તબીબોએ હવે તેમની હોસ્પિટલના બીયુપી (કમ્પ્લિશન સર્ટિફિકેટ) અને ફાયર એનઓસી સહિતના ડોક્યુમેન્ટ્સની ફાઇલ તૈયાર રાખવી પડશે. રાજકોટ શહેરમાં ટૂંક સમયમાં તમામ હોસ્પિટલોમાં ચેકિંગનો શરૂ થશે. ભાવનગરની હોસ્પિટલમાં ભભૂકેલી વિકરાળ આગ બાદ હોસ્પિટલોમાં રાજ્ય વ્યાપી ચેકિંગના આદેશો ગાંધીનગરથી જારી કરવામાં આવ્યા છે, જે અંતર્ગત અમદાવાદમાં ગઇકાલે નવ હોસ્પિટલ સીલ કરાઇ હતી અને આજે પણ ચેકિંગ ચાલું હોવાનું જાણવા મળે છે.
દરમિયાન આ અંગે રાજકોટ મહાપાલિકાના ઇન્ચાર્જ ટાઉન પ્લાનિંગ ઓફિસર આર.ડી.પરમારનો સંપર્ક સાધતા તેમણે આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટની હોસ્પિટલોમાં પણ બીયુપી અંગે ચેકિંગ શરૂ કરાશે.
જ્યારે રાજકોટ ફાયર બ્રિગેડના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, ૯ મીટરથી વધુ ઊંચાઇ ધરાવતું હોસ્પિટલ બિલ્ડિંગ હોય તેમજ જ્યાં આગળ દર્દીને ૨૪ કલાક સુધી દાખલ કરી શકાય તેવી સુવિધાઓ ઉપલબ્ધ હોય તેવી તમામ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અને ફાયર એનઓસી અંગેનું ચેકિંગ કરવા આદેશો જારી થયા છે અને તે અન્વયે ટૂંક સમયમાં રાજકોટમાં ચેકિંગ શરૂ કરાશે.
મહત્વપૂર્ણ છે કે રાજકોટ શહેરમાં કોર્પોરેટથી લઇ ખાનગી સુધીની હોસ્પિટલો સહિત કુલ ૨૦૦૦થી વધુ દવાખાનાઓ કાર્યરત છે જેમાં ક્યારેય ચેકિંગ થતું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેર વિસ્તારની હોસ્પિટલોમાં બીયુપી અને ફાયર એનઓસી અંગે ચેકિંગ હાથ ધરી નવ હોસ્પિટલ સીલ કરવામાં આવી હતી જેમાંદેવપુષ્પ મેટરનીટી એન્ડ નર્સિંગ હોમ-સરખેજ, મુસ્કાન મેટરનીટી હોમ, ગુલમોહર સોસાયટી- મક્તમપુરા,નૌશીન હોસ્પિટલ, મક્તમપુરા, રિયાઝ હોસ્પિટલ, રોયલ અકબર ટાવર પાસે, જુહાપુરા, હેપ્પીનેસ્ટ ચીલ્ડ્રન હોસ્પિટલ, યુનીડ ફ્લેટ, વિશાલા સર્કલ, સફલ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ-સાઉથ બોપલ, મમતા હોસ્પિટલ- સાઉથ બોપલ, આસના ઓર્થોપેડીક હોસ્પિટલ- સાઉથ બોપલ, દ્વારિકા હોસ્પિટલ-સાઉથ બોપલ સહિતનો સમાવેશ થાય છે.