ગુજરાતી ભાષા, સંસ્કૃતિ અને વિદેશમાં વસતા ગુજરાતીઓના હિતો માટે કાર્યરત અગ્રણી સંસ્થા 'વિશ્વ ગુજરાતી સમાજ' ના પ્રમુખ તરીકે શ્રી ભાવેશ લાખાણીની વરણી કરવામાં આવી છે. રવિવારે અમદાવાદ ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં તેમણે વિધિવત રીતે પોતાનો પદભાર ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ ઉપસ્થિત રહી નવા નેતૃત્વને વધાવ્યું હતું.
સમારોહની હાઈલાઈટ્સ
પદગ્રહણ સમારોહમાં માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશ-વિદેશના વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓ, સાહિત્યકારો અને મીડિયા જગતના અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજર રહી પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.
ઈફ્કો (IFFCO) ના ચેરમેન દિલીપ સંઘાણી, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી સહિત અનેક મહાનુભાવોએ ભાવેશ લાખાણીને પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમના નેતૃત્વમાં સંસ્થા વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ સર કરશે.
સર્વાનુમતે વરણી અને મહાસમિતિનું સમર્થન
સામાજિક સેવા ક્ષેત્રના અગ્રણી મહેન્દ્રભાઈ શાહના પ્રધ્યક્ષસ્થાને યોજાયેલી મહાસમિતિની બેઠકમાં ભાવેશ લાખાણીના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. વજુભાઈ પરસાણા, બિપિનભાઈ સોની અને મનીષભાઈ શર્મા સહિત ઉપસ્થિત તમામ સભ્યોએ આ પ્રસ્તાવને વધાવી લીધો હતો. સભ્યોએ તાળીઓના ગડગડાટ સાથે ભાવેશ લાખાણીના નેતૃત્વ પર મહોર મારી હતી. પૂર્વ પ્રમુખ ગોરધનભાઈ પટેલે પણ તેમનું વિશેષ સન્માન કરી સંસ્થાની જવાબદારી સોંપી હતી.
ભાવેશ લાખાણી સફળ બિઝનેસમેન
ભાવેશ લાખાણી સફળ બિઝનેસમેન હોવા ઉપરાંત રાજકીય અને સામાજિક ક્ષેત્રે પ્રતિષ્ઠિત નામ છે. કોર્પોરેટ જગતમાં જાણીતા એવા ભાવેશ લાખાણી ગુજરાત ભારતીય જનતા પક્ષના કારોબારી સભ્ય અને શહેરની પ્રતિષ્ઠિત કર્ણાવતી ક્લબના ડિરેક્ટર પણ છે. તેઓ ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત ધારાશાસ્ત્રી અને પૂર્વ મંત્રી સ્વ. શશીકાંતભાઇ લાખાણીના પુત્ર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ-૨૦૨૪ની યોજાયેલી સંસ્થાના પ્રમુખપદ માટેની ચૂંટણી અને તેના પરિણામો બાદ આગેવાનો વચ્ચે સર્જાયેલા મતભેદો બાદ વર્ષ-૨૦૨૫ દરમિયાન સંસ્થાનું કામકાજ કાયદાકીય સ્તરે અટવાયેલું રહ્યું હતું, પરંતુ વર્ષ-૨૦૨૬ના આગમને સંસ્થાના મુખ્ય સંવર્ધક અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની લાગણીને માન આપીને આગેવાનોએ સુમેળભર્યા વાતાવરણમાં મતભેદોનો સકારાત્મક ઉકેલ લાવી દીધો હતો. મહેન્દ્રભાઇએ તે બાબતે સભ્યોને વિગતો જણાવી હતી.