જામનગરમાં ઐતિહાસિક મહાનુભાવોની વેશભૂષા રજૂ કરતી ભારતમાતા આદર્શ ગરબી મંડળ

  • October 18, 2023 10:09 AM 

64 વર્ષથી પ્રાચીનત્તમ રાસ, ગરબા, દુહા, છંદ વચ્ચે વિવિધ પાત્રો રામ, લક્ષ્મણ, સીતાજી, કૃષ્ણ, રાધાજી, શંકર, ગણેશજી, હનુમાન, રાવણ, છત્રપતિ શિવાજી, ટીપુ સુલતાન અને જટાયુ જેવા પાત્રો રંગ જમાવે છે...


જામનગર શહેરમાં 64 વર્ષથી પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખવામાં લીમડાલેન શેરી નં. 3 માં આવેલી શ્રી ભારતમાતા આદર્શ ગરબી મંડળ સફળ રહ્યું છે, ઐતિહાસિક મહાનુભાવોના પાત્રો અને વિવિધ વેશભૂષા સાથે આ ગરબીમાં જહેમત ઉઠાવીને યુવક-યુવતીઓ લોકોનું મન મોહી લ્યે છે, ત્યારે વર્ષોથી વખણાતી આ ગરબી ખરેખર જોવાલાયક છે.


જામનગર શહેરનો કોઇપણ બાળક, યુવાન, મહિલા કે પ્રૌઢ વ્યકિત જો એમ કહે કે, તેઓ ''વેશભૂષાવાળી" ગરબી નિહાળવા ગયા હતા... તો તેનો અર્થ એમ જ સમજવો કે, તેઓ લીમડા લેન શેરી નં. ૩માં આવેલી શ્રી ભારતમાતા આદર્શ ગરબી મંડળ દ્વારા ચાલતી ગરબીની રસલ્હાણ માણવા ગયા હતા.... !!


ઉપરોકત સ્થળે છેલ્લા ચોસઠ વર્ષથી સતત કાર્યરત વિતેલા આ છ દાયકાના સમયગાળામાં આ ગરબી તેમના વિરાટ આયોજન, પરંપરાગત રાસ - ગરબાની રજુઆત, બાળાઓ અને યુવકો દ્વારા લેવાતા અભૂતપૂર્વ દાંડિયા રાસ, પ્રાચીનત્તમ ગરબા-દૂહા-છંદની ગાયકી દ્વારા પ્રગટ થતો ભકિતભાવ, શિસ્તબધ્ધ કાર્યકરો, સુઘડ વ્યવસ્થાપનના કારણે જેટલી વિખ્યાત છે, તેટલી જ ધાર્મિક અને ઐતિહાસિક મહાનુભાવોના પાત્રોની વેશભૂષા દ્વારા રમાતી ગરબીના કારણે પણ તેટલી જ ખ્યાતિ પામી છે. જામનગર શેહરમાં છેલ્લા પચાસ વર્ષમાં ભાગ્યે જ કોઇ એવું બાળક હશે કે જેમણે આ ગરબી અનેક વખત ન નિહાળી હોય...!


આ ગરબીનું સંચાલન આ જ વિસ્તારમાં વસવાટ કરતા વિશાળ રામાણી પરિવારના બંધુઓ તથા લીંબાસીયા પરિવાર, ગજેરા પરિવાર દ્વારા કરવામાં આવે છે. જયારે ભારતના ભાગલા પડયા નહોતા ત્યારે આ પરિવાર હાલના પાકિસ્તાનના શહેર કરાંચીમાં વસવાટ કરતા હતા અને ઇ.સ. ૧૯૪૨ માં પણ સ્વ. ભાણજીભાઇ સંઘરાજભાઇ રામાણી અને તેમના બંધુઓ પટેલ યુવક મંડળના નેજા હેઠળ પણ નવરાત્રીની પરંપરાગત અને હોંશભેર ઉજવણી કરતા હતા. સ્વતંત્રતા પ્રાપ્તિના વર્ષમાં તેઓ જામનગર સ્થળાંતર થયા. જામનગરના વસવાટની સાથે જ આ પરિવારે ઇ.સ. ૧૯૪૭ થી શહેરમાં નવરાત્રીની ઉજવણી અને ગરબીનું આયોજન આરંભ્યું હતું.


જામનગરમાં સર્વપ્રથમ રામજી લક્ષ્મણના ડેલામાં, ત્યારપછી આણદાબાવા આશ્રમવાળી જગ્યામાં, પંચેશ્વર ટાવર વિસ્તારમાં નવરાત્રીની ઉજવણી કરી હતી. પરંતુ ત્યારપછી લીમડાલેન વિસ્તારમાં સ્થાયી વસવાટની સાથોસાથ આ જ વિસ્તારના પટેલ ચોકમાં લત્તાવાસીઓના સહકારથી ભારતમાતા આદર્શ ગરબી મંડળની રાહબરી હેઠળ ગરબીનો પ્રારંભ કર્યો હતો, તેમજ વર્ષ-૨૦૧૦ માં ૫૦ માં વર્ષે સુવર્ણ જયંતીની ઉજવણી કરી આ વર્ષે પણ ભારે લોકચાહના સાથે કાર્યરત છે.


આ ગરબી અનકે પ્રકારે વિશિષ્ટતા ધરાવે છે, જેમાં સૌથી ધ્યાનકર્ષક બાબત એ છે કે, આ વિસ્તારમાં વસતા મુસ્લિમ, શિખ, ખ્રિસ્તી પરિવારો પણ આ ગરબી મંડળના સમગ્ર આયાેજનમાં સક્રિયપણે જોડાઇને સેવા આપી રહ્યા છે અને ગરબી મંડળના નામ ''શ્રી ભારતમાતા આદર્શ ગરબી મંડળ" ને યથાર્થ ઠરાવી 'અનેકતામાં એકતા" નો ભાવ પ્રદર્શિત કરી રહ્યા છે, તેમજ આઠમના દિવસે આર્યસમાજ દ્વારા વૈદિક યજ્ઞ કરી વૈદિક પ્રચાર-પ્રસારનું પણ માધ્યમ જાળવી રાખેલ છે.


વળી આ ગરબીના આયોજનમાં કોઇ પાસેથી ફરજીયાત ફંડ પણ ઉઘરાવવામાં આવતું નથી, લત્તાવાસીઓ તથા શુભેચ્છકો સામેથી યથાયોગ્ય આર્થિક સહકાર આપવામાં આવે છે. ગરબી મંડળમાં જોડાયેલ રાસ-ગરબા રમતા યુવકો-બાળાઓ પાસેથી કે ગરબી નિહાળવા આવતાં દર્શકો પાસેથી પણ કોઇપણ પ્રકારની ફી-ચાર્જ વસુલવામાં આવતો નથી, કોઇ ઇનામી ડ્રો-ટિકિટ પણ રાખવામાં આવતા નથી. ઉડીને આંખે વળગે એવી બાબત આ ગરબી મંડળના ખેલૈયાઓની શિસ્ત અને આયોજકોનું સુંદર વ્યવસ્થાપન ગણાવી શકાય.


આ અગાઉના વર્ષોમાં ઇ.સ. ૧૯૯૫, ૧૯૯૬ અને ૧૯૯૮ ના વર્ષમાં આ ગરબી મંડળે જામનગરના સાંધ્ય દૈનિક ''નોબત" તથા જામનગર પોલીસ દ્વારા નવરાત્રી પર યોજાયેલી ''શ્રેષ્ઠ શિસ્ત - વ્યવસ્થા ગરબી મંડળ" ની સ્પર્ધામાં વિજેતાપદ હાંસલ કરી શિલ્ડ મેળવ્યા છે. વર્ષ-૨૦૦૮ માં જામનગર મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી 'નિર્મળ ગરબા ગ્રાઉન્ડ સ્પર્ધા" માં પણ શહેરમાં દ્વિતીય સ્થાન મેળવવાની સાથોસાથ રૂા. પચાસ હજારનો રોકડ પુસ્કાર પણ પ્રાપ્ત કર્યો હતો. ગુજરાતી સાપ્તાહિક 'અભિયાન" દ્વારા જામનગર શહેરની ગરબીઓના કરાયેલા સર્વેક્ષણમાં પણ આ મંડળની ગરબી ટોપ ટેનમાં સ્થાન પામી હતી.


સૌથી મહત્વની બાબત તો એ છે કે, અહિ નવરાત્રીના દિવસો દરમિયાન દરરોજ ધાર્મિક અને ઐતિહાસિક પાત્રોની વેશભૂષા પરિધાન કરીને યુવકો દાંડિયા રાસ રમતા જોવા મળે છે. આવી 'વેશભૂષાવાળી ગરબી" નો ઝોટો મળવો મૂશ્કેલ છે. વર્ષોની પરંપરા મુજબ ગરબીમાં રામ, લક્ષ્મણ, સીતાજી, કૃષ્ણ, રાધાજી, શંકર ભગવાન, ગણેશજી, હનુમાનજી, રાવણ, છત્રપતિ શિવાજી, ટીપુ સુલતાન, સિકંદર, ઋષિમુનિ, જટાયુ, અસૂર જેવા અનેકવિધ પાત્રોની આહેબહૂબ વેશભૂષા પહેરી, શણગાર - સુશોભન કરીને એક જ મંચ પર એકી સાથે ભાતીગળ રાસ રમતા હોય તેવું દ્રશ્ય ગરબી નિહાળનારાઓના મન મોહી લે છે.


આ ગરબી મંડળના આયોજનમાં અમૃતલાલ રામાણી બ્રધર્સ, જીતુભાઇ રામાણી બ્રધર્સ, લલીતભાઇ રામાણી બ્રધર્સ, પ્રફુલભાઇ લીંબાસીયા, દિનેશભાઇ લીંબાસીયા, હરીભાઇ ગજેરા, અશોકભાઇ પાબારી વગેરે સભ્યો દ્વારા આયોજન કરવામાં આવે છે, બહેનો તથા વેશભુષાના રાસ-ગરબામાં કોરીયોગ્રાફી પ્રકાશભાઇ રામાણી, હિતેશ રામાણી, માનસી રામાણી, દિશા રામાણી, મયૂરી પંડયા સેવા આપે છે.


ભાઇઓના ધાર્મિક વેશભૂષા તૈયાર કરવા તથા મેકઅપ મેન તરીકે કિશોર રામાણી, મુકેશ રામાણી, કૌશીક લીંબાસીયા, વિપુલ લીંબાસીયા, રાજેશ રામાણી જહેમત ઉઠાવે છે. મંડપ, સાઉન્ડ તથા ઇલેકટ્રીક ડેકોરેશન ગોકુલ મંડપ - સંજયભાઇ પટેલ, રાજુભાઇ ચંદારાણા, વિજયભાઇ આમેટા, મનસુખ રામાણી, વિપુલ લીંબાસીયા, સતિષભાઇ ગજેરા, શૈલેષભાઇ બુસા કાર્યરત છે, તેમજ બેનર ડિસ્પ્લે માટે વિવેક રામાણી, સુનિલ રામાણી, તુષાર રામાણી, મયૂર સંઘાણી દ્વારા સેવા આપવામાં આવે છે.


ખરેખર ભારતીય સંસ્કૃતિને અનુરૂપ અને આજના યુગની જરા પણ હવા લાગ્યા વિના ગુજરાતની પ્રણાલિકા મુજબ જ શ્રી ભારતમાતા આદર્શ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવે છે, જે ખરેખર પ્રસશંનીય છે, અભિનંદનીય છે...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application