જામનગર જિલ્લામાં સર્વત્ર મેઘ મહેર: એક થી છ ઇંચ વરસાદ

  • June 30, 2023 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં આઠ કલાકમાં ૫ ઇંચ, જોડીયામાં સાડા ચાર, ધ્રોલ અને કાલાવડમાં સાડા ત્રણ, જામજોધપુર અને લાલપુરમાં પોણો ઇંચ: ઉમીયાસાગર અને ઉંડ-૪ ડેમ ઓવરફલો: આઠ ડેમમાં નવા નીરની આવક: લાખોટા તળાવમાં પાણીની મબલખ આવક શરુ

જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તાર ઉપર મોડી રાત્રીના ૧ વાગ્યાથી આજે સવારના ૧૦ વાગ્યા સુધીમાં સર્વત્ર મેઘ મહેર થઇ છે, ચારેકોર પાણી-પાણી થઇ ગયા છે, જિલ્લામાં એક થી છ ઇંચ વરસાદ વરસતા ખેતરો છલોછલ થયા છે, ઉમીયાસાગર અને ઉંડ-૪ ઓવરફલો થયા છે જયારે આઠ ડેમમાં નવા નીરની હજુ પણ આવક ચાલું છે, જામનગરને પીવાનું પાણી પુરુ પાડતા રણજીતસાગરમાં અઢી ફુટ નવા પાણીની આવક થતાં સપાટી ૨૨.૬ ફુટે પહોંચી છે, ડેમના સ્ત્રાવ વિસ્તારમાં પણ પાંચ ઇંચ જેટલો વરસાદ પડયો છે, હજુ પણ ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે ત્યારે જામનગરને ત્રણ મહીના ચાલે તેટલું પાણી બે દિવસમાં આવી ગયું છે, સત્યમકોલોનીમાં આવેલા અન્ડરબ્રિજમાં ત્રણ ફુટ પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થઇ ગયો છે.
જામનગર શહેરની વાત લઇએ તો રાત્રીના ૧.૩૦ વાગ્યાથી મેઘાએ વિજળીના કડાકા-ભડાકા સાથે દે ધનાધન કરીને વરસાદ વરસાવાનું ચાલું કર્યુ હતું, આ લખાય છે ત્યારે સવારે ૧૦ વાગ્યા સુધી પણ વરસાદ ચાલું છે અને આઠ કલાકમાં પાંચ ઇંચ વરસાદ પડયો છે, ભારે વરસાદને કારણે પત્રકાર કોલોની, લીમડાલાઇન, નવાગામ ઘેડ, જયશ્રી ટોકીઝ વિસ્તારમાં પાણી ભરાયા છે, મોટાભાગના સેલરોમાં પાણી ભરાવાને કારણે વેપારીઓને ભારે પરેશાની થઇ છે, સવારે ૮ વાગ્યા સુધીમાં સવા ચાર ઇંચ વરસાદ પડયા બાદ ૮ થી ૧૦માં વધુ પોણો ઇંચ વરસાદ પડયો છે.
જોડીયામાં મેઘાએ ટવેન્ટી-ટવેન્ટી મેચ રમ્યો છે અને સવારે ૮ વાગ્યા સુધીમાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબકતા આજુબાજુના ચેકડેમોમાં પણ પાણીની ભારે આવક થઇ છે, જોડીયાની આજુબાજુના ગામોમાં ત્રણ થી સાડા ચાર ઇંચ વરસાદ ખાબકતા ખેતરો ભરાઇ ગયા છે, જોડીયાના નિચાણવાળા વિસ્તારોમાં બે થી સાડા ચાર ઇંચ વરસાદ થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે, જોડીયા પંથકમાં વિજળીનો વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે.
ધ્રોલમાં મેઘરાજાએ ૨૪ કલાકમાં ભારે સટાસટી બોલાવી છે, વિજળીના ભારે કડાકા-ભડાકા વચ્ચે સવારના ૮ વાગ્યા સુધીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ થયો છે અને ધ્રોલનો કુલ વરસાદ ૨૭૦ મીમી થયો છે, જયારે લાલપુરમાં અને જામજોધપુરમાં પોણો-પોણો ઇંચ વરસાદ થયો છે.
કાલાવડથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, કાલાવડમાં ૨૪ કલાકમાં અઢી ઇંચ વરસાદ થયો છે, મેઘરાજાએ ભારે આડંબર કરતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે અને ખેતરો પણ છલોછલ ભરાઇ ગયા છે, મગફળી અને કપાસના પાકને સારો ફાયદો થશે તેમ નિષ્ણાંતોનું કહેવું છે, કાલાવડમાં મોસમનો કુલ વરસાદ ૩૦૭ મીમી થયો છે જયારે ભાણવડમાં પોણો ઇંચ અને ખંભાળીયામાં ઝાપટા પડયા છે.
જામનગરની મઘ્યમાં આવેલા રણમલ તળાવમાં પાણીની જોરદાર આવક ચાલું છે, ઉપરવાસ ભારે વરસાદને કારણે તળાવમાં હજુ પણ વધુ આવક થાય તેવી શકયતા છે, રણજીતસાગર ડેમ ઉપર સવારે બે કલાકમાં સવા ઇંચ વરસાદ વરસ્યો છે અને ડેમની સપાટી સવારે ૧૦ વાગ્યા સુધીમાં ૨૨.૬ ફુટે પહોંચી છે. ગામડાઓમાં સૌથી વધુ વરસાદ પીઠડમાં સાડા પાંચ ઇંચ અને પરડવામાં પાંચ ઇંચ વરસાદ પડયો છે, આમ મેઘરાજાએ ભારે સટાસટી બોલાવી છે.
**
કાલાવડના હકુમતી સરવાણીયા વચ્ચેનો રસ્તો બંધ
કાલાવડમાં ભારે વરસાદ થતાં હકુમતી સરવાણીયાની સ્થાનિક નદીમાં ઘોડાપુર આવતા કાલાવડ વચ્ચેનો રસ્તો બંધ થઇ ગયો છે, હજુ પણ ઉપરવાસ વરસાદ ચાલું છે, કાલાવડ પંથકમાં એક થી ચાર ઇંચ વરસાદ પડયાના વાવડ મળે છે.
**
સત્યમકોલોની અન્ડરબ્રિજમાં ત્રણ ફુટ અને સ્કુલની વેન ફસાઇ
જામનગર શહેરમાં ભારે વરસાદ થતાં સત્યમકોલોની અન્ડરબ્રિજમાં ત્રણ ફુટ પાણી ભરાઇ ગયું હતું, એક સ્કુલ વાન પાણીમાં ફસાઇ ગઇ હતી, જો કે કોઇ જાનહાની થઇ નથી જયારે શહેરના તમામ સેલરોમાં બે થી ત્રણ ફુટ પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી પડી હતી.
**
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હળવા ઝાપટા વરસ્યા: ભાણવડમાં નવ મી.મી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે તેમજ આજે સવારે મેઘરાજાએ જાણે પોરો ખાધો હોય તેમ કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટા વચ્ચે મહદ અંશે વરસાદ વરસ્યો ન હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં ગઈકાલે ગુરુવારે બપોરે ૧૨ થી ૨ વાગ્યા દરમિયાન ૯ મીલીમીટર વરસાદ વરસી ચુક્યો છે.
ખંભાળિયા તાલુકામાં ગઈકાલે મેઘ વિરામ વચ્ચે સૂર્યનારાયણના દર્શન થતા અવીરત વરસાદથી લોકોએ રાહત અનુભવી હતી. જોકે આજે સવારથી હળવા છાંટાનો દૌર અવિરત રીતે ચાલુ રહ્યો હતો. આજે સવાર સુધીમાં ખંભાળિયા તાલુકામાં કુલ ૫૪૦ મી.મી., દ્વારકા તાલુકામાં ૩૧૮ મી.મી., કલ્યાણપુર તાલુકામાં ૨૫૯ મી.મી. અને ભાણવડ તાલુકામાં ૨૩૧ મી.મી. વરસાદ વરસી ચુક્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં માફકસર વરસાદથી હાલ ખેડૂતો ખુશ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application