સોમવારે લાહોરમાં આયોજિત ટઅસ્મા જહાંગીર કોન્ફરન્સટ દરમિયાન બલૂચિસ્તાનના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અખ્તર મેંગલે ખુલ્લેઆમ પાકિસ્તાનથી અલગ થવાની માંગ કરી હતી. વડા પ્રધાન શાહબાઝ શરીફના રાજકીય સલાહકાર રાણા સનાઉલ્લાહની હાજરીમાં મેંગલે કહ્યું કે બલૂચિસ્તાન અને પાકિસ્તાન હવે સાથે રહી શકતા નથી અને અલગ થવું એ એકમાત્ર વિકલ્પ છે. તેમણે ઇસ્લામાબાદ પર જોડાણ સમયે આપેલા વચનો તોડવા, બળજબરીથી ગુમ થવા અને લશ્કરી અતિરેકનો આરોપ લગાવ્યો.
મેંગલે એ દાવાને પણ નકારી કાઢ્યો કે બલુચિસ્તાનમાં અશાંતિ ફક્ત 'વિદેશી હાથ'ને કારણે છે. ૧૯૭૧માં બાંગ્લાદેશના અલગ થવા દરમિયાન વપરાતા 'અમે અહીં છીએ, તમે ત્યાં છો' સૂત્રનો ઉલ્લેખ કરીને, તેમણે પાકિસ્તાન સાથે શાંતિપૂર્ણ પડોશી તરીકે રહેવાની વાત કરી હતી.
અખ્તર મેંગલનું નિવેદન અત્યંત ગંભીર માનવામાં આવે છે કારણ કે તે કોઈ નાના નેતા નથી, પરંતુ બલુચિસ્તાનના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન છે. તેમણે આ સંદેશ બલુચિસ્તાનના દૂરના વિસ્તારમાંથી નહીં, પરંતુ પાકિસ્તાનના પંજાબ પ્રાંતની રાજધાની લાહોરથી આપ્યો હતો. તેમના નિવેદનથી પાકિસ્તાનના સત્તા વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે, કારણ કે તેમણે ખુલ્લેઆમ દેશના વિભાજન માટે હાકલ કરી હતી.
પોતાના સંબોધનમાં, મેંગલે પાકિસ્તાન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે પાકિસ્તાનની સ્થાપના અને બલૂચિસ્તાનના વિલીનીકરણ સમયે આપવામાં આવેલા વચનો ક્યારેય પૂરા થયા નથી. તેમણે બલૂચ લોકોના બળજબરીથી ગુમ થવા અને લશ્કરી કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે આ પરિસ્થિતિઓમાં બલૂચિસ્તાન પાસે હવે પાકિસ્તાન સાથે રહેવાનું કોઈ કારણ નથી.
પાકિસ્તાન અને બલુચિસ્તાનના ભવિષ્ય વિશે બોલતા મેંગલે કહ્યું કે તેમના માટે અલગ થવું વધુ સારું રહેશે. તેમણે સૂચવ્યું કે શ્રેષ્ઠ પરિસ્થિતિ એ હશે કે બંને શાંતિપૂર્ણ પડોશી તરીકે સાથે રહે. તેમના વલણ અને સંસદમાંથી રાજીનામાએ બલુચિસ્તાનની સ્વતંત્રતા ચળવળને એક નવું રાજકીય પરિમાણ આપ્યું છે, જેનાથી પાકિસ્તાનની અખંડિતતા પર પ્રશ્નો ઉભા થયા છે.