BREAKING NEWS

ધ્રોલના મજોઠ ગામે ૩૦૦ એકર ગૌચર જમીન પર દબાણનો આક્ષેપ

  • June 13, 2026 12:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલના મજોઠ ગામે ૩૦૦ એકર ગૌચર જમીન પર દબાણનો આક્ષેપ

પશુપાલકોની ઉચ્ચકક્ષાએ રજૂઆત: ફરિયાદીને રક્ષણ આપવા માંગ

ધ્રોલ તાલુકાના મજોઠ ગામમાં સર્વે નં. ૫૭૧ની અંદાજે ૩૦૦ એકર ગૌચર જમીન પર ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે ગામના પશુપાલકો દ્વારા મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે.સાથે જ અરજી કરનાર પશુપાલક અને તેમના પરિવારને જાનનું જોખમ હોવાનો આક્ષેપ કરીને રક્ષણ આપવા માંગ કરવામાં આવી છે.

મજોઠ ગામના પશુપાલક સોડા નાગજી વરુએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ગામની ગૌચરની જમીન પર વર્ષોથી દબાણ કરીને ખેતી કરવામાં આવી રહી છે. જેના કારણે ગાયો અને અન્ય પશુઓને ચરવા માટે પૂરતી જગ્યા રહી નથી. ગૌચર જમીન પર થયેલા દબાણથી પશુપાલન વ્યવસાયને ગંભીર અસર પહોંચી હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે.

અરજીમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગૌચરની જમીનમાં ગેરકાયદે દારૂનું ઉત્પાદન, માટી તથા અન્ય ખનીજોના ખનન અને નદીમાંથી રેતીની ચોરી જેવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ બાબતે અગાઉ રજૂઆત કર્યા બાદ પોતાના પરિવારને જીવનું જોખમ ઉભું થયું હોવાનું જણાવી સુરક્ષાની માંગ કરવામાં આવી છે.

પશુપાલકોના જણાવ્યા મુજબ ગૌચરની જમીન ખેડાઈ જતાં ગામમાં ગાયોને ચરવા માટે એક તસુભાર જમીન પણ બાકી રહી નથી. એક સમયે ગામમાં ગૌશાળા અને ગોવાળની વ્યવસ્થા હોવા છતાં હાલમાં ગાયોનું અસ્તિત્વ ઘટી રહ્યું હોવાનું ગ્રામજનોનું કહેવું છે. સરકાર ગૌઆધારિત ખેતી અને પશુપાલનને પ્રોત્સાહન આપે છે, ત્યારે ગૌચર જમીન જ દબાણ હેઠળ હોવાને કારણે પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
​​​​​​​
આશરે ૪૦ વર્ષ પહેલાં ડેમના કામ દરમિયાન ગ્રામપંચાયત હસ્તકની ગૌચર જમીનનો ઉપયોગ વધારાની માટી નાખવા માટે થવાનો હતો. જોકે માહિતી અધિકાર હેઠળ મેળવાયેલા જવાબમાં સિંચાઈ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ જમીન વિભાગ દ્વારા સંપાદિત કરવામાં આવી નથી. બીજી તરફ ડી.એલ.આર. કચેરી, જામનગર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રિસર્વે દરમિયાન સર્વે નં. ૫૭૧ બ્લોક તરીકે નોંધાયો હોવાનું જણાવાયું છે. જમીનની વર્તમાન સ્થિતિ અંગે વધુ સ્પષ્ટતા માટે કાર્યવાહી ચાલુ હોવાનું જાણવા મળે છે.

પશુપાલકો અને ગ્રામજનોએ ગૌચરની જમીન પરથી દબાણ દૂર કરીને પશુઓ માટે ફરી ઉપલબ્ધ કરાવવા, ગેરકાયદે પ્રવૃત્તિઓની તપાસ કરાવવા તથા સમગ્ર મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application