કોન્ટ્રાક્ટરની પોલીસ સાથે બબાલ પીસીઆર વાનમાં કરી તોડફોડ

  • November 11, 2023 01:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ગોકુલ મથુરા એપાર્ટમેન્ટ પાસે રાત્રિના ઝઘડો થઈ રહ્યો હોય પોલીસને કોલ મળતા પોલીસની પીસીઆરવાન અહીં પહોંચી હતી. દરમિયાન અહીં ઝઘડો કરી રહેલા શખસે પોલીસ સાથે પણ બબાલ કરી હતી તેને પીસીઆર વાનમાં બેસવાનું કહેતા ઉશ્કેરાઈ જઇ પ્લાસ્ટિકના પાઇપ વડે પીસીઆર વાનમાં તોડફોડ કરી હતી. આ અંગે પોલીસે આરોપી કોન્ટ્રાક્ટર સામે ફરજમાં રૂકાવટ અને પોલીસ વાહનમાં નુકસાન કરવા અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ, યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ રાત્રિના પેટ્રોલિંગમાં હતો દરમિયાન કોન્સ્ટેબલ અજીતસિંહ પરમારને કંટ્રોલરૂમ તરફથી કોલ આવ્યો હતો કે, સિનજીર્ હોસ્પિટલ સર્કલ ગોકુલ મથુરા પાછળ સિલ્વર નેસ્ટ સ્કૂલ પાસે કોઈ ઝઘડો કરી રહ્યું છે અને તે બાબતે જયભાઈ નામના વ્યક્તિએ કોલ કર્યો છે.જેથી પોલીસમેન અજીતસિંહ પીસીઆરવાનમાં અહીં પહોંચ્યા હતા. દરમિયાન અહીં કોલ કરનાર હાજર હોય તેમને ઝઘડા બાબતે પૂછતા કહ્યું હતું કે, નૈમિશ પ્રફુલભાઈ રાજવીર અમારી સાથે ઝઘડો કર્યો છે. જેથી પોલીસે અરજદારને ફરિયાદ કરવી હોય તો પોલીસ સ્ટેશન આવો તેવું કહેતા અરજદાર તથા નૈમિશને પીસીઆર વાનમાં બેસવા અંગે કહેતા નૈમિશ ઉશ્કરાઇ ગયો હતો અને પોલીસ સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. દરમિયાન તેણે બાજુમાંથી પ્લાસ્ટિકનો પાઇપ લઈ જયભાઈને કહ્યું હતું કે તે પોલીસ બોલાવી છે અને પોલીસ અમારું કંઈ નહીં બગાડી શકે તેમ કહી બોલાચાલી કરતા પોલીસે ઝઘડો ના કરવા સમજાવવા જતા નૈમિષ વધુ ઉશ્કેરાયો હતો અને જોર જોરથી બૂમો પાડી પ્લાસ્ટિકના પાઇપ વડે પીસીઆરના બોનેટના ભાગે ઘા મારી તેમાં નુકસાન કર્યું હતું. દરમિયાન પોલીસે બીજી પીસીઆર વાન મદદ માટે બોલાવી લેતા બાદમાં આ શખસને પકડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.

વિશેષમાં જાણવા મળતી વિગતો મુજબ, આરોપી નૈમિશ પ્રફુલભાઈ રાજવીર કોન્ટ્રાક્ટર હોય અને અહીં તેની બાંધકામ સાઈટ ચાલતી હોય જ્યારે જયભાઈ અને તેની સાથે કામ કરનાર પાર્થ બને અહીં અન્ય એક બાંધકામ સાઈટ પર કામ કરતા હોય તે બંને સાથે આરોપીએ વાહન પાર્ક કરવા બાબતે ઝઘડો કર્યો હતો બાદમાં મારામારી કરી હતી જેમાં પાર્થને ઈજા પહોંચતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે હાલ કોન્સ્ટેબલ અજીતસિંહ પરમારની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે નૈમિશ પ્રફુલભાઈ રાજવીર સામે પોલીસની ફરજમાં રૂકાવટ, સરકારી વાહનને નુકસાન કરવા અંગે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવાની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ખેર ચલાવી રહ્યા છે.


યુવાને માર માર્યા અંગે કોન્ટ્રાક્ટર સામે અલગથી ગુનો નોંધાશે

પોલીસ સાથે બબાલ કરનાર કોન્ટ્રાક્ટર નૈમિશ પ્રફુલભાઈ રાજવીર રાત્રીના વાહનપાર્ક કરવા બાબતે અહીં બાંધકામ સાઈટ પર કામ કરનાર પાર્થ નામના યુવાન સાથે માથાકૂટ કરી હોય અને તેને માર માર્યો હોય જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ શખસે પોલીસ સાથે પણ બબાલ કરી હોય જેથી તેની સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો છે જ્યારે યુવાન સાથે મારકૂટ કરવા અંગે અલગથી ફરિયાદ નોંધાવવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application