરાને સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝમાંથી પસાર થતા તમામ વ્યાપારિક જહાજોએ પહેલાથી નક્કી કરેલા અને સંકલિત માર્ગનું જ પાલન કરવાનું રહેશે. આ માર્ગ ઈરાનના પોર્ટ્સ એન્ડ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશન દ્વારા અગાઉથી જ નિર્ધારિત કરવામાં આવ્યો છે. જહાજોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવા માટે ઈરાની તંત્ર સતત દેખરેખ રાખશે, જેથી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને.

ડોનાલ્ડ ટ્રમ્પે માન્યો આભાર
ઈરાન દ્વારા હોર્મુઝનો રસ્તો ખોલવાની જાહેરાત થતા જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આશ્ચર્યજનક રીતે નરમ વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરીને લખ્યું કે, "ઈરાને હમણાં જ જાહેરાત કરી છે કે હોર્મુઝની સામુદ્રધુની સંપૂર્ણપણે ખુલ્લી છે અને અવરજવર માટે તૈયાર છે. આભાર!"
ભારત માટે કેમ છે આ સમાચાર મહત્વના?
ભારત પોતાની જરૂરિયાતનું આશરે 60 ટકાથી વધુ ક્રૂડ ઓઈલ ખાડી દેશોમાંથી મંગાવે છે અને તે આ જ હોર્મુઝ માર્ગે થઈને ભારત પહોંચે છે. જો આ રસ્તો લાંબો સમય બંધ રહે તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થવાની અને મોંઘવારી બેકાબૂ બનવાની આશંકા હતી. ઈરાનના આ નિર્ણયથી ભારત સહિત સમગ્ર વિશ્વના તેલ બજારમાં સ્થિરતા આવશે.
લેબનોનમાં યુદ્ધવિરામ અને હોર્મુઝ માર્ગ ખુલવાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે રાજદ્વારી સફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ સ્થિરતા કેટલો સમય જળવાઈ રહે છે અને ઈરાન-અમેરિકા વચ્ચેના સંબંધોમાં આનાથી કેટલી સુધારાની આશા રાખી શકાય.