આ વખતની ચૂંટણીમાં વિપક્ષને અપંગ બનાવીને લડે છે ભાજપ

  • April 04, 2024 03:21 PM 

થોડાં અઠવાડિયાં પહેલાં ચૂંટણીની મોસમ શરૂ થઈ છે ત્યારથી એક પણ દિવસ એવો નથી પસાર થયો કે જ્યારે કેન્દ્રીય એજન્સીઓએ વિરોધ પક્ષો અને તેમના નેતાઓને શાંતિથી બેસવા દીધા હોય. કોઈને કોઈ નેતા કે પક્ષ સામે એજન્સીઓની કાર્યવાહી ચાલુ જ છે. કેન્દ્રીય એજન્સીઓ આટલી સક્રિય હોય અને વિપક્ષને જ નિશાન બનાવતી હોય ત્યારે મતદાન થાય તે નિષ્પક્ષ કહેવાય? ભાજપ આ ચૂંટણી જીતી જ જવાનો છે એ નક્કી જ છે છતાં આ જીત તેને શુદ્ધ માર્ગે મેળવી ચ્ચે એમ કહી શકાશે? ભાજપે સત્તા માટે કોઈ જ રસ્તો અછૂત નથી ગણ્યો. દેશની લોકશાહી માટે આ ખતરનાક વલણ છે જે હમણા બહુ જ ઓછાને સમજાશે. ગઈકાલે જ ઇન્ડીયન એક્સપ્રેસે એક અફલાતુન વિશ્લેષણ કરતી ફ્રન્ટ પેજ સ્ટોરી કરી: પાછલા દસ વર્ષમાં ૨૫ મોટા વિપક્ષી નેતાઓ ભાજપમાં ગયા જેમની પાછળ એજન્સીઓ હડકાયા કૂતરાની જેમ પડી હતી અને એમાંથી ૨૩ સામેના કેસ અભેરાઈ પર ચડાવી દેવામાં આવ્યા. એક નેતાએ કેન્દ્રીય એજન્સીઓની કાર્યશૈલી વિષે કટાક્ષમાં કહ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, આવકવેરા અને સીબીઆઈ જેવી કેન્દ્ર સરકારની એજન્સીઓ ’રાજકીય હેતુઓ માટે તપાસ’ની તેમની કુશળતાને તીક્ષ્ણ બનાવી રહી છે. કેટલાક વિપક્ષી નેતાઓને લાગે છે કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી લડવી એ તેમની કારકિર્દીની સૌથી પડકારજનક ચૂંટણી હશે. કેટલાકે તો અ જ કારણે ટીકીટ લેવાનો જ ઇનકાર કરી દીધો છે. વિપક્ષની દલીલ છે કે જે રીતે હેમંત સોરેન અને અરવિંદ કેજરીવાલની ધરપકડ, કેન્દ્રીય એજન્સીઓમાં વિપક્ષ સામે કાર્યવાહી, ચૂંટણીની તારીખો જાહેર થયા પછી કોંગ્રેસ અને અન્ય પક્ષોના બેંક ખાતાઓ ફ્રીઝ કરવા જેવી ઘટનાઓએ ચૂંટણીની નિશ્પક્ષતાને અસર કરી છે. આ ચિંતા એ સ્તરે પહોંચી ગઈ છે કે રાહુલ ગાંધી જેવા નેતાઓએ જાહેરમાં કહ્યું છે કે આ ચૂંટણી ક્રિકેટમાં મેચ ફિક્સિંગની જેમ ’ફિક્સ’ છે. રાજકીય નિરીક્ષકો કહી રહ્યા છે કે આ વિરોધ પક્ષો માટે સમાન સ્પર્ધા નથી. ઉદાહરણ તરીકે, કોંગ્રેસનું ખાતું ફ્રીઝ કરવામાં આવ્યું તે પક્ષની આર્થિક કમર ભાંગી નાખવા માટેનું જ પગલું હતું. સામા પક્ષે એનડીએના પક્ષો કાળા અને ધોળાં બંને નાણા આરામથી વાપરે તો પણ તેને કોઈ કાંઈ કહેવાવાળું નથી. મહત્વના હોદ્દા પર રહેલા શાસક પક્ષના નેતાઓ પ્લેનમાં પ્રચાર કરી રહ્યા છે. શું આની ક્યારેય તપાસ થઈ શકે છે? ઉત્તર પ્રદેશના એક ડીએમએ લોકોને વારાણસીમાં આરએસએસના એક કાર્યક્રમમાં જવા કહ્યું. તેમની અપીલનો વીડિયો બહાર આવ્યો અને તેને વ્યાપક રીતે શેર કરવામાં આવ્યો. નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે જવાબદાર અધિકારી પાસેથી તમે કઈ નિષ્પક્ષતાની અપેક્ષા રાખી શકો? દરેકને સમાન તક આપવામાં આવી રહી નથી.આ એક સમાન હરીફાઈ નથી. ભાજપ વિપક્ષને અપંગ બનાવીને ચૂંટણી લડવા માંગે છે. આ લેવલ પ્લેયિંગ ફિલ્ડ નથી. મહત્વની વાત એ છે કે વિપક્ષ આ મુદ્દાઓ પર જનતા સમક્ષ કેટલી અસરકારક રજૂઆત કરશે. ધ્રુવીકરણની આ રાજનીતિમાં, આ મુદ્દાઓ માત્ર મતદારના પરિપ્રેક્ષ્ય પર આધારિત દલીલોને મજબૂત બનાવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application