૭ હજાર રૂપીયામાં બોર્ડર ક્રોસ કરી: ઇન્સ્ટાગ્રામમાં યુવક સાથે પરિચય થયો: પોલીસ દ્વારા નિવેદન નોંધી વધુ પુછતાછ
પહેલગામમાં આતંકી હુમલા બાદ જામનગર સહિત રાજયમાં પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરીકો સબંધે તપાસ ચલાવવામાં આવી રહી છે. દરમ્યાનમાં પડધરી પાસે ઝડપાયેલી બાંગ્લાદેશી યુવતિ જામનગરના યુવાન સાથે લગ્ન માટે બાંગ્લાદેશથી બોર્ડર ક્રોસ કરી ભારત આવી હોવાની વિગતો તપાસ દરમ્યાન ખુલી છે જામનગરના યુવક સાથે ઇન્સ્ટાગ્રામમાં સંપર્કમાં આવી હતી અને ઘણા સમય સુધી ચેટ કરતા હતા, દરમ્યાનમાં આ મામલે પડધરી પોલીસ દ્વારા તેનું નિવેદન નોંઘ્યુ છે ઉપરાંત જામનગર પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પડધરી પાસે ઝડપાયેલી બાંગ્લાદેશી નાગરીક શાહીદા જામનગરના યુવાન સાથે લગ્ન કરવા માટે બોર્ડર ક્રોસ કરી ભારત આવી હતી, પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે શાહીદા છેલ્લા દોઢેક વર્ષથી જામનગર રહેતી હતી બારેક વર્ષ પહેલા તેના બાંગ્લાદેશમાં લગ્ન થયા હતા, લગ્નજીવન દરમ્યાન પુત્રીની પ્રાપ્તી થઇ હતી.
ત્યાર પછી તેના છુટાછેડા થઇ ગયા હતા, બાદમાં તે ઇન્સ્ટાગ્રામ થકી જામનગરના સમીર નામના યુવક સાથે પરિચયમાં આવી હતી બંનેએ ઘણા સમય સુધી ચેટ કરી હતી, શાહીદાને સમીર સાથે લગ્ન કરવા હોવાથી બાંગ્લાદેશમાં તેના ગામના હબીબનો સંપર્ક કર્યો હતો, જે તે વખતે સુરતમાં રહેતો હતો, બે વર્ષ પહેલા શાહીદા, હબીબ સાથે તેના ગામથી બોર્ડર ક્રોસ કરી પગપાળા કોલકતા આવી હતી.
બોર્ડર ક્રોસ કરાવવા બદલ તેણે હબીબને ા. ૭ હજાર આપ્યા હતા, બદલામાં હબીબે તેને સીમકાર્ડ કઢાવી આપ્યુ હતું સાથો સાથ તેને સુરત લઇ આવ્યો હતો જયાં તેની સાથે છ મહીના સુધી રહી હતી, બાદમાં ટ્રેનમાં જામનગર આવી હતી, જયાથી દ્વારકા ગઇ હતી, જયાં સમીર મળ્યો હતો દ્વારકામાં એકાદ વર્ષ તેની સાથે રહી હતી.
છેલ્લા છ મહીનાથી બંને જામનગરમાં ભાડાના મકાનમાં રહેતા હતા, શાહીદાની પુત્રી હાલ તેની માતા સાથે રહે છે તેના પિતાનું અવસાન થઇ ગયું છે, પડધરી પોલીસે તેનું નિવેદન નોંધી પુછપરછ જારી રાખી છે.