મહેસાણા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લોહિયાળ બની છે શહેરના વોર્ડ નં. 4માં ચૂંટણી પ્રચાર અને રાજકીય ગરમાવા વચ્ચે ભાજપ અને કોંગ્રેસના સમર્થકો આમને-સામને આવી ગયા હતા. તાવડિયા રોડ પર થયેલી આ જૂથ અથડામણે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં ભાજપના ઉમેદવારના ભાણેજ મિતેન ચૌધરી પર છરીથી હુમલો કરવામાં આવતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં ભારે તણાવ અને ચર્ચા વ્યાપી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણા શહેરના માનવઆશ્રમ ચોકડીથી તાવડિયા તરફ જતાં માર્ગ પર ગઈકાલે મોડી રાત્રે આ હિંસક ઘટના બની હતી. ભાજપના ઉમેદવારના ભાણા મિતેન ચૌધરી અને તેમનો મિત્ર ધીમંત ચૌધરી અન્ય બે મિત્રો સાથે ગાડીમાં પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ચારથી પાંચ અજાણ્યા શખ્સોએ તેમની ગાડી આંતરી હતી. કોઈ પણ વાતચીત કે સમજાવટ પહેલા જ હુમલાખોરોએ લાકડીઓ, લોખંડની પાઈપ અને તીક્ષ્ણ છરી જેવા હથિયારો વડે મિતેન અને તેના મિત્રો પર તૂટી પડ્યા હતા.
આ હુમલો એટલો ભયાનક હતો કે મિતેન ચૌધરીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. આ અથડામણમાં ધીમંત ચૌધરીને પણ ઇજાઓ પહોંચી હતી, જ્યારે સામા પક્ષે કોંગ્રેસના ઉમેદવારના પતિને પણ ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
ઘટનાની ગંભીરતાને જોતા ડીવાયએસપી મિલાપ પટેલ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી આવ્યો હતો. મિલાપ પટેલે જણાવ્યું હતું કે, પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ગુનાહિત કાવતરું કોણે રચ્યું, હુમલામાં કોની કોની સંડોવણી છે અને કોણે શું ભૂમિકા ભજવી છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
એલસીબી અને 'એ' ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમો બનાવી ઘટનાના આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. તેમજ હુમલાખોરોની ઓળખ કરવા માટે વિસ્તારના તમામ સીસીટીવી કેમેરાનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય કોલ ડિટેઈલ રેકોર્ડના આધારે શંકાસ્પદ વ્યક્તિઓના લોકેશન અને સંપર્કની તપાસ હાથ ધરવામાં આવી છે.
ચૂંટણીના માહોલમાં બનેલી આ હત્યાની ઘટનાએ મહેસાણાના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા આક્ષેપ-પ્રતિઆક્ષેપ શરૂ કરવામાં આવ્યા છે. સ્થાનિકોમાં પણ આ ઘટનાને લઈને ભારે ભય ફેલાયો છે. પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
હાલમાં મહેસાણા શહેરમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે, પરંતુ સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. પોલીસ દ્વારા લોકોને શાંતિ જાળવવા અને કાયદાને હાથમાં ન લેવા અપીલ કરવામાં આવી છે.