ભાજપના કોર્પોરેટરોનો આરોગ્ય અધિકારી સામે બળાપો

  • March 19, 2025 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ મહાનગરપાલિકામાં આજે મળેલી જનરલ બોર્ડ મિટિંગમાં ખુદ શાસક પક્ષ ભાજપના કોર્પોરેટરો એ જ આરોગ્ય શાખા ઉપર તડાપીટ બોલાવી હતી અને આરોગ્ય અધિકારીની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. મેલેરીયા શાખાના પ્રશ્નોની ચર્ચા ચાલી રહી હતી અને વિપક્ષે નેતા વશરામ સાગઠીયા એટલાન્ટિસ અગ્નિકાંડમાં થયેલા ત્રણના મોતની ચર્ચાની માંગણી કરી રહ્યા હતા આ વેળાએ એકાએક ભાજપના કોર્પોરેટર વિનુભાઈ ધવા વિફર્યા હતા અને તેમણે આરોગ્ય શાખાની કામગીરી નબળી હોવાના બેફામ આક્ષેપો કર્યા હતા. આરોગ્ય અધિકારી ક્યારેય આરોગ્ય કેન્દ્રમાં ચેકિંગ માટે જતા ન હોય કે જરૂરી કરવા પાત્ર કામગીરી કરતા ન હોય તેના કારણે જન આરોગ્યની સ્થિતિ બગડી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

સૌપ્રથમ વિનુ ધવાએ આરોગ્ય અધિકારી ઉપર આક્ષેપો કરવાનું શરૂ કર્યા બાદ તેમની સાથે ચર્ચામાં ભાજપના અન્ય કોર્પોરેટરો પણ જોડાયા હતા જેમાં જીતુ કાટોળીયા મનીષ રાડીયા, નીતિન રામાણી વગેરે એ પણ આરોગ્ય શાખાની કામગીરી સામે આક્રોશ ઠાલવ્યો હતો અને યોગ્ય કાર્યવાહી કરવા મેયર તેમજ કમિશનર સમક્ષ માંગ ઉઠાવી હતી. એટલાન્ટિસ અગ્નિકાંડ અને મચ્છરોની ચર્ચા ચાલી રહી હતી તેમાંથી અચાનક પ્રશ્નોત્તરીનો દોર પોતાના તરફ ફંટાતા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી અવાચક બની ગયા હતા.

વિનુ ધવાએ એવું આક્ષેપ કર્યો હતો કે મુખ્ય આરોગ્ય અધિકારી ક્યારેય આરોગ્ય કેન્દ્રની સ્થળ તપાસ કરવા માટે જતા નથી. આરોગ્ય કેન્દ્રમાં લશ્કર ક્યાં લડે છે તેનો કોઈને ખ્યાલ નથી. બજેટમાં દર્શાવેલી તેમ જ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ માંથી મળતી આરોગ્ય સાધનોની સુવિધા પણ અનેક આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ નથી તેમ જ આ માટે વારંવાર રજૂઆત કરવામાં આવે ત્યારે આવી જશે તેવા જવાબો અપાય છે પરંતુ વર્ષ પૂર્ણ થવા આવ્યું છતાં સાધનોની સુવિધા ઉપલબ્ધ થઈ નથી.

દરમિયાન ભાજપના કોર્પોરેટર જીતુ કાટોડીયાએ એવો સવાલ ઉઠાવ્યો હતો કે આયુષ્યમાન કાર્ડ કઢાવવા જતા અરજદારો વારંવાર પરેશાન થઈ રહ્યા છે અને તેમને આરોગ્ય કેન્દ્રમાંથી યોગ્ય જવાબ મળતા નથી કે માર્ગદર્શન મળતું નથી તેમજ જવાબ મળે તો કાર્ડ કાઢવાની પ્રક્રિયામાં ખૂબ વિલંબ થઈ રહ્યો છે આ માટે તાત્કાલિક જરૂરી પગલાં લેવામાં આવે તેવી તેમણે માંગણી કરી હતી.

શાસક અને વિપક્ષ વચ્ચે બેફામ આક્ષેપબાજીનો દોર ચાલુ હતો તે દરમિયાન કોર્પોરેટર પુષ્કર પટેલ, સુરેન્દ્રસિંહ વાળા, જ્યોત્સનાબેન ટીલાળા સહિતના કોર્પોરેટરોએ પણ વિપક્ષ સામે પ્રહારો કર્યા હતા.


આરોગ્ય કેન્દ્રનું હું સરપ્રાઇઝ ચેકિંગ કરીશ-મેયર ફરિયાદો સાંભળીને કમિશનર પણ ચોકી ઉઠ્યા

મહાનગરપાલિકાની જનરલ બોર્ડ મિટિંગમાં આરોગ્ય શાખાની કામગીરી સામે અઢળક સવાલો ઉઠતા તેમજ બેફામ આક્ષેપો થતા મેયર અને કમિશનર પણ ચોકી ઉઠ્યા હતા. જ્યારે શાસક પક્ષના સભ્યોએ આરોગ્ય શાખાની નબળી કામગીરી સામે સવાલોનો મારો ચલાવતા આ તકે મેયરે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં તેઓ આરોગ્ય કેન્દ્રનું સરપ્રાઈઝ ચેકિંગ કરશે. મ્યુનિસિપલ કમિશનરે સુમેરાએ પણ યોગ્ય કરવા ખાતરી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application